Abtak Media Google News
  • સુરેન્દ્રનગર પંથકના ભાડુલા, ચંદ્રેલિયા, ખંપાળીયા અને ગઢડામાં ધમધમતી 100થી વધુ ગેરકાયદે કાર્બોસેલની ખાણ બંધ કરાવતું ખનીજ ખાતું
  • સુરેન્દ્રનગર પંથકમાં 8 માસમાં 12 જેટલી દુર્ઘટના: 20થી વધુ એ જીવ ગુમાવ્યો

રાજ્યભરમાં પૃથ્વીના પેટાળમાં પડેલા અમૂલ્ય ખનીજની બેફામ ચોરી કરવામાં આવે છે તે વાતથી નનૈયો ભણી શકાય તેમ નથી. ગેરકાયદે ખનીજની ચોરી કરનારા ખનીજ માફિયાઓ વિરુદ્ધ તંત્ર કોઈ દાખલારૂપ કાર્યવાહી કરતી ન હોય તેના લીધે ખનન માફિયાઓ બેફામ બની ગયાં હોય તેવી રીતે ગેરકાયદે ખાણમાં બનતી જીવલેણ ઘટનાઓને દબાવી દેવા મૃતકોના બારોબાર અંતિમ સંસ્કાર કરીને આખો મામલો દબાવી દેવામાં આવતો હોય છે. ત્યારે બુધવારે વેલાળા ગામે બનેલી ઘટનામાં એક બાળ શ્રમિકના મોતથી સુરેન્દ્રનગર પંથકમાં ફક્ત આઠ માસના સમયગાળામાં કુલ 12 જેટલી દુર્ઘટના દરમિયાન 20 લોકોના મોત નીપજયાના અહેવાલ મળ્યા હતા. આ ઘટના સંદર્ભે ગઈકાલે જ ’અબતક’ દ્વારા ગેરકાયદે ધમધમતી કાર્બોસેલની ખાણ અને ખનીજ ચોરીને ઉજાગર કરતો તંત્રને અહેવાલ પ્રસિદ્ધ કરાયા બાદ સુરેન્દ્રનગર ખનીજ વિભાગ અને પોલીસ તંત્ર જાણે સફાળી જાગી હોય તેવી રીતે થાન પંથકમાં ધમધમતી 100 જેટલી ગેરકાયદે કાર્બોસેલની ખાણ પર દરોડા અને બંધ કરાવવાની કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉપરાંત ખનીજ વિભાગ દ્વારા શેખળોદ ગામ ખાતે દરોડો પાડીને આશરે રૂ. 20 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે પરંતુ મહત્વપૂર્ણ બાબત એ છે કે, એકાદ બે દિવસની કાર્યવાહીથી આ મોતના કુવા સમાન ગેરકાયદે ખાણ બંધ નહિ રહે માટે આ કાર્યવાહી સતત ચાલુ રાખવાની તાતી જરૂરિયાત છે નહીંતર ટીઆરપી ગેમઝોન જેવી ગોઝારી ઘટના બનતા વાર નહિ લાગે.

રાજકોટમાં બનેલી ગોઝારી ગેમઝોનની ઘટનામાં જે રીતે ઘોડા છૂટ્યા બાદ તબેલાના તાળા જેવી કાર્યવાહી થયાં બાદ આ પ્રકારની ઘટના બીજે ક્યાંય ન બને તેના માટે તંત્રએ જાગવાની જરૂર છે. સુરેન્દ્રનગર પંથકમાં ધમધમતી ગેરકાયદે કાર્બોસેલની ખાણ મોતનો કૂવો બનતો હોય તેમ એક પછી એક દુર્ઘટનાના મજૂરોના મોત નીપજી રહ્યા છે ત્યારે તંત્ર શું હજુ આ ગેરકાયદે ખાણો વિરુદ્ધ પગલાં લેવામાં મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહી છે? તેવો તંત્રને ઉજાગર કરતો ’અબતક’નો અહેવાલ પ્રસિદ્ધ થયાં બાદ તંત્રએ તાબડતોડ દરોડાની કાર્યવાહી હાથ ધરતા 100 જેટલી ગેરકાયદે ખાણ બંધ કરાવાઈ છે.

પ્રાપ્ત વિગત અનુસાર સુરેન્દ્રનગરના થાનગઢ ખાતે આવેલ ભડુલા વિસ્તારમાં ગેરકાયદે ખનીજ ચોરી થતી હતી. જેના પર સુરેન્દ્રનગર ખાણખનીજ વિભાગ અને લીંબડી ડીવાયએસપી ટીમે દરોડા પાડ્યા હતા. જ્યાંથી 15થી વધુ ટ્રેક્ટર, 10થી વધુ ચરખી અને 3 લાખથી વધુની કિંમતના કોલસાના જથ્થા સહિતનો કરોડોનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.

