કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જ બેઠક વાઇઝ પેનલો તૈયાર કરી હોય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી મોટા ફેરફાર કરે તેવી સંભાવના નહીવત: ગુરૂવારથી નામોની જાહેરાતની સંભાવના
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન આગામી 1 ડિસેમ્બરે યોજાવાનું છે. જેના માટે હાલ ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઇ જવા પામી છે. રાજ્યની તમામ 182 બેઠકો માટે ઉમેદવારો નક્કી કરવા ભાજપ દ્વારા ગૃહમંત્રી અમિતભાઇ શાહની ઉપસ્થિતિમાં સતત ત્રણ દિવસ સુધી મનોમંથન કરવામાં આવ્યું હતું. દરમિયાન બેઠક વાઇઝ ઉમેદવારોના નામની પેનલ બનાવી અમિતભાઇ દિલ્હી પહોંચી ગયા છે. દિલ્હી દરબારમાં ઉમેદવારીની યાદીને ફાઇનલ ટચ આપવામાં આવી રહ્યો છે. જ્ઞાતિ-જાતિ સહિતના સમીકરણો જ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. આગામી ગુરૂવારથી ભાજપ ઉમેદવારોના નામોની સત્તાવાર ઘોષણા કરવાનું શરૂ કરી દેશે. સૌથી સલામત ઉપરાંત જ્યાં વિરોધ થવાનો રતિભાર શક્યતા નથી તેવી બેઠકો માટે ઉમેદવારોના નામો પ્રથમ યાદીમાં જ જાહેર કરી દેવામાં આવશે.
ગુજરાતનો હવાલો કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહને સોંપવામાં આવ્યો છે. તેઓએ એક-એક બેઠક માટે નિરિક્ષકોને વન ટુ વન સાંભળ્યા બાદ પેનલો તૈયાર કરી છે એટલે કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડમાં ભાજપે બહુ વધુ મથામણ કરવી પડશે નહી. સિટીંગ ધારાસભ્યો સહિત જે દાવેદારોના નામોની પેનલ બનાવવામાં આવી છે. તેમાં જેનું નામ પ્રથમ ક્રમે છે તેને જ ઉમેદવાર જાહેર કરવામાં આવે તેવી શક્યતા પણ હાલ નકારી શકાતી નથી. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અમૂક બેઠકો પર વ્યક્તિગત રસ લઇ રહ્યા છે અને આવી બેઠક માટે ઉમેદવારો નક્કી કરવાનું કામ તેઓએ પોતાની હસ્તક રાખ્યું છે. જેમાં રાજકોટ જિલ્લાની ગોંડલ બેઠકનો પણ સમાવેશ થાય છે.
રવિવાર અને સોમવાર એમ બે દિવસ માટે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળવાની હતી. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી રવિવારે અડધો દિવસ તો ગુજરાતમાં હોવાના કારણે ગઇકાલે ઉમેદવારોની પસંદગી માટે કોઇ પ્રક્રિયા હાથ પર લેવામાં આવી ન હોવાનું જાણવા મળી રહ્યું છે. દરમિયાન આજે ગુજરાતની 182 બેઠકો માટે ઉમેદવારો નક્કી કરવા માટે મનોમંથન કરવામાં આવશે.
ચૂંટણી પ્રચાર માટે ખૂબ જ ઓછો સમય મળતો હોવાના કારણે આ વખતે ભાજપ પણ નવા ચહેરાને મેદાનમાં ઉતારવાનું જોખમ ઉઠાવે તેવું લાગતુ નથી. મોટાભાગની બેઠકો પર ઉમેદવારોના નામ લગભગ ફાઇનલ જેવા જ મનાઇ રહ્યા છે. માત્ર વડાપ્રધાન એકવાર યાદી પર નજર કર્યા બાદ અમૂક બેઠકો પર ઉમેદવારોને બદલવાની સુચના આપે ત્યારબાદ નામો જાહેર કરી દેવામાં આવશે. ગુરૂવારથી અલગ-અલગ ચાર થી પાંચ યાદીમાં ઉમેદવારોના નામો જાહેર કરવામાં આવશે. પ્રથમ તબક્કાના મતદાન માટે 14મી નવેમ્બર જ્યારે બીજા તબક્કાના મતદાન માટે 17મી નવેમ્બર ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હોય ભાજપ એક સપ્તાહમાં જ ઉમેદવારોના નામો જાહેર કરી દે તેવું મનાય રહ્યું છે.