લાંબી બિમારી બાદ આજે સવારે ફાની દુનિયાની અલવિદા કરી: વિઠ્ઠલભાઈ રાદડિયાનાં નિધનનાં સમાચાર પુત્ર જયેશભાઈ રાદડિયાએ ટ્વીટરનાં માધ્યમથી આપ્યાં
ગુજરાતમાં સહકારી ક્ષેત્ર રાંક બન્યું: છ ટર્મ ધારાસભ્ય, બે ટર્મ સંસદ સભ્ય, રાજય સરકારનાં પૂર્વ મંત્રી અને કદાવર ખેડૂત નેતાનાં અવસાનથી રાજયભરમાં શોકનો માહોલ
સૌરાષ્ટ્રનાં કદાવર ખેડૂત નેતા, પૂર્વ સાંસદ, પૂર્વ ધારાસભ્ય અને રાજય સરકારનાં પૂર્વ મંત્રી વિઠ્ઠલભાઈ રાદડિયા જિંદગી સામેનો જંગ હારી ગયા છે. લાંબા સમયથી બિમાર વિઠ્ઠલભાઈ રાદડિયાએ આજે સવારે ફાની દુનિયાની અલવિદા કહેતાં સહકારી ક્ષેત્ર રાંક બન્યું છે. દાસનાં નામથી જાણીતાં વિઠ્ઠલભાઈનાં નિધનનાં સમાચાર રાજય સરકારનાં કેબિનેટ મંત્રી અને તેઓનાં પુત્ર જયેશભાઈ રાદડિયાએ ટવીટરનાં માધ્યમથી આપતાં રાજયભરમાં ભારે શોકનો માહોલ સર્જાયો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી તથા મધ્યપ્રદેશનાં પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ઉંડા દુ:ખની લાગણી વ્યકત કરી હતી. આજે સાંજે વિઠ્ઠલભાઈનો પાર્થિવદેહ માદરે વતન જામકંડોરણા ખાતે લાવવામાં આવશે અને કાલે સવારે ૭:૦૦ થી બપોરે ૧૨:૦૦ વાગ્યા સુધી જામકંડોરણા સ્થિત ક્ધયા છાત્રાલય ખાતે પાર્થિવદેહ અંતિમ દર્શન માટે રાખવામાં આવશે અને બપોરે ૧:૦૦ કલાકે સ્મશાન યાત્રા નિકળશે.
વિઠ્ઠલભાઈ રાદડિયા સૌરાષ્ટ્રનાં લડાયક અને કદાવર પાટીદાર નેતા ગણાતા હતા તેઓને કોઈપણ પક્ષનાં સિમ્બોલની જરૂર ન હતી. ભાજપ હોય, કોંગ્રેસ હોય કે પછી રાજપા હોય ગમે તે પાર્ટીમાં વિઠ્ઠલભાઈ પોતાનાં નામ પર જીતવા માટે સક્ષમ ગણાતા હતા. તેઓ ૬ ટર્મ સુધી ધોરાજી-જામકંડોરણાનાં ધારાસભ્ય રહ્યા હતા. આ દરમિયાન ૧૯૯૬ થી ૧૯૯૭ સુધી તેઓ રાજય સરકારમાં ખાણ-ખનીજ અને સહકાર મંત્રી તરીકેની જવાબદારી નિભાવી હતી. ૧૯૯૭ થી ૧૯૯૮ સુધી તેઓ કેબિનેટ મંત્રી રહ્યા હતા. આ દરમિયાન તેઓએ સિંચાઈ મંત્રી તરીકે સેવા આપી હતી. રાજકોટ ડિસ્ટ્રીકટ બેંકનાં તેઓ ૧૯૯૫ થી ચેરમેન હતા. બિમારીનાં કારણે તેઓનાં સ્થાને બેંકનાં ચેરમેન તરીકે કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયાની વરણી કરવામાં આવી હતી. વિઠ્ઠલભાઈએ પોતાની રાજકિય કારકિર્દીની શ‚આત જામકંડોરણાથી શરૂ કરી હતી. તેઓ ૧૯૮૭માં જામકંડોરણા તાલુકા પંચાયતનાં પ્રમુખ રહી ચુકયા છે. ખેડુતો માટે સતત લડત આપવાની તેઓની કામગીરીથી તેઓ સૌરાષ્ટ્ર નહીં પરંતુ રાજયમાં એક કદાવર અને લડાયક ખેડુત નેતા તરીકે ઉભરી આવ્યા હતા. ગુજરાતમાં ખેડુતોને અકસ્માત વિમો આપવાની શઆત વિઠ્ઠલભાઈરાદડિયાએ કરાવી હતી. તેઓ વર્ષ ૨૦૦૯ થી ૨૦૧૪ અને ૨૦૧૪ થી ૨૦૧૯ સુધી સતત બે ટર્મ પોરબંદર લોકસભા બેઠક પર ભાજપનાં સંસદ સભ્ય તરીકે ચુંટાઈ આવ્યા હતા.
