રોજગારી અને ગૌચરના દબાણ પ્રશ્ર્ને વિરોધ: અગાઉ કંપની દ્વારા લોક સુનાવણીમાં પણ ગોટાળા
જાફરાબાદ તાલુકાના દરિયા કિનારે આવેલા ભાકોદર ગામ સ્થિત આવેલા સ્વાન એનજી નામની કંપની સામે આજે લોકો નો ઉગ્ર વિરોધ થયેલ હતો. ભાકોદર ગામના લોકો દ્વારા આ સ્વાન એનજી કંપની દ્વારા સ્થાનીકોને રોજગારી નહી આવતા હોય તેમજ ગૌચર જમીન હડપ કરવાના મામલે ઉગ્ર વિરોધ કરેલ છે.
આ અંગે જાણવા મળતી વિગત મુજબ સ્વાન એર્નજી કંપની દ્વારા અગાઉ યોજાયેલ પબ્લીક હિયરીંગમાં લોકોનો ઉગ્ર વિરોધ થયેલ હોય પબ્લીક હિયરીંગ બંધ બારણે યોજવામાં આવેલ તથા ૫.૩૦ સુધી પબ્લીક હિયરીંગની કોઇપણ કાર્યવાહી થયેલ નહી હોય તેમજ આ કં૫ની પર્યાવરણીય મંજુરપણ મળેલ ન હોય ગેરકાયદેસર રીતે આ કંપનીએ કામગીરી શરુ કરતા અને કંપનીના અધિકારી દ્વારા લોકશાહી ઢબે વિરોધ કરતાં લોકોની સામે પોલીસને રાખીને લોકશાહી વિરોધી કૃત્ય આચરી રહેલ છે તેમ જ લોકોને ડરાવી ધમકાવીને જીવન જીવવાનો અધિકાર છીનવી લેતા હોય તેની સામે લોકોએ ઉગ્ર વિરોધ નોંધાવેલ છે.
લોકોએ એવું જણાવેલ છે કે લોકશાહી દેશમાં લોકોને વિરોધ કરતા રોકીને બંધારણે આપેલ મૌલિક અધિકારનો ભંગ થઇ રહેલ છે. જેની સામે પણ ઉગ્ર લડત ચલાવવામાં આવશે આ ઉગ્ર વિરોધ કાર્યક્રમમાં ભાકોદર ગામમાં હાજર એક પત્રકાર કે જે આ વિરોધનું કવરેજ કરતા હતા તેની પણ ધરપકડ કરતા કંપની અને પોલીસ સામે ખુબ જ સવાલો ઉભા થયેલા છે. આ ઘટના અંગે જાફરાબાદ ટાઉન પી.આઇ નો સંપર્ક સાધતા તેઓએ જણાવેલ છે કે ૧૦૬ પુરૂષ અને ૩૧ લેડીઝની ધરપકડ કરવામાં આવેલ છે જેમાં લેડીઝને નાગેશ્રી તથા પુરૂષોને સા.કુંડલા , ખાંભા અને જાફરાબાદમાં લઇ જવામાં આવેલ છે. આ બનાવમાં કલમ ૧૪૩ અને કલમ ૧૮૮ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવેલ છે. જેમાં જાહેરનામાનો ભંગ તથા અન્ય કલમો લગાડયામાં આવેલ છે. આ ધરપકડમાં ભાકોદર ગામના ઉપસરપંચ લાલાભાઇ શિયાળ, પાંચભાઇ ધુધળવા, મેધાભાઇ બારૈયા, સોંડાભાઇ ચાવડા, કમલેશભાઇ કવાડ, રવજીભાઇ સાંખટ, મધુભાઇ સાંખટ, સહીતના ગ્રામજનોની તથા મોટી સંખ્યામાં મહીલાઓ ધરપકડ કરેલ છે.