ખાણ ખનીજ વિભાગ દ્વારા અગાઉ આવા ગેરકાયદે ખાણ પર કાર્યવાહી કરી બુરવામાં આવ્યા હતા. પરંતુ ક્યાંક તંત્રની મીઠી નજર હેઠળ અથવા બાજ નજર બહાર ફરી આ ખાણો ધમધમતી થઇ ગઈ હતી. ત્યારે થાનગઢના ભડુલા વિસ્તારની અંદર કરોડો રૂપિયાની ખનીજ ચોરી થતી હોવાની બાતમીના આધારે થાનગઢ પોલીસ સ્ટેશન અને મામલતદાર ખાતાને અંધારામાં રાખીને મોડી સાંજે લીંબડી ડીવાયએસપી વી એમ રબારી અને ખાણ ખનીજ વિભાગના અધિકારી નીરવ બારોટ અને ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં 15થી પણ વધારે ટ્રેક્ટર, 10થી પણ વધારે ચરખી 3 લાખની કિંમતનો વધારે કોલસો પકડી પડાયો હતો. તંત્રના દરોડાથી થાનગઢ પંથકના ખનીજ માફિયાઓમાં ભાગદોડ મચી હતી.

સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકાના ચંદ્રેલીયા ગામે ત્રણ દિવસ પૂર્વે બનેલી ઘટના બાદ સુરેન્દ્રનગર જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા દરોડાની કામગીરી કરવામાં આવી છે. ભૂસ્તશાસ્ત્રી સુરેન્દ્રનગરની તપાસ ટીમ દ્વારા સાયલા તાલુકાના શેખળોદ ખાતે આકસ્મિક તપાસ કરતા ગેરકાયદેસર રીતે પ્રસ્થાપિત કરેલ સાદી રેતી ખનીજના વોસ પ્લાન્ટ અને 1 લોડર મશીન સીઝ કરી રૂ. 20 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

થાનગઢના વેલાળા ગામે ભેખડ પડતા 4 મજૂર દબાયા હતા. જેમાં 2 ઇજાગ્રસ્ત અને 1નું મોત, 1 લાપતા થયા છે. ત્યારે આ બનાવમાં ચાંદ્રેલીયા અને વેલાળાના   શખસ સામે ખાણમાં હેલ્મેટ કે કોઇ સાધન વસ્તુ ન આપી બેદરકારી દાખવતા ઇજા તથા મોત થયાનો ગુનો નોંધાયો છે. થાનગઢ તાલુકાના વેલાડા ગામે ખાણમાં ભેખડ પડી જતા એકનું મોત થતા જિલ્લાના કલેક્ટરે તપાસની સૂચના આપી હતી.

થાનગઢ પોલીસ  તપાસ કરી હતી. આ બનાવમાં એમપીના જમ્બુઆના નવગામાના સુરેશભાઇ પારસીંગભાઇ રાવત દ્વારા થાનના વેલાળા ગામના ગોપાલભાઇ જોધાભાઇ રબારી તથા વેલાળાના રામાભાઇ રણુભાઇ ભરવાડ સામે થાન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઇ છે. જેમાં જણાવ્યા મુજબ 5-6-24ના રોજ નરેશભાઇ તથા લાલુભાઇ નીરભયભાઇ, વિક્રમભાઇ, મહેશભાઇ, સુનીતા સહિતના ગોપાલભાઇ રબારી, રામાભાઇ ભરવાડની ખાણમાં ટ્રેક્ટરથી રસા અને કેડીયાથી અંદર ઉતરેલા હતા. તે વખતે સુનીતાએ ખાણમાંથી રાડો પાડતા ખાણમાં અંદર ગયા હતા.

ત્યારે સુનીતા પિતા લાલુભાઇને બહાર કાઢી ત્યારબાદ નરેશભાઇને બહાર કાઢ્યા હતા. ત્યારબાદ તેઓને દવાખાને લઇ ગયા હતા. જ્યાં ડોક્ટરે નરેશભાઇ મરણ થયા હોવાનું જણાવ્યું હતું. આ બનાવમાં પોલીસે કોલસાની ખાણમાં મજૂરોને કોલસો કાઢવા કે સુરક્ષાના કોઇ સાધન કે હેલ્મેટ સહિત વસ્તુઓ ન આપી બેદરકારી દાખવતા ઇજા અને મોત થયાનો ગુનો નોંધ્યો હતો.

