રાજકોટ જિલ્લાના અધિક કલેકટર તરીકે ચેતન ગાંધીએ આજે સત્તાવાર રીતે ચાર્જ સંભાળી લીધો છે. આમ છ મહિના જેટલા લાંબા સમય બાદ જિલ્લાને કાયમી અધિક કલેકટર મળ્યા છે.
રાજકોટ અધિક જિલ્લા કલેકટર તરીકે અગાઉ કેતન ઠક્કર કાર્યરત હતા. ગત એપ્રિલ મહિનામાં તેઓની પોરબંદર ડીડીઓ તરીકે બઢતી સાથે બદલી થઈ હતી. ત્યારબાદ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શિવરાજસિંહ ખાચરને અધિક જિલ્લા કલેકટરનો ચાર્જ સંભાળ્યો હતો. છ મહિના સુધી તેઓએ અધિક જિલ્લા કલેકટર તરીકે જવાબદારી સંભાળી હતી.
અંતે 6 મહિના બાદ જિલ્લાને મળ્યા કાયમી અધિક કલેકટર: ચેતન ગાંધી અગાઉ સાતેક વર્ષ પૂર્વે રાજકોટમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી રહી ચૂક્યા છે
જો કે ત્યારબાદ તાજેતરમાં રાજ્યના 110 અધિક કલેકટરોની બદલીના ઓર્ડર થયા હતા. જેમાં નર્મદા-રાજપીપળા ખાતે રેસિડેન્સિયલ એડિશનલ કલેક્ટર તરીકે ફરજ બજાવતા સી.એ.ગાંધીની રાજકોટ અધિક જિલ્લા કલેકટર તરીકે બદલી કરવામાં આવી હતી. આ સાથે રાજકોટ ડીઆરડીએ ડિટેક્ટર તરીકે એ.કે. વસ્તાની, સ્પીપા રાજકોટ ડેપ્યુટી ડિરેકટર તરીકે એ.એસ. મંડોત, રૂડા સીઇઓ તરીકે જી.વી. મિયાણી, એડિશનલ ઇન્સપેક્ટર જનરલ ઓફ રજિસ્ટ્રેશન રાજકોટ ઝોન તરીકે ડી.જે. વસાવાને મુકવામાં આવ્યા હતા. આજે ચેતન ગાંધીએ રાજકોટ અધિક જિલ્લા કલેકટરનો ચાર્જ સંભાળી લીધો છે. ચાર્જ સંભાળતાની સાથે જ તેઓએ બેઠકમાં પણ ભાગ લીધો હતો. ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં સાતેક વર્ષ પૂર્વે ચેતન ગાંધી રાજકોટ જિલ્લામાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે ફરજ બજાવી ચુક્યા છે. જેથી તેઓ જિલ્લાની કામગીરીથી વાકેફ છે.