60 વેન્ટીલેટર પહોંચાડાશે: ખંભાળિયામાં તાકિદે આરટી-પીસીઆર લેબોરેટરી ઉભી થશે
જામનગરમાં કોરોનાની સમીક્ષા અર્થે આવેલા રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જી.જી.હોસ્પિટલમાં સોમવારે ઓક્સિજન સાથેના નવા 370 બેડ ઉભા કરી વધુ 60 વેન્ટીલેટર આપવામાં આવશે તેમ જણાવ્યું હતું. તદઉપરાંત દ્વારકા જિલ્લામાં ખંભાળિયામાં તાકીદે નવી આરટીપીસીઆર લેબોરેટરી બનાવાની ઘોષણા કરી હતી. મુખ્યમંત્રી અને કોર કમિટીના સભ્યોએ જામનગરમાં કોરોનાની સ્થિતિની માહિતી મેળવી જી.જી.હોસ્પિટલને આરોગ્ય અને નાણાંકીય તમામ મદદની હૈયાધારણા આપી હતી. જો કે, મુખ્યમંત્રીએ કોરોનાની બીજી લહેર વધુ ઘાતક હોવાથી કેસ અને મૃત્યુઆંક વધ્યા હોવાનું સ્વીકાર્યું પણ કોઇ આંકડા છૂપવામાં આવતા ન હોવાનું જણાવતા આશ્ચર્ય સર્જાયું છે.
જામનગરમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા અર્થે આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, જી.જી.હોસ્પિટલમાં 1608 બેડની સુવિધા ઉભી કરાઇ છે, ત્યારે સોમવાર સુધીમાં વધુ 370 બેડનો ઉમેરો કરાશે. જેમાં વધુમાં વધુ બેડ ઓકસીજનની સુવિધાથી સજ્જ હોય તેની તકેદારી રખાશે. સાથે સાથે દર્દીઓના પોષણયુકત ભોજનની વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરવામાં આવી છે. તદઉપરાંત આગામી દિવસોમાં ખંભાળિયા હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ તરીકે સુસજ્જ કરી ત્યાં તાત્કાલિક આરટીપીસીઆર ટેસ્ટ માટેની નવી લેબોરેટરી ઉભી કરાશે. જામનગરની આર્યુવેદિક હોસ્પિટલ તેમજ અન્ય ખાનગી હોસ્પિટલોમાં બેડની સંખ્યામાં વધારો કરવામાં અવશે.જામનગર જિલ્લામાં 60 વેન્ટીલેટરો મોકલવામાં આવ્યા છે જ્યારે આગામી ટુંક સમયમાં વધુ 60 વેન્ટીલેટર પહોંચાડવામાં આવશે. કોરોનાના કારણે મૃત્યુઆંક વધતા એમ્બ્યુલન્સ તથા શબવાહિનીની સુવિધાઓમાં રાજય સરકારે વધારો કર્યો છે. કોરોનાની સ્થિતિ અને તેના નિયંત્રણ માટે જામનગર આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરીમાં ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઇ હતી. ત્યારબાદ મુખ્યમંત્રીએ પત્રકારોને માહિતી આપી જી.જી.હોસ્પિટલની મુલાકાતે ગયા હતાં. જયાં કોરોનાના દર્દીના પરિજનો સાથે ચર્ચા વિચારણા કરી જી.જી.હોસ્પિટલના અધિકારીઓ સાથે બેઠક કરી રવાના થયા હતાં.
કુંભમેળામાં ગયેલા તમામ લોકોને આઇસોલેટેડ કરી ટેસ્ટ કરાશે
કુંભ મેળામાં ગયેલા લોકો સીધા જ ગામમાં પ્રવેશી શકશે નહીં. આ તમામના ફરજીયાત આરટીપીસીઆર ટેસ્ટ કરીને આઇસોલેટ કરવામાં આવશે. આ માટે જિલ્લા વહીવટીતંત્રને સૂચના આપવામાં આવી હોવાનું મુખ્યમંત્રીએ કહ્યું હતું
પ્રથમ સરકારી બાદમાં ખાનગી હોસ્પિ.ને રેમડેસીવીર ઇન્જેકશન અપાશે
રાજયને 20000 રેમડેસીવીર ઇન્જેકશન મળતા હોય તેનું પણ પ્રાયોરીટીના ધોરણે વિતરણ કરવાનું નક્કી કરાયું છે. પ્રથમ સરકારી હોસ્પિટલને અને આગામી સમયમાં ઇન્જેકશનનો વધુ જથ્થો ઉપલબ્ધ થતા ખાનગી હોસ્પિટલોને અપાશે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.
કોરોનાના વધતા સંક્રમણની સાથે મોતનો સિલસિલો યથાવત
સ્મશાનમાં મૃતદેહના અંતિમ સંસ્કાર માટે પણ વેઈટીંગ
શહેર જિલ્લામાં કોરોનાના કહેરના કારણે મોતની સંખ્યામાં વધારો થયો છે. કોવિડની સારવાર દરમિયાન મોટી સંખ્યામાં દર્દીઓના મોત થતા હાલ સ્મશાનગૃહમાં પણ વેઈટીંગની સ્થિતિ જોવા મળી રહી છે.સ્મશાનગૃહમાં એક સાથે 12 મૃતદેહના અંતિમ સંસ્કારજામનગર સ્મશાનગૃહમાં હાલ ક્યારેય ના જોવા મળ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. કોવિડની સારવાર દરમિાયન દર્દીઓના મોત થતા અહીં તેના કોવિડ ગાઈડલાઈન્સ મુજબ અંતિમ સંસ્કાર કરવામા આવી રહ્યા છે. મોટી સંખ્યામાં મૃતદેહના અંતિમ સંસ્કાર થતા હોય આજે સ્મશાનમાં એક સાથે 12 ચિતાઓ સળગતી જોવા મળી હતી મૃતદેહના અંતિમ સંસ્કાર માટે વેઈટીંગસ્મશાનગૃહમાં મોટી સંખ્યામાં દર્દીઓના અંતિમ સંસ્કાર થતા હોય અંતિમ સંસ્કાર માટે પણ વેઈટીંગની સ્થિતિ જોવા મળી રહી છે. એકબાજુ કોવિડ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થવા આવેલા દર્દીઓની એંબ્યુલંસની કતાર જોવા મળી રહી છે. તો બીજી તરફ સ્મશાનગૃહમાં મૃતદેહની કતારો જોવા મળી રહી છે.