તેઓ છેલ્લા બે વર્ષથી અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. કોઈપણ ચરમબંધીને વિંધી ખેડુતોનાં પ્રશ્નને હલ કરવામાં માહિર અને લડાયક એવા વિઠ્ઠલભાઈ રાદડિયા જિંદગી સામેનો જંગમાં ખુબ જજુમ્યા બાદ અંતે હારી ગયા છે. તેઓનો જન્મ ૮ નવેમ્બર ૧૯૫૮નાં રોજ જામકંડોરણા ખાતે થયો હતો. તેઓ બી.એ. સુધીનો અભ્યાસ કર્યો હતો. ૬૧ વર્ષની ઉંમરે આજે તેઓએ ફાની દુનિયાને અલવિદા કહેતા ગુજરાતનું સહકારી ક્ષેત્ર જાણે રાંક બની ગયું હોય તેવો આભાસ થઈ રહ્યો છે. સહકારી ક્ષેત્ર ઉપરાંત તેઓ અનેક શૈક્ષણિક અને સામાજીક સંસ્થાઓ સાથે પણ જોડાયેલા હતા. જામકંડોરણાઓમાં તેઓએ વિશાળ ક્ધયા છાત્રાલય શરૂ કરાવી હતી. આ ઉપરાંત ૪૫ વિઘામાં ગૌશાળા પણ બનાવી છે. દ્વારકા, હરીદ્વાર સહિતનાં તીર્થધામો ખાતે તેઓએ પટેલ સમાજનું નિર્માણ કર્યું છે. પક્ષ કોઈપણ હોય વિઠ્ઠલભાઈ પોતાનાં નામ પર જ ચુંટણી જીતવાની તાકાત ધરાવતા હતા. તેઓનાં ધર્મપત્ની ચેતનાબેન રાદડિયા પણ રાજકોટ જિલ્લા પંચાયતનાં પ્રમુખ રહી ચુકયા છે. વિઠ્ઠલભાઈને ચાર પુત્રો હતા જે પૈકી બે પુત્રોનાં આકસ્મિક મોત નિપજયા હતા. જયેશભાઈ રાદડિયા હાલ રાજય સરકારનાં કેબિનેટ મંત્રી છે જયારે લલિતભાઈ રાદડિયા ઉધોગપતિ છે.
આજે સવારે વિઠ્ઠલભાઈ રાદડિયાનાં નિધનનાં સમાચાર ખુદ તેઓનાં પુત્ર અને રાજય સરકારનાં કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયાએ ટવીટરનાં માધ્યમથી આપતાં લાખો ખેડુતો પોતાનો નાથ ગુમાવ્યો હોય તેવા ઉમદા દુ:ખની ગર્તામાં ધકેલાય ગયા છે. આજે સાંજે વિઠ્ઠલભાઈ રાદડિયાનો પાર્થિવદેહ જામકંડોરણા ખાતે લાવવામાં આવશે. કાલે મંગળવારે વહેલી સવારે ૭:૦૦ વાગ્યાથી લઈ બપોરે ૧૨:૦૦ વાગ્યા સુધી તેઓનો પાર્થિવદેહ અંતિમ દર્શનાર્થે જામકંડોરણા સ્થિત ક્ધયા છાત્રાલય ખાતે રાખવામાં આવશે અને કાલે બપોરે ૧:૦૦ કલાકે તેઓનાં જામકંડોરણા ખાતે પટેલ ચોક સ્થિત નિવાસ સ્થાનેથી સ્મશાનયાત્રા નિકળશે.
