સઘડી વિગતો ફરજિયાત જાહેર કરવાનાં નિર્ણયથી વકીલો માટે ઉદ્દભવનાર પ્રશ્નોને લઇ બીસીજીની હાઈકોર્ટના ચીફ જસ્ટિસને રજુઆત
સુપ્રિમકોર્ટ દ્વારા જેલમાં રહેલા કાચા કામના કેદીઓ અને તેમની જામીન અરજીનું સ્ટેટ્સ જાણવા માટે એક ચુકાદામાં નિર્દેશ આપ્યો છે. જે અનુસાર ગુજરાત સહિત દેશની તમામ વડી અદાલતોએ સુપ્રિમ કોર્ટના ચુકાદાની માર્ગદર્શીકા તાલુકા અને જિલ્લા અદાલતોમાં મોકલી આપેલ, અને જેમાં દરેક તાલુકા મેજીસ્ટ્રેટ અને જિલ્લા મેજીસ્ટ્રેટને ફરજીયાતપણે જામીન અરજીનો નંબર દરેક ગુનામાં આરોપીઓ દ્વારા કરવામાં આવતી જામીન અરજીની નંબર પોલીસ સ્ટેશનનું નામ, ગુના રજીસ્ટર નંબર, કઇ કલમનો ગુનો છે તેનું વર્ણન, આરોપીનું નામ, કઇ કોર્ટ સમક્ષ રજુ કરેલ છે તેની વિગત, આરોપીને જયુડિશીયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવેલ હોય તો તેની વિગત, કઇ જેલમાં મોકલેલ છે તેની વિગત, તેનુ નામ,સરનામુ અને ટીન નંબર, જેલનું ઇમેઇલ એડ્રેસ વિગેરે હકીકતોવાળુ ફોર્મ રજૂ કરવાનું ફરજીયાત બનાવેલ અને જે દરેકની ફાઇલીંગ સેન્ટરની અંદર તેની નોંધણી કરાવવી ફરજીયાત કરવામાં આવી છે.
તે સંદર્ભમા બાર કાઉન્સિલ ઓલ ગુજરાત તરફથી એકટીંગ ચીફ જસ્ટીસ એ. જે.દેસાઇને અને રજીસ્ટ્રાર જનરલ આર.કે.દેસાઈને એવી રજુઆત કરવામાં આવેલ કે તાલુકા અને જિલ્લા ક્ષેત્રમાં કેટલીકવાર તપાસ કરનાર પોલીસ અધિકારી ધ્વારા મોડા અથવા સમય પુરો થતો હોવાને કારણે ગુનામાં મોડા રજુ કરવામા આવે અને જયારે કોર્ટમા રજાના દિવસે રજુ કરવામા આવે ત્યારે અને કેટલાક કિસ્સાઓમાં આરોપીને પોલીસ કસ્ટડીમાં 24 કલાકનો સમય પુરો થતો હોવાને કારણે જજના નિવાસ્થાને રજૂ કરવામા આવે ત્યારે સેન્ટર ફાઇલીંગ સેન્ટર ” સીસ્ટમ જે તે સમયે બંધ હોવાને કારણે અથવા કોર્ટનો સમય પુરો થવાને કારણે સામાન્ય ગુનામાં અને જામીન મળવાપાત્ર હોય તેવા ગુનાઓના આરોપીઓને જામીન અરજી નોંધણી સમયસર ન થઇ શકવાને કારણે ખોટી રીતે જેલમાં જવુ પડે તેવી પરિસ્થિતિ ઉભી થઈ જાય તો તેવા સંજોગોમા તમામ તાલુકા અને જિલ્લા અદાલતોમાં ફક્ત જામીન અરજીની નોંધણી ન થવાને કારણે જામીન મળવાપાત્ર ગુનાઓના આરોપીને જેલમાં રહેવુ ન પડે તે માટે યોગ્ય વ્યવસ્થા અને નિર્દેશ તાલુકા અને જિલ્લા અદાલતોને આપવા માટે રજુઆત કરવામાં આવી છે.તેમ બીસીજી મેમ્બર એડવોકેટ દિલીપ પટેલ દ્રારા જાણવાયું છે.
ડિજિટલ સિસ્ટમની જગ્યા ફળવવા રજુઆત
વર્તમાન સમયમાં સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ સહિતના 3 જજોની બેંચે દરેક વકીલોના શૈક્ષણિક સર્ટીફીકેટ, માર્કશીટ વેરીફીકેશન સંદર્ભમાં આપેલ ચુકાદાને લક્ષમા રાખી મોટી સંખ્યામા લાંબો સમય દસ્તાવેજી પુરાવાઓને સાચવવા માટે જગ્યાની જરૂરિયાતને કારણે ડિજિટલ સિસ્ટમ માટે ગુજરાત હાઇકોર્ટના પરિસરમા જગ્યા ફાળવી આપવા માટે પણ રજુઆત કરવામાં આવી છે.