૧૩ વર્ષના કિશોરનાં મોત બાદ મહાપાલિકાએ ડેન્ગ્યુ સહિતના રોગચાળાના આંકડા જાહેર કર્યા
રાજકોટમાં ડેન્ગ્યુ તાવે અજગરી ભરડો લીધો છે. છેલ્લા એક સપ્તાહમાં શહેરમાં ડેન્ગ્યુનાં ૧૩૦ જેટલા કેસો નોંધાયા હોવાની સતાવાર જાહેરાત કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે. ગઈકાલે ડેન્ગ્યુથી ૧૩ વર્ષનાં કિશોરનું મોત નિપજયા બાદ કોર્પોરેશન દ્વારા રોગચાળાનાં સાચા આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. શહેરમાં મેલેરિયા, કમળો, મરડા સહિતનાં અનેક કેસો નોંધાતા આરોગ્ય શાખામાં દોડધામ મચી જવા પામી છે. મોટાભાગની સરકારી અને ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. ઘરે-ઘરે માંદગીનાં ખાટલા પડયા છે.
રાજકોટ મહાનગરપાલિકાનાં આરોગ્ય અધિકારીનાં જણાવ્યા અનુસાર છેલ્લા એક સપ્તાહમાં શહેરમાં અલગ-અલગ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં શંકાસ્પદ ડેન્ગ્યુનાં ૪૧ કેસો નોંધાયા છે. રેપીટકાર્ડ દ્વારા જેનું ટેસ્ટીંગ કરવામાં આવે તેને શંકાસ્પદ ડેન્ગ્યુ ગણવામાં આવે છે. જયારે ડેન્ગ્યુ હોવાનાં સતાવાર ૮૯ કેસો નોંધાયા છે જે સરકારની ગાઈડલાઈન મુજબ એલીઝા ટેસ્ટ કર્યા બાદ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ટાઈફોઈડ તાવનાં ૨ કેસ, મેલેરિયાનાં ૩ કેસ, કમળાનાં ૨ કેસ, અન્ય તાવનાં ૩૨ કેસ, સામાન્ય શરદી-ઉધરસ અને તાવનાં ૧૬૮ કેસ, ઝાડા-ઉલ્ટીનાં ૧૩૭ કેસ અને મરડાનાં ૯ કેસો નોંધાયા છે. શહેરની સિનર્જી હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહેલા અને રામનાથપરા મેઈન રોડ પર રહેતા પ્રિયાંશુ આહ્યા નામના ૧૩ વર્ષનાં બાળકનું ગત ૮ ઓકટોબરનાં રોજ અવસાન થયું હતું જેનો ડેન્ગ્યુનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. ડેન્ગ્યુએ રાજકોટનાં વધુ એક વ્યકિતનો ભોગ લીધા બાદ કોર્પોરેશન દ્વારા રોગચાળાનાં સાચા આકડા જાહેર કરવામાં આવ્યા છે. જોકે અઠવાડિયામાં ડેન્ગ્યુનાં ૧૩૦ કેસો નોંધાયા હોવાનાં આંકડાઓ પણ હજુ શંકાસ્પદ લાગી રહ્યા છે.
મચ્છરજન્ય રોગચાળાની અટકાયત માટે શહેરમાં ૨૫૪૦૧ ઘરોમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ૮૧૫૭ ઘરોમાં મચ્છરોનાં નાશ માટે ફોગીંગ કરવામાં આવ્યું હતું અને શાળા-કોલેજો, હોટલ, હોસ્પિટલ તથા બાંધકામ સાઈટ સહિત કુલ ૩૭૪ સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. મચ્છરની ઉત્પતિ સબબ ૨૩૬ આસામીઓને નોટીસ ફટકારવામાં આવી હતી અને ૬૫૦૦નો દંડ વસુલ કરવામાં આવ્યો છે. ખોરાકજન્ય રોગચાળાની અટકાયત માટે ૩૬ રેકડી, ૨૫ દુકાન, ૩ હોટલ-રેસ્ટોરન્ટ, ૧૭ ડેરી ફાર્મ અને ૮૧ અન્ય સ્થળ સહિત કુલ ૨૩૫ સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ૪૬ વેપારીઓને નોટીસ ફટકારી ૨૫ કિલો અખાદ્ય સામગ્રીનાં જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો અને ૩૬ સ્થળોએથી ખાદ્ય સામગ્રીનાં નમુના લેવામાં આવ્યા હતા. સરકારની ગાઈડલાઈન અનુસાર એલીઝા ટેસ્ટથી થયેલા નિદાન બાદ જ ડેન્ગ્યુને સતાવાર ગણવામાં આવે છે જયારે રેપીટકાર્ડથી કરવામાં આવતા ટેસ્ટને શંકાસ્પદ ગણવામાં આવે છે. શહેરમાં ડેન્ગ્યુએ અજગરી ભરડો લીધો હોવા છતાં મહાપાલિકાનું નિર્ભર તંત્ર હજુ સુધી કુંભકર્ણની નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે.