મુખ્યમંત્રીના નિવાસ સ્થાને સતત ત્રણ દિવસ સુધી મળનારી પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ૧૮૨ બેઠકો માટે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા હાથ ધરાશે: બેઠક વાઈઝ ત્રણ-ત્રણ નામની પેનલો બનાવાશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબકકાના મતદાનના આડે હવે એક માસથી પણ ઓછો સમયગાળો રહ્યો છે. આગામી મંગળવારથી ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થતાની સાથે ઉમેદવારી ફોર્મ ભરવાની કાર્યવાહી પણ શ‚ થઈ જશે. રાજયમાં છેલ્લા ૨૨ વર્ષથી સતા-સુખ ભોગવી રહેલા ભાજપે ફરી સ્પષ્ટ બહુમતી સાથે સતા હાંસલ કરવાનો અને રેકોર્ડબ્રેક ૧૫૦ + બેઠકો પર જીત હાંસલ કરવાનો સંકલ્પ લીધો છે. ગાંધીનગર સ્થિત વિજયભાઈ ‚પાણીના સતાવાર નિવાસ સ્થાને પ્રદેશ ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની ત્રણ દિવસની બેઠકનો આરંભ થઈ ચુકયો છે. જેમાં રાજયની ૧૮૨ માટે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયાને આખરીઓપ આપવામાં આવી રહ્યો છે. ત્રણ-ત્રણ નામોની પેનલ બનાવી દિલ્હી હાઈકમાન્ડને મોકલવામાં આવશે. જયાંથી હાઈકમાન્ડ દ્વારા ઉમેદવારોના નામની સતાવાર જાહેરાત કરાશે.
આ પૂર્વે દિવાળીના તહેવારોમાં ભાજપે ઉમેદવારની પસંદગી માટે છ દિવસ સુધી પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં મનોમંથન કર્યું હતું. પાટીદાર અનામત આંદોલન, નોટબંધી અને જીએસટી સહિતના અનેક પડકારો અને મોદીની ગેરહાજરીમાં ગુજરાતમાં યોજાતી ચૂંટણીમાં જીત હાંસલ કરવી સતાધારી પક્ષ ભાજપ માટે સૌથી મોટો પડકાર બની રહ્યો છે. આવું પડકારજનક વાતાવરણ હોવા છતાં કમળના પ્રતિક પરથી ચૂંટણી લડવા માટે ૧૮૨ બેઠકોમાં સેન્સ દરમિયાન નિરીક્ષણો સમક્ષ ૪૦૦૦થી પણ વધુ નામો આવ્યા છે. પ્રથમ વખત મળેલી પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં સેન્સ દરમિયાન આવેલા નામોમાં ચારણો મારી જીતી શકે તેવા જ ઉમેદવારોનું શોર્ટ લીસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું. આગામી ૧૪મી નવેમ્બરથી ચૂંટણી માટેનું જાહેરનામું પ્રસિદ્ધ થવાનું છે તે પૂર્વે આજથી ૧૨મી નવેમ્બર સુધી ગાંધીનગરમાં મુખ્યમંત્રીના બંગલા ખાતે ભાજપની પાર્લામેન્ટરની બોર્ડની બેઠક ચાલશે. તેમાં બોર્ડના સભ્યો એવા ભાજપના અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી, મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, કાનાજી ઠાકોર સહિતના ૧૪ સભ્યો ઉપસ્થિત રહેશે. તમામ બેઠકો માટે ત્રણ-ત્રણ નામોની પેનલ બનાવવામાં આવશે. જોકે જે બેઠક માટે માત્ર એક જ નામ આવ્યું હોય તેવી બેઠકો માટે સિંગલ નામ હાઈકમાન્ડને મોકલવામાં આવશે. ભાજપના વર્તમાન ધારાસભ્યો પૈકી ૬૦ ટકાથી વધુને રીપીટ કરવામાં આવે તેવી સંભાવના પણ જણાઈ રહી છે.
આજે સવારે ૯:૩૦ કલાકે ભાજપ ત્રિ-દિવસીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનો આરંભ થઈ ચુકયો છે. જેમાં બોર્ડના ૧૪ સભ્યો સૌરાષ્ટ્ર-કચ્છ, ઉતર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતનો ક્રમશ: વારો લેશે અને બેઠક વાઈઝ ઉમેદવારોના નામની ચર્ચા કરવામાં આવશે. ત્યારબાદ જે પેનલ તૈયાર કરાશે તે એક સીલ બંધ કવરમાં દિલ્હીમાં હાઈકમાન્ડને મોકલી દેવામાં આવશે. ભાજપ દ્વારા આગામી ૧૯મી નવેમ્બરના રોજ ૮૯ બેઠકો માટે ઉમેદવારોના નામની ઘોષણા કરવામાં આવે તેવી સંભાવના જણાઈ રહી છે. મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી સહિતના ભાજપના ઉમેદવારો ૨૦મી નવેમ્બરના રોજ બપોરે ૧૨:૩૯ કલાકના શુભ વિજય મુહુર્તે ઉમેદવારી ફોર્મ ભરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજયમાં ૯મી ડિસેમ્બરે પ્રથમ તબકકાના મતદાનમાં ૮૯ બેઠકો માટે અને ૧૪મી ડિસેમ્બરે બીજા તબકકાના મતદાનમાં ૯૩ બેઠકો માટે ચૂંટણી યોજાશે અને તમામ ૧૮૨ બેઠકો માટે મતગણતરી ૧૮મી ડિસેમ્બરના રોજ યોજાશે.