જિલ્લા પંચાયતમાં અપક્ષ, આપ સહિત સાત ઉમેદવારે ફોર્મ પાછા ખેંચ્યા: તાલુકા પંચાયતોમાં ૨૫ ફોર્મ પાછા ખેંચાયા: સિક્કા પાલિકામાં એકપણ ઉમેદવારી પત્ર પાછું ન ખેંચાતા થશે બળાબળના પારખા
જામનગર જિલ્લા, તાલુકા પંચાયતો ચૂંટણીમાં મંગળવારે ૩૨ ફોર્મ પરત ખેંચતા કુલ ૧૩૬ બેઠક માટે ૪૧૫ મુરતિયા વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે. જામનગર જિલ્લા પંચાયતની ૨૪ બેઠક માટે કુલ ૧૫૨, તાલુકા પંચાયતોની ૧૧૨ બેઠક માટે ૫૯૭, સિકકા નગરપાલિકાના ૭ વોર્ડની ૨૮ બેઠક માટે ૧૧૧ ફોર્મ ભરાયા હતાં. ફોર્મ ચકાસણીના અંતે જામનગર જિલ્લા પંચાયતમાં ૮૮, તાલુકા પંચાયતોમાં ૩૫૯, સિકકા નગરપાલિકામાં ૮૫ ફોર્મ માન્ય રહ્યા હતાં.
મંગળવારે ઉમેદવારી પત્ર પરત ખેંચવાના અંતિમ દિવસે જિલ્લા પંચાયતમાં ૫ અપક્ષ, ૧ આમ આદમી પાર્ટી સહિત ૭, તાલુકા પંચાયતમાં ૨૫ ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા જિ.પં.માં ૨૪ બેઠક માટે ૮૨, તાલુકા પંચાયતની ૧૧૨ બેઠક માટે ૩૩૩ અને સિકકા પાલિકાની ૨૮ બેઠક માટે ૮૫ ઉમેદવાર મેદાનમાં રહ્યા છે. કાલાવડ-જોડિયામાં કોઇ ફોર્મ પાછું ન ખેંચાયું.
દ્વારકા જિલ્લામાં ફોર્મ ચકાસણીમાં ૨૪૫ ફોર્મ અમાન્ય
દ્વારકામાં આગામી તારીખ ૨૮મીના યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થનાઓની સામાન્ય ચૂંટણીમાં શનિવારે ફોર્મ ભરવાના અંતિમ દિવસે જિલ્લાની કુલ સાત ચૂંટણીઓ માટે ભરવામાં આવેલા ૬૯૭ ઉમેદવારી પત્રો પૈકી ફોર્મ ચકાસણીમાં ડમી ઉમેદવારી પત્રો તથા અન્ય કારણોસર ૨૪૫ ફોર્મ રદ થયાં હતાં. દેવભૂમિ દ્વારકા જિલ્લાની જિલ્લા પંચાયત તેમજ ખંભાળિયા, કલ્યાણપુર, ભાણવડ અને દ્વારકા તાલુકા પંચાયત તથા ખંભાળિયા અને રાવલ નગરપાલિકા મળી કુલ સાત સામાન્ય ચૂંટણી ઉપરાંત સલાયા નગરપાલિકા અને ઓખા નગરપાલીકાની પેટાચૂંટણીમાં ગત તા. ૮ મી થી શરૂ કરવામાં આવેલા ફોર્મ ભરવાના કાર્યક્રમમાં શનિવાર તારીખ ૧૩ મી સુધીમાં કુલ ૬૯૭ ફોર્મ ભરાયા હતા. જિલ્લામાં કુલ ૧૫૮ બેઠક માટે યોજવામાં આવેલી સામાન્ય ચૂંટણીમાં સોમવારે ફોર્મ ચકાસણીના દિવસે દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના ૪૬, ખંભાળિયા તાલુકા પંચાયતના ૨૮ કલ્યાણપુર તાલુકા પંચાયતના ૪૮, ભાણવડ તાલુકા પંચાયતના ૪૦, દ્વારકા તાલુકા પંચાયતના ૨૫, ખંભાળિયા નગરપાલિકામાં ૩૪ અને રાવલ નગરપાલિકામાં ૨૪ મળી કુલ ૨૪૫ ફોર્મ અમાન્ય રહ્યા છે. જ્યારે કુલ ૪૫૨ ઉમેદવારીપત્રો માન્ય રહ્યા છે. આ ઉપરાંત સલાયા નગરપાલિકાની છ તથા ઓખા નગરપાલીકાની એક મળી કુલ સાત બેઠક માટેની પેટા ચૂંટણીમાં સલાયાના તમામ તેર ફોર્મ માન્ય રહ્યા છે. જ્યારે ઓખાની એક બેઠક માટે ત્રણ પૈકી એક ઉમેદવારીપત્ર રદ થતા બંને પેટાચૂંટણીમાં કુલ ૧૫ ઉમેદવારીપત્રો માન્ય રહ્યા છે.
સિકકા પાલિકાની ચૂંટણીમાં ૨૮ બેઠકો માટે ૮૫ ઉમેદવારો
જામનગર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ચૂંટણીની સાથે સાથે સિક્કા નગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે. જેના સાત વોર્ડની ૨૮ બેઠકો માટે કુલ ૮૫ ઉમેદવારીપત્રો માન્ય રહ્યા છે, જ્યારે ૨૬ ઉમેદવારીપત્ર રદ થયા છે. જેમાં ભાજપ-કોંગ્રેસના ૨૮-૨૮ ઉમેદવારની સામે આમ આદમી પાર્ટીએ પણ ૨૪ ઉમેદવારો ઉતાર્યા છે. સિક્કા નગરપાલિકાની ચૂંટણીના સાત વોર્ડમાં ૨૮ બેઠકો માટે ચૂંટણી યોજાઇ રહી છે જેમાં વોર્ડ નંબર એકમાં ૧૩, વોર્ડ નંબર ૨માં માં ૧૬, વોર્ડ નંબર ૩માં ૧૨, વોર્ડ નંબર ૪ માં ૧૨ વોર્ડ નંબર ૫ માં ૧૨, વોર્ડ નંબર ૬ માં ૧૧ અને વોર્ડ નંબર ૭માં ૯ સહિત કુલ ૮૫ ઉમેદવારો મેદાનમાં છે. સિક્કા નગરપાલિકામાં પણ ભાજપ કોંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટીએ મોટાભાગની બેઠકો પર ઝંપલાવ્યું છે, ત્યારે ચૂંટણી જંગ વધુ જામશે.