શ્રી દેવ ટેકનોલોજી નામની સોફટવેરની ઓફીસમાં શોર્ટ સર્કીટના કારણે આગ લાગતા લાખોનું નુકશાન
કાલાવડ રોડથી નિર્મલા કોન્વેન્ટ સ્કુલ રોડ પર આવેલા ઓમ પ્લાનેટ નામના બિલ્ડીંગના ચોથા માળે આવેલ સોફટવેર કંપનીની ઓફીસમાં ભીષણ આગ લાગતા લાખોનું નુકશાન થયું હતું. બનાવના પગલે ફાયર બિગ્રેડનો સ્ટાફ દોડી જઇ પાણીનો મારો ચલાવી ભીષણ આગને કાબુમાં કરી હતી.
આ અંગેની વિગત મુજબ કાલાવડ રોડ ફાયર સ્ટેશનના ફાયરમેન આનંદભાઇ પોતે ફાયર સ્ટેશનથી ઘરે જતા હતા ત્યારે નિર્મલા સ્કુલની સામે આવેલ ઓમ પ્લેનેટ નામના બિલ્ડીંગના ચોથા માળે આગ લાગી હોય જેથી ફાયર સ્ટેશનને જાણ કરતા પાંચથી વધુ ફાયર ફાયટર સાથે કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. હાલ લોકડાઉનના કારણે તમામ ઓફીસો બંધ હોવાથી અને બીલ્ડીંગમાં ફાયર સેફટીના સાધનોનો અભાવ હોવાથી ફાયર બિગ્રેડના સ્ટાફે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો સ્ટાફે મહા મહેનતે ચોથા માળે પહોંચી બંધ ઓફીસના તાળા તોડી અંદર લાગેલી ભીષણ આગને પાણીનોે મારો ચલાવી આગ કાબુમાં કરી હતી. ઓમ પ્લેનેટ બિલ્ડીંગના ચોથા માળે આવેલ શ્રીદેવ ટેકનોલોજી નામની ઓફીસરમાં આગ લાગી હતી. તેના માલીક નયનભાઇ વોરાનો સંપર્ક કરતા તેઓ દોડી આવ્યા હતા. અને જણાવ્યું હતું કે હાલ લોકડાઉનમાં સર્વર ચાલુ હોય તથા સ્ટાફના લોકો ઘરે બેઠા સોફટવેરનુ:, કામકાજ કરતા હતા આગ સર્વરમાં શોર્ટ સર્કિટ ના કારણે લાગી હોવાનું પ્રાથમીક તારણ હતું આગના કારણે ઓફીસમાં રહેલ સર્વર ૩૦ થી વધુ કોમ્પ્યુટર, ઓફીસનું ફર્નીચર, ફ્રીઝ તથા ચા કોફીના મશુન સહીત લાખાનો માલ સામાન બળીને ખાખ થઇ ગયો હતો.