સ્વાઇન ફ્લુ સામે રક્ષણ મેળવવાની તકેદારી અંગેના સુચનો આપતા ડો.ચોલાબેન લશ્કરી
સ્વાઈન ફલુનો રોગ વાયુવેગે વકરી રહ્યો છે. ત્યારે રાજયભરમાં આ બિમારીને કારણે કેટલાક લોકોના મોત નિપજયા છે. સ્વાઈન ફલુના ભરડાથી બચવાની ખૂબજ આવશ્યક છે. પહેલા એચ-૧ એન-૧ જૂનો વાયરસ હતો પરંતુ હવે તેમાં એચ-૩ એન-૨ નામનો વાયરસ પણ સકર્યુલેશનમાં જોવા મળતા લોકોએ સ્વાસ્થ્ય અંગે વધુ જાગૃત થવું પડશે. સ્વાઈન ફલુના કેટલાક લક્ષણો સામાન્ય રોગો જેવા જ છે. જેની જાણ થતાં જ યોગ્ય સારવાર ખુબજ જરૂરી બને છે. સ્વાઈન ફલુથી બચવા માટે હોમિયોપેથી દવાનો ડોઝ પણ લઈ શકાય છે.હોમિયોપેથી ક્ધસલન્ટીંગ એમ.ડી.ડો.ચૌલાબેન લશકરીએ કહ્યું હતું કે, સ્વાઈન ફલુનો રોગ ખુબજ જટીલ હોવાથી તેની તકેદારી રાખવી ખૂબજ જરૂરી છે.
એચ-૧ એન-૧ વાયરસના કારણે દર્દીને શરદી, ખાસી, નાકમાંથી પાણી પડવું, છીક આવવી, સામાન્ય કરતા વધુ તાવ આવવો, ગળામાં દુ:ખાવો, સોજો આવવો, ઠંડી લાગવી, શરીર તૂટવુ, શરીરમાં નબળાઈ, શ્વાસ ચડવો અને કયારેક ઝાડા-ઉલ્ટી થતા તેમજ ફેફસાને વધુ અસર કરતો હતો.
જયારે એચ-૩ એન-૨ના કારણે શરીરના અન્ય અંગો પર પણ અસર કરે છે. જેના લક્ષણો પણ એચ-૧ એન-૧ જેવા જ જણાય છે. સ્વાઈન ફલુ પાંચ વર્ષથી નાની ઉંમરના બાળકો અને ૬૫ વર્ષથી વધુની ઉંમરની વ્યક્તિઓ, સગર્ભા સ્ત્રી, શ્વાસના રોગો, ડાયાબીટીસ, હૃદયરોગ, કીડની અને એચઆઈવીના દર્દીઓ માટે વધુ જોખમી પુરવાર થઈ શકે છે. સ્વાઈન ફલુ હવા, બોલતી વખતે, ખાસી-છીક અને દર્દી સાથે હાથ મિલાવવા તથા દર્દીની વપરાયેલી વસ્તુને સ્પર્શ કરવાથી ફેલાઈ છે.
સ્વાઈન ફલુનું પરિક્ષણ લોહી કે પેશાબના રિપોર્ટ કરવાથી આવતું નથી. દર્દીને નાક અને ગળાની અંદરના સ્ત્રાવની તપાસ કરવામાં આવે છે.સ્વાઈન ફલુ સામે સાવચેતી માટે વધુ પાણી પીવુ, પુરતી ઉંઘ અને આરામ લેવો, ભીડવાળી જગ્યાએ જવાનું ટાળવું, જાહેરમાં ન થૂકવું, ખાસી કે છીક આવે ત્યારે મોં પર માલ રાખવો અને વારંવાર હાથ ધોવાના કારણે સ્વાઈન ફલુનો ચેપી રોગ આગળ વધતો અટકી શકે તેમ હોવાનું ડો.ચૌલા લશ્કરીએ મત વ્યકત કર્યો છે.
આ વર્ષે સ્વાઈન ફલુ સપ્ટેબર માસમાં જ પ્રસરી રહ્યો છે. ચાલુ માસમાં જ રાજયમાં ૧૨૭ જેટલા કેસ નોંધાયા છે. જેમાં ૧૪ના મોત નિપજયા છે. સૌરાષ્ટ્રના જામનગર, ભાવનગર અને રાજકોટનાં મેટોડામાં ૧-૧ દર્દી જયારે વેરાવળના બે દર્દી સ્વાઈન ફલુનો શિકાર બન્યા છે. જાન્યુઆરીથી સપ્ટેમ્બર માસ દરમિયાન સ્વાઈન ફલુના કારણે રાજયના ૨૭ દર્દીઓએ દમ તોડયો છે.
સરકારે સ્વાઈન ફલુ અંગે વધુ સાવધ બની આ વર્ષે ડેથ રિવ્યુ કમીટીની રચના કરી છે. રાજકોટના તબીબ ડો.જયંત મહેતાએ સ્વાઈન ફલુ અંગે જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં સ્વાઈન ફલુનો વાયરસ ફેફસામાં જ અસર કરતા હતા જેનાથી શ્વાસની તકલીફ થતી હતી હવે તે ડેવલોપ થતાં શરીરના કોઈપણ અવયવ પર હુમલો કરવા સક્ષમ છે. બીજી તરફ આ અંગે આરોગ્ય તંત્રમાંથી વિગતો મળી છે કે આ વર્ષે સરકાર ડેથ રિવ્યુ કમીટીની રચના કરી છે. સ્વાઈન ફલુ દરમિયાન કોઈ વ્યક્તિનું મોત થશે તો તેની જૂની બીમારીઓ, હાલત, ચેપ બધુ ચકાસી મૃત્યુનો હાવ ઓછો કરવા પ્રયાસ કરાશે.
સ્વાઈન ફલુ વધુ જોખમી હોવાનો નેશનલ ઈન્સ્ટિટયુટ પુનાનો નિર્દેશ
વાયરસની જેમ ફેલાઈ રહેલા સ્વાઈન ફલુને ખુબજ જોખમી રોગ કહેવામાં આવી રહ્યો છે. નેશનલ ઈન્સ્ટિટયુટ ઓફ વાયરોલોજી પુનાના નિર્દેશોનુસાર ગુજરાતમાં સ્વાઈન ફલુ એચ-૧ એન-૧ સાથે એચ-૩ એન-૨ પણ ભળી જતા આ રોગ વધુ વિકરાળ બન્યો છે અને સ્વાઈન ફલુનો રોગ ખૂબજ ઝડપથી પ્રસરવાની દહેશત ફેલાઈ છે.
મનુષ્યમાં ઈન્ફલુએન્ઝા રોગ માટે જવાબદાર વાયરસ કોઈ યજમાનમાં મિશ્રીત થાય છે ત્યારે રોગ માટે જવાબદાર વાયરસના બંધારણમાં ફેરફારો થવાના કારણે એચ-૧ એન-૧ સ્વાઈન ફલુનો રોગ વિકસે છે. નવા વાયરસ ફલુની બિમારીને કારણે રોગ પ્રતિકારક શક્તિ વધુ નબળી પડતા માણસનું મૃત્યુ પણ થઈ શકે છે.