સ્માર્ટ સિટી પ્રોજેકટ અંતર્ગત રૈયામાં બનાવેલી સ્પેશિયલ ટીપી સ્કીમ ફાઈનલ કરાશે: પ્રોજેકટ મેનેજમેન્ટ ક્ધસલ્ટન્ટ માટે ચાર એજન્સીઓએ રજુ કર્યું પ્રેઝન્ટેશન
કેન્દ્ર સરકાર દ્વારા દેશના જે ૧૦૦ શહેરોને સ્માર્ટ સિટી તરીકે વિકસાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તેમાં રાજકોટ શહેરની પસંદગી કરવામાં આવી છે. સ્માર્ટ સિટીના આયોજન માટે મહાપાલિકા દ્વારા તમામ તૈયારીઓને આખરીઓપ આપવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. વિધાનસભાની ચૂંટણીની આચારસંહિતા ઉઠતાની સાથે જ આજે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ પ્રોજેકટ મેનેજમેન્ટ ક્ધસલ્ટન્સ સાથે બેઠકોનો ધમધમાટ શરૂ કરી દીધો છે.
આ અંગે વધુ માહિતી આપતા મ્યુનિ.કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું છે કે રાજકોટની પસંદગી સ્માર્ટ સિટી તરીકે કરવામાં આવતા મહાપાલિકા દ્વારા રાજકોટ સ્માર્ટ સિટી કોર્પોરેશન લિમિટેડ (આર.એસ.સી.સી.એલ) નામની કંપની બનાવવામાં આવી છે. વિધાનસભાની ચૂંટણીની આચારસંહિતા પૂર્ણ થતાની સાથે જ હવે સ્માર્ટ સિટીના આયોજનને આખરીઓપ આપવા માટેની કામગીરી પુરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે.
આયોજન બાદ તેની અમલવારી પણ ઝડપથી થાય તે દિશામાં કામગીરી કરવામાં આવશે. સ્માર્ટ સિટી માટે પ્રોજેકટ મેનેજમેન્ટ ક્ધસલ્ટન્ટની નિમણુક કરવા માટે ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા. જેમાં કેપીએમજી-એઈસીએમઓ, માર્સ પ્લાનીંગ, મહેતા એન્ડ એસોસીએટ અને આકાર અભિનવ એસોસીએટસે ટેન્ડર સબમીટ કર્યા હતા.
ક્ધસલ્ટન્સ ફાઈનલ કરવા માટે આજે સવારથી જ બેઠકોનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. જે સાંજ સુધી ચાલશે. તમામ મેનેજમેન્ટ ક્ધસલ્ટન્ટ દ્વારા પ્રેઝન્ટેશન રજુ કરવામાં આવી રહ્યું છે. ક્ધસલ્ટન્ટની નિમણુક એ રીતે કરવામાં આવશે કે તેનો ઉપયોગ ભવિષ્યમાં માત્ર મહાપાલિકા જ નહીં પરંતુ પોસ્ટ વિભાગ, રેલવે વિભાગ, કલેકટર વિભાગ સહિતના સરકારી વિભાગો કરી શકશે. આજે ટેકનિકલી અને ફાઈનાન્સીયલ બીડની ચકાસણી કરવામાં આશવે.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, સ્માર્ટ સિટી રાજકોટ પ્રોજેકટ અંતર્ગત રૈયા માટે સ્પેશિયલ ટીપી સ્કીમ બનાવવામાં આવ્યું છે. આ ટીપી સ્કીમ ટુંક સમયમાં ફાઈનલ થઈ જશે અને પ્લાનીંગ તથા ડિઝાઈનીંગ કર્યા બાદ લોકોના વાંધા-સુચન મંગાવવામાં આવશે અને ત્યારબાદ આખરી મંજુરી માટે રાજય સરકારમાં મોકલવામાં આવશે. ટુંક સમયમાં સ્માર્ટ સિટી પ્રોજેકટની કામગીરી શરૂ થાય તે દિશામાં હાલ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.