પોર્ટુગલ-સ્પેનની વચ્ચે શુક્રવારે રાતે ઓલિમ્પિક સ્ટેડિયમમાં ગ્રુપ-બીની મેચ 3-3 ની બરાબરી પર પૂરી થઇ. પોર્ટુગલના ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ આ વિશ્વકપની પહેલી હેટ્રિક લગાવી. આ વિશ્વકપમાં હેટ્રિક લગાવનાર પોતાના દેશનો તે ત્રીજો ખેલાડી અને દુનિયાનો સૌથી ઉંમરવાન ફૂટબોલર બની ગયો છે. રોનાલ્ડોએ મેચની ચોથી, 44મી અને 88મી મિનિટમાં ગોલ કર્યો.
ફૂટબોલ વિશ્વકપના ઇતિહાસની આ 51મી હેટ્રિક
* રોનાલ્ડોની ઉંમર 33 વર્ષ 131 દિવસ છે. તે ફૂટબોલ વિશ્વકપમાં હેટ્રિક લગાવનાર દુનિયાનો સૌથી ઉંમરવાન ખેલાડી બની ગયો છે. તેના પહેલા સૌથી વધુ ઉંમરમાં હેટ્રિકનો રેકોર્ડ નેધરલેન્ડ્સના રોબ રેનસેનબ્રિંકના નામ પર હતો. તેણે 30 વર્ષ 336 દિવસની ઉંમરમાં 1978ના વર્લ્ડકપમાં હેટ્રિક લગાવી હતી.
* ફૂટબોલ વિશ્વકપના ઇતિહાસમાં આ 51મી હેટ્રિક હતી. ફક્ત 2006નો વિશ્વકપ એવો હતો, જેમાં એકપણ ફૂટબોલર હેટ્રિક લગાવી શક્યો નથી.
* આ હેટ્રિક સાથે રોનાલ્ડોના આંતરરાષ્ટ્રીય ફૂટબોલ મેચોમાં કુલ 84 ગોલ થઇ ગયા છે. તે હવે હંગેરીના ફેરેન્ક પુસ્કાસની સાથે સંયુક્ત રીતે યુરોપનો સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી બની ગયો છે.