- પંજાબની 13, ઉત્તર પ્રદેશની 13, બિહારની 8, પશ્ચિમ બંગાળની 9, ઓડિશાની 6, હિમાચલ પ્રદેશની 4, ઝારખંડની 3 અને ચંદીગઢની 1 બેઠક ઉપર ઉત્સાહભેર મતદાન : હવે 4 જૂને જનાદેશ જાહેર થવાની જોવાતી રાહ
ચૂંટણી 2024ના સાતમાં તબક્કામાં આજ રોજ 8 રાજ્યોની 57 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આ રાજ્યોમાંથી કુલ 904 ઉમેદવારો મેદાનમાં છે. સાતમાં તબક્કામાં 57 બેઠકોમાંથી પંજાબની 13, ઉત્તર પ્રદેશની 13, બિહારની 8, પશ્ચિમ બંગાળની નવ, ઓડિશાની છ, હિમાચલ પ્રદેશની ચાર, ઝારખંડની ત્રણ અને ચંદીગઢની એક બેઠક પર મતદાન થઇ રહ્યું છે. આ તબક્કા સાથે જ લોકસભાની ચૂંટણી સમાપ્ત થશે. ચૂંટણીના પરિણામ 4 જૂને જાહેર થશે.
સાતમાં તબક્કામાં વારાણસીમાં પણ ચૂંટણી યોજાઈ રહી છે. આ સીટ પરથી પીએમ મોદી ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસે તેમની સામે અજય રાયને મેદાનમાં ઉતાર્યા છે. વડાપ્રધાન આ બેઠક પરથી ત્રીજી વખત ચૂંટણી લડી રહ્યા છે. અભિનેતા રવિ કિશન ગોરખપુર બેઠક પરથી મેદાનમાં છે. ફિલ્મ અભિનેત્રી કંગના રનૌત હિમાચલની મંડી સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે. તેમની સામે પૂર્વ મુખ્યમંત્રી વીરભદ્ર સિંહના પુત્ર વિક્રમાદિત્ય તેમની સામે કોંગ્રેસના ઉમેદવાર છે.
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર હમીરપુર બેઠક પરથી, મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જી પશ્ચિમ બંગાળની ડાયમંડ હાર્બર બેઠક પરથી, પંજાબના પૂર્વ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની જલંધરથી, હરસિમરત કૌર બાદલ ભટિંડાથી, લાલુ પ્રસાદ યાદવના પુત્રી મીસા ભારતી પાટલીપુત્ર બેઠક મેદાનમાં છે.
સાતમા તબક્કામાં આઠ રાજ્યોની 57 લોકસભા સિવાય ઓડિશામાં 42 વિધાનસભા બેઠકો પર ચૂંટણી યોજાઈ રહી છે. આ સિવાય હિમાચલ પ્રદેશની છ બેઠકો પર પેટાચૂંટણી યોજાશે. આ તબક્કામાં પંજાબ અને હિમાચલ પ્રદેશની તમામ લોકસભા સીટો પર મતદાન થઈ રહ્યું છે.
વિવિધ મીડિયા સંસ્થાઓ આજ રોજ સાંજે 6:30 વાગ્યા પછી તેમના દ્વારા હાથ ધરવામાં આવેલા વિવિધ એક્ઝિટ પોલના પરિણામો જાહેર કરશે. ઉલ્લેખનીય છે કે એક્ઝિટ પોલ એ લોકોના મતદાન પછી તરત જ હાથ ધરાયેલો ઝડપી સર્વે છે, જે મતદારોના તેમના મતના અધિકારની કવાયત બાદ તેમની લાગણીઓને માપવાના પ્રયાસમાં છે. ચૂંટણી પહેલા થતા નિયમિત ઓપિનિયન પોલથી વિપરીત, એક્ઝિટ પોલ મતદારોને પૂછે છે કે તેઓએ ખરેખર કોને મત આપ્યો છે, તેમને વધુ સચોટ બનાવે છે.
શેરબજાર વિવિધ પક્ષોની કેટલી સીટોને લઈને તેજી મંદીના આંકડા માંડે છે?
ફિલિપ કેપિટલ અનુમાન લગાવે છે કે ભાજપ 325+ બેઠકો અને એનડીએ 360+ બેઠકો મેળવે છે તો માર્કેટ ઉપર જશે. આનાથી ઓછી બેઠકો મળવાથી માર્કેટ નીચે જઈ શકે છે. જેએમ ફાઇનાન્શિયલ અનુમાન લગાવે છે કે ભાજપને 310 બેઠકોથી વધુ બેઠકો મળશે તો માર્કેટનો ટ્રેન્ડ ઉપરનો જ રહેશે. જ્યારે બર્નસ્ટેઇન અનુમાન લગાવે છે કે એકલા ભાજપને 290 થી વધુ બેઠકો મળી અથવા એનડીએને 340થી વધુ બેઠકો મળી તો માર્કેટ ઉપર જ રહેશે.