સાંજે પાર્થિવદેહ જામકંડોરણા લવાશે કાલે અંતિમયાત્રા
પૂર્વ સાંસદ અને લડાયક ખેડુત નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાનું આજે સવારે અવસાન થયું છે. તેઓ છેલ્લા ઘણા સમયથી બિમાર હતા અને અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. આજે સાંજે ૭:૦૦ કલાકે તેઓનો પાર્થિવદેહ માદરે વતન જામકંડોરણા ખાતે લાવવામાં આવશે. આવતીકાલે સવારે ૭:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા સુધી તેઓનો પાર્થિવદેહ અંતિમ દર્શન માટે જામકંડોરણા સ્થિત ક્ધયા છાત્રાલય ખાતે રાખવામાં આવશે અને બપોરે ૧:૦૦ વાગ્યે પટેલ ચોક ખાતે આવેલા તેઓનાં નિવાસ સ્થાન ખાતેથી અંતિમયાત્રા નિકળશે.
ગુજરાતે એક સક્ષમ ખેડુત નેતા ગુમાવ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુ:ખ વ્યકત કર્યું
ભાજપનાં પૂર્વ સાંસદ અને ગુજરાતનાં લડાયક ખેડુત નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાનું આજે સવારે લાંબી બિમારી બાદ અવસાન થતાં તેઓને વિવિધ ક્ષેત્રનાં અગ્રણીઓએ શ્રદ્ધાંજલી અર્પી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ટવીટર પર વિઠ્ઠલભાઈનાં અવસાનથી દુ:ખ વ્યકત કર્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે, ગુજરાતે એક સક્ષમ અને લડાયક ખેડુત નેતા ગુમાવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વિઠ્ઠલભાઈ રાદડિયા અગાઉ કોંગ્રેસમાં હતા પરંતુ ગુજરાતનાં મુખ્યમંત્રીપદે જયારે નરેન્દ્રભાઈ મોદી આ‚ઢ હતા ત્યારે તેઓની કાર્યશૈલીથી પ્રભાવિત થઈ તેઓએ કોંગ્રેસનો સાથ છોડી ભાજપનો કેશરીયો ખેસ ધારણ કર્યો હતો.
મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સહિતનાઓએ શ્રદ્ધાંજલિ અર્પી
ભાજપનાં પૂર્વ સાંસદ વિઠ્ઠલભાઈ રાદડિયાનું ૬૧ વર્ષની ઉંમરે લાંબી બિમારી બાદ આજે સવારે નિધન થતાં રાજયભરમાં ઉંડા શોકની લાગણી વ્યાપી જવા પામી છે. ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી, મધ્યપ્રદેશનાં પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સહિતનાં મંત્રીમંડળનાં સભ્યો, પ્રદેશ ભાજપનાં સંગઠનનાં હોદેદારો અને વિવિધ ક્ષેત્રનાં અગ્રણીઓએ તેઓને શ્રદ્ધાંજલી અર્પી હતી.
પાર્ટીનાં સિમ્બોલ નહીં વિઠ્ઠલભાઈ પોતાનાં નામે જીતવાની તાકાત ધરાવતા હતા
સામાન્ય રીતે કોઈપણ નેતા જે-તે પક્ષનાં સિમ્બોલ સાથે વિજેતા બનતા હોય છે પરંતુ સૌરાષ્ટ્રનાં લડાયક ખેડુત નેતા વિઠ્ઠલભાઈ રાદડિયા પાર્ટીનાં સિમ્બોલ નહીં પરંતુ પોતાનાં નામે જીતવાની તાકાત ધરાવતા હતા તેઓ કોંગ્રેસ, ભાજપ કે રાજપા પાર્ટી કોઈપણ હોય જીતીને બતાવતા હતા. તેઓ આજીવન ખેડુતોનાં હામી રહ્યા હતા. રાજકોટ ડિસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેંકમાં તેઓનું એક ચક્રિય શાસન હતું. ખેડુતોનાં પ્રશ્ર્ન હલ કરવા માટે તેઓ કોઈપણ ચરમબંધી સામે બાયો ચડાવવામાં પાછીપાની કરતા ન હતા. ખેડુતોને આકસ્મિક વિમો આપવાની શરૂઆત પણ વિઠ્ઠલભાઈ રાદડિયાએ કરાવી હતી. આટલું જ નહીં ખેડુતોને નજીવા દરે લોન આપવાની યોજનાનો શ્રેય પણ તેઓનાં ફાળે જાય છે.