જૈન વિઝન સોનમ ગરબામાં સુપ્રસિધ્ધ ફિલ્મ સ્ટાર અવની મોદી હાજરી આપશે

જૈન વિઝન દ્વારા સોનમ ગરબા-૨૦૧૮નું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. આ રાસોત્સવમાં ખેલૈયાઓ મન મુકીને ઝુમતા હોય છે અને માતાની આરાધના કરતા હોય છે. આ નવરાત્રી આયોજનમાં સુપ્રસિધ્ધ ફિલ્મ સ્ટાર અવની મોદી હાજરી આપવાના છે.

‘અબતક’ સાથેની મુલાકાતમાં હિન્દી, ગુજરાતી અને સાઉથ ઈન્ડિયન ફિલ્મો કરનાર અભિનેત્રી અવની મોદીએ જણાવ્યું હતું કે, રાજકોટની જનતા પોતાની આગવી ઓળખ ધરાવે છે. માટે જ તેને રંગીલા રાજકોટીયન કહેવામાં આવે છે. જૈન વિઝન નવરાત્રી આયોજનમાં ખેલૈયાઓને મળવા માટે હું ખુબજ ઉત્સાહિત છું.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતી ગરબા માત્ર રાજય પુરતા સીમીત ન રહેતા ગ્લોબલ બની ગયા છે ત્યારે બોલીવુડ અને હોલીવુડમાં રાસ ગરબાનો રસ જોવા મળે છે. પરંતુ કયાંક સ્થાનિક ગુજરાતીઓ ભાષાનું મહત્વ ભુલી રહ્યાં છે. ભાષા પ્રત્યેનો પ્રેમ જે છે તે ઓછો થઈ રહ્યો છે.

અર્બન ગુજરાતી ફિલ્મો વર્તમાન સમયમાં બની રહી છે તેમ વધુમાં વધુ લોકો આ ઈન્ડસ્ટ્રીમાં જોડાઈ તો ગુજરાતી ભાષાનું પ્રભુત્વ જળવાઈ રહે. જેવી રીતે રવિન્દ્રનાથ ટાગોરના સાહિત્યનું મુલ્ય છે તેમ ગુજરાતી સાહિત્ય ઝવેરચંદ મેઘાણી, સોરઠની રસધાર પણ વંચાવી જોઈએ. કારણ કે ગુજરાતી ભાષા ખુબજ રીચ લેંગ્લેજ છે. કહેવાઈ છે કે મા કરતા માસી વધુ વ્હાલી હોય છે. પણ અંગ્રેજી ભાષાની સાથે આપણે ગુજરાતી ભાષાને તરછોડવી જોઈએ નહીં.

ગુજરાતી એ જ આપણી ઓળખ અને સંસ્કૃતિ છે. મેં ઘણી સાઉથ ઈન્ડિયન ફિલ્મોમાં પણ કામ કર્યું છે ત્યાંના લોકો સ્થાનિક ભાષાને પ્રાધાન્યતા આપે છે જયારે ગુજરાતીઓ ગુજરાતી ભાષા બોલવામાં જ શર્મ અનુભવતા હોય છે અને ગુજરાતી ફિલ્મો માટે એન્ટટેઈનમેન્ટ ચેનલો અને પ્લેટફોર્મનું પણ પ્રમાણ ખુબજ ઓછુ છે. જયારે નવી જનરેશનને ભાષા પ્રત્યેનો પ્રેમ હોવો ખૂબજ જરૂરી બને છે.

જયારે ગુજરાતી ભજનો સભળાવવામાં આવે છે ત્યારે આપણી જનરેશનને તે પસંદ પડતા નથી પણ જયારે સંજય લીલા ભણસાલી લીલી લેમડી વગાડે છે ત્યારે આપણને તે ગમે છે માટે હુ ગુજરાતી હોવાનો ગર્વ અનુભવું છુ અને આપણી સંસ્કૃતિને જીવંત રાખવા માંગુ છું.

મારી આગામી ફિલ્મ ‘બાપુ કયાં છે’ જે બાપુના આદર્શ પર કોમેડી ફિલ્મ છે તે રીલીઝ થવા જઈ રહી છે. મેં મધૂર ભંડારકરની ફિલ્મ કેલેન્ડર ગર્લ અને ગુજરાતી ફિલ્મ કેરી ઓન કેસરમાં પણ કામ કર્યું છે અને રાજકોટના જૈન વિઝન રાસોત્સવમાં આવવા હું ખૂબજ ઉત્સાહિત છું.

ફિલ્મ સ્ટાર અવની મોદી સાથે વિપુલ મહેતા, રજત સંઘવી, જય કામદાર, કુશલ કોઠારી, દેવેન દોમડીયા, વિપુલ શાહ, કેતન દોશી, વત્સલ મહેતા, દેવાંગ ખજૂરીયા, હિતેશ મણીયાર સહિતના કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યાં છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.