ઉમેદવારોના પરિણામની સાથે ગુણો પણ સત્તાવાર પોર્ટલ પર પોસ્ટ કરાશે
મંગળવારે સવારે ગાંધીનગરમાં વિરોધ કરી રહેલા મોટી સંખ્યામાં સરકારી નોકરી ઇચ્છુકોની અટકાયત કર્યા પછી, રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે, તે તેમની મોટાભાગની માંગણીઓ માટે સંમત છે. ગુજરાત સબઓર્ડિનેટ સર્વિસિસ સિલેક્શન બોર્ડ (જીએસએસએસબી) તેની વેબસાઈટ પર ફોરેસ્ટ બીટ ગાર્ડની લેખિત પરીક્ષાના પરિણામ 9 ઓગસ્ટ એટલે કે શુક્રવારે જાહેર કરશે.
મંગળવારે સવારે ગાંધીનગરના રામકથા મેદાનમાં વિરોધ પ્રદર્શન કરતી વેળાએ ફોરેસ્ટ બીટ ગાર્ડની ભરતીની પરીક્ષા આપનારા કેટલાક સરકારી નોકરી ઇચ્છુકોની અટકાયત કરવામાં આવી હતી. સામાન્ય પ્રક્રિયા મુજબ જીએસએસએસબી અંતિમ પરિણામો પોસ્ટ કરે છે પણ માર્ક્સ જાહેર કરવામાં આવતા નથી. ઉમેદવારોની માંગણી પછી એવું નક્કી કરવામાં આવ્યું છે કે લેખિત પરીક્ષાના માર્કસ જીએસએસએસબી વેબસાઇટ પર ઑગસ્ટ 9ના રોજ પોસ્ટ કરવામાં આવશે. સરકારે તેમની મોટાભાગની માંગણીઓ સ્વીકારી લીધી છે, તેવું એડિશનલ ચીફ સેક્રેટરી કમલ દયાનીએ જણાવ્યું હતું.
જીએસએસએસબી દ્વારા બીટ ગાર્ડની જગ્યા માટે 823 ખાલી જગ્યાઓ ભરવા માટે ફેબ્રુઆરીમાં પરીક્ષા લેવામાં આવી હતી. પરીક્ષામાં હાજર રહેલા 2.67 લાખ ઉમેદવારોમાંથી લગભગ 1.70 લાખ ઉમેદવારોએ લઘુત્તમ લાયકાતના ગુણ મેળવ્યા હતા.
વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે જીએસએસએસબીએ અંતિમ પસંદગી માટે લગભગ 6,500 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. વિદ્યાર્થીઓ માંગ કરી રહ્યા છે કે તમામ ઉમેદવારોના માર્ક્સ જાહેર કરવા જોઈએ અને પરીક્ષા આયોજિત કરવા માટે કોમ્પ્યુટર આધારિત ભરતી ટેસ્ટ પદ્ધતિને રદ કરવી જોઈએ.