ચંદ્રેલીયા ગામે ગેરકાયદે ધમધમતી કાર્બોસેલની ખાણ દુર્ઘટનામાં વધુ એક શ્રમિકનું મોત

સુરેન્દ્રનગર જિલ્લામાં બેફામ ખનિજ ચોરી થઇ રહી છે ત્યારે ખનીજ ચોરીમાં મજૂરોના મોત થઈ રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકાના ચંદ્રેલીયા ગામે આશરે 3 દિવસ પૂર્વે ખાણ દુર્ઘટના થઈ હતી. જેમાં અગાઉ એક મજુરનું મોત બાદ વધુ એક શ્રમિકનું પણ આજે વહેલી સવારે મોત થયું છે.

અમરેલી ખનીજ વિભાગનો સપાટો: શેત્રુંજી નદીમાંથી થતી રેતી ચોરી પર દરોડો પાડી રૂ.50 લાખનો મુદ્દામાલ કબ્જે

અમરેલી જિલ્લામાં થતી ગેરકાયદે ખનીજ ચોરી પર અંતે તંત્રએ તવાઈ બોલાવી છે. ખાણખનીજ વિભાગે અમરેલી જિલ્લાની નદીઓમાંથી રેતી ચોરી કરતા ટ્રેકટરો, લોડરો , હોડી તેમજ ડમ્પરો પકડી પાડ્યા છે. થોડા દિવસો પહેલા જ એક હોડી પણ રેતી ચોરી કરતા પકડાઈ હતી જોકે હોડી દ્વારા રેતી ચોરી કરવાનો આ પ્રથમ કિસ્સો હતો. ત્યારે હવે અમરેલી જિલ્લા મના રજસ્થળી, વીઠલપુર, સાવરકુંડલા તાલુકાના કરજાળા અને લીલીયા તાલુકાના ભેંસવડી ગામની શેત્રુંજી નદીમાં ખાણખનીજ વિભાગે રેડ કરતા ગેરકાયદે રેતી ચોરી કરતા બે ટ્રેક્ટર, લોડર, એક ડમ્પર સહિત 50 લાખનો મુદ્દામાલ કબ્જે કરી દંડાત્મક કાર્યવાહી હાથ ધરી છે. ખાણખનીજ વિભાગની આ કાર્યવાહીથી રેતી ચોરી કરતા રેત માફીયાઓમા ફફડાટ જોવા મળી રહ્યો છે.

કિંમતી ખનીજ બોકસાઈટની બેફામ ચોરી પર તંત્રએ તૂટી પડવાની તાતી જરૂરિયાત

સૌરાષ્ટ્રના પોરબંદરના સહીત રાજ્યના અનેક જિલ્લાઓમાંથી બોકસાઈટ નામની અત્યંત કિંમતી ખનીજ બોકસાઈટની પણ બેફામ ચોરી કરવામાં આવે છે. ત્યારે આ બોકસાઈટબિ ચોરી પર લગામ લગાવવાની તાતી જરૂરિયાત ઉભી થઇ છે. થોડા વર્ષો પૂર્વે તંત્રની તવાઈથી બોકસાઈટની ચોરી બંધ થઇ ગઈ હતી પરંતુ થોડા સમય બાદ ફરીવાર ખનન માફિયાઓ બોકસાઈટની ચોરી કરી અબજો રૂપિયા રળી રહ્યા છે.તંત્રની હિમશીલાના ટોચ જેવી કાર્યવાહી: સરકારી તિજોરીને અબજો રૂપિયાનો ધુંબો મારતી ખનીજ ચોરીને જડમૂળથી ડામી દેવાની જરૂર

હાલ જે રીતે સુરેન્દ્રનગર અને અમરેલી પંથકમાં ખનીજ વિભાગ અને પોલીસ ખાતાએ સંયુક્ત કાર્યવાહી હાથ ધરતા કરોડો રૂપિયાની ખનીજ ચોરી અટકાવી સંખ્યાબદ્ધ ગેરકાયદે ખાણ બંધ કરાવવામાં આવી છે પણ આ કાર્યવાહી ફક્ત હિમશીલાની ટોચ જેવી છે કારણ કે, રાજ્યભરમાં ખનીજ ચોરીનો કાળો કારોબાર અબજો રૂપિયાનો છે. રેતી, માટી, લિગનાઈટ, બોકસાઈટ, બ્લેકટ્રેપ, ફાયરક્લે સહિતના ખનીજની ચોરી કરી સરકારી તિજોરીને દર વર્ષે અબજો રૂપિયાનો ધુંબો મારવામાં આવે છે. જેથી ખનીજ ચોરીને ધડમૂળથી ડામી દેવાની જરૂરિયાત છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.