પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ બપોરે પત્રકાર પરિષદમાં ૬ મહાનગરપાલિકાઓના ઉમેદવારોના નામની ઘોષણા કરશે: કોંગ્રેસ પણ વિવાદ સર્જાય તેવા વોર્ડ સિવાયના ઉમેદવારોના નામની ગમે તે ઘડીએ કરશે જાહેરાત: કાલે શુભ વિજય મુહૂર્તે ભાજપના લડવૈયાઓ ભરશે ફોર્મ
રાજકોટ સહિત રાજ્યની છ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી આગામી ૨૧મી ફેબ્રુઆરીના રોજ યોજાનાર છે. મહાપાલિકા માટે ઉમેદવારો પસંદગી કરવા માટે ત્રણ દિવસ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ બેઠકમાં મહામંથન કરાયા બાદ આજે તમામ છ મહાનગરપાલિકાના ઉમેદવારોને ફાઈનલ ટચ આપી દેવામાં આવ્યો છે. વોર્ડ વાઈઝ ચાર-ચાર બેઠકો સામે ઉમેદવારોના નામના ખાના ભરવાના જ હવે બાકી રાખવામાં આવ્યા છે. ભાજપ આજે સાંજ સુધીમાં તમામ છ મહાપાલિકામાં એક જ યાદીમાં ઉમેદવારોના નામની ઘોષણા કરી દેશે અને આવતીકાલે શુભ વિજય મુહૂર્ત બાદ ૧૨:૩૯ કલાકે ભાજપના ઉમેદવારો ફોર્મ ભરશે. બીજી તરફ કોંગ્રેસે અલગ અલગ બે યાદીમાં મહાપાલિકાના અમુક વોર્ડ માટે ઉમેદવારોના નામની ઘોષણા કરી દીધી છે. જ્યાં વિવાદ સર્જાવાની ભીતિ છે તે સીવાયના વોર્ડ માટે આજે સાંજ સુધીમાં કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામની વધુ એક યાદી જાહેર કરી દેવામાં આવે તેવી સંભાવના જણાય રહી છે.
ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક સોમવારે શરૂ થયા બાદ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારોની પસંદગી કરવા કેટલાંક નીતિ નિયમો જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં ૬૦ વર્ષથી વધુની વયના કાર્યકરોને ટીકીટ નહીં અપાય, સતત ત્રણ ટર્મથી જીતતા ઉમેદવારોને હવે ટીકીટ નહીં મળે અને રાજકીય આગેવાનોના સગા-વહાલાને ટીકીટ આપવામાં નહીં આવે. આ નિયમની જાહેરાત બાદ છ મહાપાલિકામાં ઉમેદવારોના નામ માટે સ્થાનિક સંકલન સમીતી દ્વારા જે ડિઝાઈન ફાઈનલ કરવામાં આવી હતી અને જ્ઞાતિ-જાતિ અને અનામતના સમીકરણો ધ્યાને રાખી જે પેનલ બનાવવામાં આવી હતી તેમાં ધડમુળથી ફેરફાર કરવામાં આવ્યા હતા. આ નવી પાટીલ પોલીસીથી રાજ્યભરમાં ભાજપના કાર્યકરોમાં જબરો દેકારો બોલી ગયો હતો.
