‘બુંદ સે ગઈ હોજ સે નઈ આતી’
અંતે પાકનો નાપાક એકરાર પાકિસ્તાનની પવિત્ર જગ્યાને નાપાક બનાવી આતંકીઓ માટે દોઝખ બનાવી હોવાની મુરાદમાં જગત સમક્ષ ખુલ્લું પડી ગયું
‘પાકિસ્તાન’નો અર્થ પવિત્ર ભૂમિ એવો થાય છે પરંતુ આઝાદીથી આજ પર્યંત પાકિસ્તાનના સત્તાવાળાઓ અને તેના સુત્રધારોએ આ પવિત્ર નામધારી ભૂમીને નાપાક બનાવીને જગત આખા માટે નાસુર બની જાય તેવી આતંકવાદી પ્રવૃતિથી પાકિસ્તાનની ભૂમિને નાપાક બનાવી આતંકથી દેશને દોઝક બનાવી દીધું છે. વળી નાપાક પ્રવૃતિ અંગે અત્યાર સુધી પાકિસ્તાને જગત આખાને ઉંધા ચશ્મા પહેરાવ્યા હતા અને ક્યારેય પોતાની આ હરકતની કબુલાત કરી ન હતી પરંતુ અંતે પાકનો નાપાક એકરાર જગત સમક્ષ ખુલ્લુ પડી ગયું હોય તેમ પાકિસ્તાનની સ્પેશિયલ કોર્ટે આતંકી હાફિઝ સઈદને ટેરર ફંડીંગના ગુનામાં ૧૫ વર્ષની જેલ કરતો ચુકાદો આપ્યો છે. પાકિસ્તાન માટે ‘બુંદ સે ગઈ હોજ સે નઈ આતી’ જેવી પરિસ્થિતિ ઉભી થઈ છે.
ભારતમાં પ્રોકસીવોરમાં પાકિસ્તાની વારંવાર હાફિઝ સઈદની સંસ્થાઓનો દૂરઉપયોગ કર્યો છે. મુંબઈ આતંકવાદી હુમલામાં માસ્ટર માઈન્ડ અને જમાત ઉલ દાવાના હાફિઝ સઈદનું નામ ખુલ્યું હતું ત્યારે પાકિસ્તાને મુંબઈ હુમલામાં પોતાનો કોઈ હાથ-પગ ન હોવાનું જુઠાણું ચલાવ્યું હતું અને ભારત વિરોધી તત્ત્વોને પોતાની ભૂમિનો ઉપયોગ કયારેય કરવા દીધો ન હોવાનું જુઠાણું ચલાવતું આવ્યું છે. હવે પાકિસ્તાનની સ્પેશિયલ કોર્ટે હાફિઝ સઈદને ટેરર ફંડીંગમાં ૧૫ વર્ષની સજાનો હુકમ આપતા પાકિસ્તાનના જુઠાણા ઉઘાડા પડી ગયા છે.
મુંબઈ આતંકી હુમલાના માસ્ટર માઈન્ડ અને પ્રતિબંધિત જમાત ઉલ દાવાના મુખ્યા હાફિઝ સઈદને ગુરૂવારે પાકિસ્તાનની સ્પેશિયલ કોર્ટે ટેરર ફંડીંગના અનેક કેસમાંથી એક કેસમાં સાડા પંદર વર્ષની સજા ફટકારતો હુકમ કર્યો છે. આતંકવાદ વિરોધી અદાલત લાહોરની સ્પેશિયલ કોર્ટે સાડા પંદર વર્ષની સજા ઉપરાંત હાફિઝ સઈદને ૨ લાખ રૂપિયાનો દંડ પણ કર્યો છે. ૭૦ વર્ષના હાફિઝ સઈદને ચાર ટેરર ફંડીંગ કેસમાં કુલ ૨૧ વર્ષની સજા સંભળાવવામાં આવી છે.
ગુરૂવારે એન્ટી ટેરેરીજમ કોર્ટ લાહોરે જમાત ઉલ દાવાના હાફિઝ સઈદના પાંચ આરોપીઓને સાડા પંદર-સાડા પંદર વર્ષની સજા ફટકારી હતી. પાંચ ટેરર ફાયનાન્સીંગ કેસમાં હાફિઝ સઈદને ખાસ સુરક્ષા સાથે કોટ લખપત જેલ લાહોરમાં ૩૬ વર્ષના કારાવાસ માટે મોકલી દેવામાં આવશે. કોર્ટ લખપત જેલ વીઆઈપી પ્રોટોકોલ ધરાવતી હોવાનું માનવામાં આવે છે. કુલ ૪૧ જેટલા આક્ષેપોનો સામનો કરનાર હાફિઝ સઈદને ૨૮માં સજા મળી છે અને અન્ય કેસો હજુ ચાલુ છે. અમેરિકાના ટ્રેઝરી વિભાગે હાફિઝ સઈદના વૈશ્ર્વિક આતંકવાદના લીસ્ટમાં સામેલ કરવાની બાબતે કેટલાક આશ્ર્ચર્યજનક નિર્ણયો લીધા હતા. વૈશ્ર્વિક આતંકી ફંડ પર નજર રાખતા ફાયનાન્સીયલ એકશન ટાસ્ટ ફોર્સે પાકિસ્તાનની ઘણા લાંબા સમયથી આતંકીઓ સામે પગલા લેવા દબાણ કર્યું હતું. ભારતમાં થયેલા હુમલામાં પાકિસ્તાનની ભૂમિનો ટેરર ફંડીંગમાં ઉપયોગ થયો હોવાનો આક્ષેપ થયો હતો પરંતુ પાકિસ્તાને આ આક્ષેપનો ઈન્કાર કર્યો હતો. ૨૦૧૮માં પાકિસ્તાને એફએટીએફની ગ્રે લાઈનમાં મુકી દીધો હતો. ૨૦૧૯માં કોવિડ-૧૯ના કારણે આ અવધી વધારવામાં આવી હતી. પાકિસ્તાન અત્યારે ટેરર ફંડીંગ મુદ્દે ગ્રે લીસ્ટમાં છે અને આ લીસ્ટ તેને આતંરરાષ્ટ્રીય સહાય મેળવવા વર્લ્ડ બેંકમાંથી એશિયન બેંક અને યુરોપીયન બેંકમાંથી સહાય મેળવવામાં અવરોધરૂપ બની રહ્યું છે ત્યારે પાકિસ્તાનની સ્પેશિયલ કોર્ટે હાફિઝ સઈદને ફટકારેલી સજાથી પાકિસ્તાન ન્યાય તંત્રએ પરોક્ષ રીતે પાકિસ્તાનની ભૂમિનો આતંકીઓ ઉપયોગ કરતા હોવાનું માનીને આપેલી સજાથી પાકિસ્તાનનું સાચુ રૂપ ઉજાગર થયું છે.