૨૦૧૭ની ચૂંટણીના ખર્ચના હિસાબો રજૂ કરતા રાજકિય પક્ષો
ભાજપે રૂ.૩૦ કરોડ તથા કોંગ્રેસે રૂ.૩૧ કરોડ ઉમેદવારોને વાપરવા આપ્યા: બન્ને પક્ષે ચૂંટણીના ટ્રાવેલમાં રૂ.૩૨ કરોડનો ખર્ચ કર્યો હોવાના આંકડા
૨૦૧૭ વિધાનસભા ચૂંટણી ખર્ચના હિસાબો રાજકીય પક્ષોએ જાહેર કર્યા છે. જે મુજબ ભારતીય જનતા પક્ષે પબ્લીસિટી પાછળ રૂ.૮૨.૮ કરોડ અને કોંગ્રેસે રૂ.૧૧.૪ કરોડ ખર્ચયા હોવાનું ફલીત થયું છે.
ગુજરાત અને હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીઓમાં કુલ ૧૦ રાજકીય પક્ષોએ રૂ.૨૨૭.૪૪ કરોડનો ખર્ચ કર્યો હોવાનું એસોસીએશન ફોર ડેમોક્રેટીક રિફોર્મસના અભ્યાસમાં જાણવા મળ્યું છે. ચૂંટણી પૂર્ણ થયાના ૭૫ દિવસમાં રાજકીય પક્ષોએ ખર્ચનો હિસાબ ચૂંટણીપંચને આપવાનો હોય છે. પરંતુ ભાજપ અને કોંગ્રેસ આ સમય સીમા વટાવી ચૂકયા છે. ભાજપને હિસાબ રજૂ કરતા ૯૮ દિવસ જયારે કોંગ્રેસે ૧૪૦ દિવસ જેટલો સમય વેડફયો છે.
રિપોર્ટના આંકડાનુસાર ભારતીય જનતા પક્ષના સેન્ટ્રલ હેડ કવાર્ટસ દ્વારા રૂ.૧૬૦.૭ કરોડનું ભંડોળ એકઠુ થયું હતું. ભાજપના ગુજરાતના યુનિટે ૮૮.૫ કરોડ એકઠા કર્યા હતા. જયારે કોંગ્રેસે અનુક્રમે રૂ.૨૦.૫ અને ૪૯.૧ કરોડનું ભંડોળ એકઠુ કર્યું હતું. ભારતીય જનતા પક્ષના સેન્ટ્રલ હેડ કવાર્ટરે રૂ.૨૩.૮ કરોડનો ખર્ચ ચૂંટણીમાં કર્યો હતો. જયારે ગુજરાત યુનિટે ૧૦૬ કરોડનો ખર્ચ બતાવ્યો છે. આ આંકડા કોંગ્રેસમાં અનુક્રમે ૭.૬ કરોડ અને ૧૨.૪ કરોડના છે.
રિપોર્ટમાં જાહેર થયેલી વિગતો મુજબ ભારતીય જનતા પક્ષે રૂ.૮૨.૮ કરોડની રકમ પબ્લીસિટી પાછળ વાપરી છે. જયારે રૂ.૨૪.૩ કરોડ ટ્રાવેલનો ખર્ચ તેમજ ૩૦ કરોડ રૂપિયા ઉમેદવારોને ફાળવાયા હતા. જયારે રૂ.૨૯ કરોડ અન્ય ખર્ચ તરીકે બતાવાયા છે. આવી રીતે કોંગ્રેસે રૂ.૧૧.૪ કરોડની રકમ પબ્લીસિટી પાછળ વાપર્યા છે. જયારે કોંગ્રેસે ઉમેદવારોને રૂ.૩૧ કરોડ ફાળવ્યા હતા. રૂ.૭.૫ કરોડનો ખર્ચ ટ્રાવેલ પાછળ અને ૭૦ લાખ અન્ય ખર્ચ તરીકે બતાવાયા છે.
આ મામલે સુત્રોના જણાવ્યા મુજબ સમય-મર્યાદામાં રાજકીય પક્ષો ચૂંટણી ખર્ચનો હિસાબ ન આપે તો પેનલ્ટી ફટકારવી જોઈએ. રાજકીય પક્ષોને મળતા ભંડોળના દાતાઓની વિગતો લોકો સમક્ષ મુકવી જોઈએ. કઈ તારીખે કોના દ્વારા ભંડોળ આપવામાં આવ્યું છે તેનો વિગતવાર રિપોર્ટ પણ તૈયાર થવો જોઈએ જેને ચૂંટણીપંચને જમા કરાવવો પડે તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ. પરિણામે ચૂંટણીમાં વધુ પારદર્શકતા જોવા મળશે.