અબતક,રાજકોટ
રાજકોટમાં 150 ફૂટ રિંગ રોડ પર ગોવર્ધન સર્કલ નજીક શનિવારે રાત્રે ફૂટપાથ પર સૂતેલા પ્રૌઢને પથ્થરના ઘા મારી મોતને ઘાટ ઉતારી દેનાર લુણીવાવના શખ્સની પોલીસે ધરપકડ કરી હતી. જેમાં ફૂટપાથ પર સૂતેલા પ્રૌઢને દૂર સુવાનું કહેતા તે નહીં જતા પથ્થર મારી ઢીમ ઢાળી દીધાની આરોપીએ કબૂલાત આપી છે.
ફૂટપાથ પર ચાલવા બાબતે ઝઘડો થતા ઢીમ ઢાળી દીધાની લુણીવાવના યુવાનની કબૂલાત
આ અંગે મળતી માહિતી મુજબ ગોવર્ધન સર્કલ નજીક પર્લ હોસ્પિટલ પાસે શનિવારે રાત્રે જૂની મેંગણીના દિનેશભાઇ ઉર્ફે જેનાભાઇ પોપટભાઇ સરમાળી (ઉ.વ.45)ની લોહિયાન હાલતમાં લાશ મળી આવી હતી. જેમાં દિનેશભાઇની પથ્થરના ઘા ઝીંકી ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી બનાવ અંગે મૃતક દિનેશભાઇના ભાણેજ ખોડિયારનગરમાં રહેતા કાંતિભાઇ રવજીભાઇ મકવાણાની ફરિયાદ પરથી પોલીસે ગોંડલના લુણીવાવના જયંતી ભીખુ જોટાણિયા સામે હત્યાનો ગુનો નોંધી જયંતીની ધરપકડ કરી હતી.
જૂની મેંગણીના દિનેશભાઇ સરમાળી વર્ષોથી તેના પરિવારથી દૂર રાજકોટમાં રખડું જીવન જીવતા હતા અને ફૂટપાથ પર સૂઇ રહેતા હતા. જ્યારે આરોપી લુણીવાવનો જયંતી જોટાણિયા પણ પોતાનું ગામ છોડી રાજકોટમાં રખડું જીવન જીવતો હતો અને છૂટક કડિયાકામ કરી ફૂટપાથ પર સૂઇ રહેતો હતો. શનિવારે રાત્રે દિનેશભાઇ 150 ફૂટ રિંગ રોડ પર ગોવર્ધન સર્કલ નજીક ફૂટપાથ પર સુતા હતા ત્યારે આરોપી જયંતી ત્યાંથી ચાલીને પસાર થયો હતો અને તેણે દિનેશભાઇને રસ્તા પરથી દૂર સુવાનું કહેતા દિનેશભાઇ દૂર ન જતા તે ઉશ્કેરાયો હતો અને બાજુમાં પડેલો પથ્થર ઉઠાવી દિનેશભાઇને પથ્થરના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધા હતા. અને હત્યા કરી જયંતી નાસી ગયો હતો પરંતુ પોલીસે તેને ઝડપી લીધો હતો.