૩૯૭૬ આવાસ સામે અત્યારે સુધી માત્ર ૧૬૦૦ ફોર્મ ભરાઇ પરત આવ્યા
રાજકોટ શહેરી વિકાસ સતા મંડળ રાજકોટ દ્વારા સંચાલિત પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અલગ કેટેગરીના કાલાવડ રોડના જુદા જુદા ૧૦ એવા પ્રાઇમ લોકેશન સ્થળોએ બાંધવામાં આવનાર ૩૯૭૮ આવાસોનું હાલ ફોર્મનું વિતરણ આઇસીસીઆઇઆઇ તથા એચડીએફસી તથા કોટક મહિન્દ્રા બેંકની રાજકોટ શહેર તેમજ રૂડા વિસ્તારમાં આવતી કુલ ૪૯ શાખાઓ તથા કોર્પોરેશનના કૃષ્ણનગર સિવિક સેન્ટર, કોઠારિયા રોડ આરએમસી સિવિલ સેન્ટર, ઇસ્ટ ઝોન આરએમસી સિવિક સેન્ટર અને રૂડા કચેરી મળી કુલ ૫૩ સ્થળોએ થી ચાલુ છે.
સુત્રો માંથી મળેલ માહિતી અનુસાર હાલ રૂડા કચેરી દ્વારા બાંધવામાં આવનાર ૩૯૭૮ આવાસ સામે અંદાજીત ૧૬૦૦ ફોર્મ જ ભરાઇને પરત આવેલ હોઇ પાત્રતા ધરાવતા તમામ આસામીઓને ફોર્મ ભર્યેથી આવાસ મળવાની પુરેપુરી શકયતા છે. આમ ફોર્મ ભરો અને આવાસ મેળવોની પરિસ્થિતિમાં નાની કિંમતમાં ઘરનું સ્વપ્ન પૂરું કરવાની એક અમૂલ્ય તક છે.
આવાસ માટેના ફોર્મ મળવવા માટે લોકોએ લાંબી લાઇનમાં ઉભુ રહેવું ન પડે તથા અવ્યવસ્થા ન સર્જાય તે હેતુથી રૂડા દ્વારા બહાર પાડવામાં આવેલ આવાસ યોજના માટેના ફોર્મ વિતરણ માટે રૂડાના ચેરમેન દ્વારા આગોતરું આયોજન ગોઠવવામાં આવેલ છે. કોરોના સંક્રમણ સામે જયારે આખો દેશ જંગ લડી રહ્યો છે ત્યારે સંક્રમણ વધુ ના ફેલાય તથા સોશ્યલ ડિસ્ટ્રન્સીંગનું સંપૂર્ણ પાલન થાય તેના ભાગ રૂપે રૂડા દ્વારા ફોર્મ વિતરણ તથા ફોર્મ પરત લેવા માટે એક સાથે ત્રણ ત્રણ બેંકો નિયુકત કરવામાં આવેલ છે. તથા ત્રણે બેન્કોની ૪૯ શાખાઓ તથા કોર્પોરેશન કૃષ્ણનગર આરએમસી સિવિલ સેન્ટર, કોઠારિયા રોડ આરએમસી સેન્ટર, ઇસ્ટ ઝોન આરએમસી સિવિક સેન્ટર અને રૂડા કચેરી મળી કુલ ૫૩ મારફત આ કાર્યવાહી હાથ ધરેલ છે. આ વ્યવસ્થાને લીધે લાભાર્થીઓનો કયાંય ઘસારો જોવા મળેલ નથી કે કયાંય લાંબી લાઇનો થયેલ નથી જેથી સોશ્યલ ડીસ્ટ્ન્સીંગનું સંપૂર્ણ પાલન થઇ રહેલ છે. વધુમાં આવાસ મેળવવા ઇચ્છુ લોકોને જરૂરી માહિતી સરળતાથી મળી શકે તે માટે સંપૂર્ણ વિગતો સાથેના બેનરોની વ્યવસ્થા કરવામાં આવેલ છે તથા તમામ સેન્ટરો પર લગાવામાં આવેલ છે. જેને લીધે લાભાર્થીઓ પણ ગોઠવેલ વ્યવસ્થાથી સંતોષ અનુભવે છે અને શાંતિપૂર્વક સંપૂર્ણ માહિતી મેળવી ફોર્મ મેળવી રહ્યા છે.
અરજદારને આવાસ યોજના ફોર્મ ભરવામાં પડતી મુશકેલીઓના માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન કચેરીના ફોર્મ નં. ૦૨૮૧ ૨૪૪૦૮૧૦/૯૯૦૯૯ ૯૨૬૧૨ પર સંપર્ક કરવા અનુરોધ થયેલ છે.