ત્રણ ટી-૨૦ની શ્રેણી હાલ ૧-૧ની બરોબરી પર હોય કાલની મેચ જીતનાર ટીમ શ્રેણી કબજે કરશે
યજમાન ભારત અને મહેમાન વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આવતીકાલે મુંબઈ ખાતે ત્રીજી અને અંતિમ ટી-૨૦ મેચ રમાશે. ૩ મેચની શ્રેણી હાલ ૧-૧ની બરોબરી પર હોય કાલની મેચ ફાઈનલસમી બની રહેશે. કાલે જીતનારી ટીમ શ્રેણી પર કબજો કરશે. ઘરઆંગણે રમાઈ રહેલી ટી-૨૦ શ્રેણી માટે વિરાટ સેનાને હોટ ફેવરીટ માનવામાં આવી રહી છે જોકે વેસ્ટ ઈન્ડિઝની ટીમ પણ ગમે તે ક્ષણે મેચનું પાસુ પલટાવવા માટે જાણીતી છે અને ટી-૨૦ ફોરમેન્ટમાં આક્રમક બેટસમેનોથી ભરપુર વેસ્ટ ઈન્ડિઝની ટીમને કયારેય ઓછી આંકવામાં આવતી નથી.
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે હૈદરાબાદ ખાતે રમાયેલી પ્રથમ ટી-૨૦ મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ૫ વિકેટનાં ભોગે ૨૦૭ રન ખડકયા હતા. કેપ્ટન વિરાટ કોહલીની આક્રમક બેટીંગનાં સહારે ભારતે ૮ બોલ બાકી રહેતા જ વિજય હાંસલ કરી દીધો હતો જોકે તિરૂવનંતપુરમમાં રમાયેલી બીજી ટી-૨૦ મેચમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમે શ્રેણીમાં પરત ફરતા ભારતને ૮ વિકેટે પરાજય આપ્યો હતો. બીજી મેચમાં નવોદિત શિવમ દૂબેને બાદ કરતા એક પણ ભારતીય બેટસમેન વેસ્ટ ઈન્ડિઝની બોલરોનો મકકમતાપૂર્વક સામનો કરી શકયો ન હતો. ખરાબ ફિલ્ડીંગ અને બિનઅસરકારક બોલીંગનાં કારણે ભારતે ટી-૨૦ મેચ ગુમાવી દીધી હતી. આવતીકાલે મુંબઈ ખાતે શ્રેણીની ત્રીજી અને અંતિમ ટી-૨૦ મેચ રમાવવાની છે. હાલ બંને ટીમો એક-એક મેચ જીતી ચુકી છે. આવામાં આવતીકાલને મેચ આપોઆપ ફાઈનલસમી બની રહેશે. કાલની મેચ જીતનારી ટીમ શ્રેણી કબજે કરશે.
આવતા વર્ષે ટી-૨૦ વર્લ્ડકપ રમાવવાનો છે ત્યારે ભારત માટે વેસ્ટ ઈન્ડિઝ સામેની ટી-૨૦ શ્રેણી વર્લ્ડકપની પ્રેકટીસ સમાન શ્રેણી માનવામાં આવી રહી છે. ઘર આંગણે રમાતી શ્રેણીમાં ભારતને કોઈપણ ભોગે પરાજય પાલવે તેમ નથી. આવામાં કાલની મેચ ક્રિકેટ રસિકો માટે ભારે રોમાંચક રહે તેવું માનવામાં આવી રહ્યું છે. મુંબઈને વિકેટ પણ બેટસમેનોને યારી આપતી હોય કાલની મેચમાં પણ રનનાં ખડકલા થાય તેવું મનાઈ રહ્યું છે. પ્રથમ બે મેચમાં ઓપનર રોહિત શર્મા ખાસ પ્રદર્શન કરી શકયો નથી. રિષભ પંતનું કંગાળ ફોમ પણ ભારત માટે માથાના દુખાવા સમાન બની ગયું છે આવામાં કાલની મેચમાં રોહિત અને રિષભ જીતનાં હીરો બને તેવું ક્રિકેટ રસિકો ઈચ્છી રહ્યા છે.