ગઈકાલે પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પૂર્ણ થયા બાદ આજે સવારથી તમામ છ મહાપાલિકાના ઉમેદવારો ફાઈનલ કરવા માટેનો ધમધમાટ પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે ચાલી રહ્યો છે. વોર્ડવાઈઝ ૪-૪ બેઠકો માટે ઉમેદવારોના નામના ખાના સામે હવે માત્ર ઉમેદવારનું નામ લખવાનું જ બાકી રાખવામાં આવ્યું છે. આજે સાંજ સુધીમાં ઉમેદવારોના નામની સત્તાવાર ઘોષણા કરી દેવામાં આવશે અને આવતીકાલે ભાજપના ઉમેદવારો કોરોના ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરતા ઉમેદવારી ફોર્મ ભરશે. શનિવારે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. બીજી તરફ કોંગ્રેસ દ્વારા અલગ અલગ બે યાદીમાં મહાપાલિકા માટે કેટલાક વોર્ડના ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં પ્રથમ યાદીમાં રાજકોટના ૧૪ વોર્ડ માટે ૨૨ ઉમેદવારો જાહેર કરાયા હતા. આજે જે વોર્ડમાં વિવાદ થાય તેવી કોઈ જ સંભાવના નથી તેવા ઉમેદવારોના નામની ઘોષણા કોંગ્રેસ દ્વારા કરી દેવામાં આવશે. જ્યાં વિવાદની સંભાવના છે ત્યાં અંતિમ દિવસે એટલે કે શનિવારે ઉમેદવારોના નામ જાહેર કરાય અથવા તેઓને ડાયરેકટ મેન્ડેટ આપી ફોર્મ ભરવાની સુચના પણઆપી દેવામાં આવે તેવું હાલ જણાય રહયું છે.
ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોની સત્તાવાર જાહેરાત થયા બાદ રાજ્યભરમાં ચૂંટણીનો માહોલ પુરજોશમાં જામશે. ભાજપ નક્કી કરેલા નિયમને ચૂસ્તપણે વળગી ઉમેદવારોના નામની જાહેરાત કરશે કે પછી ખાસ કિસ્સામાં કેટલીક છુટછાટ આપવામાં આવશે તેના પર પણ કાર્યકરોની મીટ મંડાયેલી છે. રાજકોટની વાત કરવામાં આવે તો ભાજપ ૧૫ સીટીંગ કોર્પોરેટરોને મેદાનમાં ઉતારે તેવું હાલ જણાય રહ્યું છે.
નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતના મુરતીયા નક્કી કરવા શનિવારથી ફરી ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ
રાજ્યની ૫૫ નગરપાલિકા, ૩૧ જિલ્લા પંચાયત અને ૨૩૧ તાલુકા પંચાયત માટે આગામી ૨૮મી ફેબ્રુઆરીના રોજ ચૂંટણી યોજાવાની છે. આવતા સપ્તાહથી ચૂંટણીનું સત્તાવાર જાહેરનામુ પ્રસિધ્ધ થતાંની સાથે જ ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ થઈ જશે. દરમિયાન પાલિકા અને જિલ્લા તથા તાલુકા પંચાયત માટે ઉમેદવારોની પસંદગી કરવા આગામી શનિવારથી સતત ચાર દિવસ પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ બેઠક મળશે જેમાં રાજકોટ જિલ્લા પંચાયત અને જિલ્લાની નગરપાલિકા અને તાલુકા પંચાયત માટે ઉમેદવારી પસંદગી માટે રવિવારે સવારે ૯:૩૦ કલાકે પાર્લામેન્ટરી બોર્ડ બેઠકમાં નિર્ણય લેવામાં આવશે. આજે સાંજે મહાપાલિકા માટે ઉમેદવારોના નામની જાહેરાત કરાયા બાદ કાલે એક દિવસ ઉમેદવારી ફોર્મ ભરવા માટે પ્રદેશ ભાજપના પાર્લામેન્ટરી બોર્ડના સભ્ય વિરામ લેશે અને શનિવારથી ફરી નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત માટેના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા માટેની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવશે. આવતા સપ્તાહે ભાજપ દ્વારા પંચાયત અને પાલિકા માટે પણ ઉમેદવારોના નામની ઘોષણા કરી દેવામાં આવશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે નવા નિયમો જાહેર કરાયા બાદ સેન્સ પ્રક્રિયા દરમિયાન જે કાર્યકરોએ ચૂંટણી લડવા માટે ઈચ્છા વ્યકત કરી હતી અને તેઓના નામ પેનલમાં મુકવામાં આવ્યા હતા પરંતુ જે કાર્યકર નિયમમાં બંધ બેસતો હોય તેના નામો પેનલમાંથી કાઢવા માટે ફરીથી સંકલન સમીતીની બેઠક બોલાવી પડી હતી.