વહેલી સવારે આગ ભભૂકતા રાજકોટ, ગોંડલ, જૂનાગઢ, જામનગર અને જસદણ ફાયર બિગ્રેડની મદદ લેવામાં આવી: આગના કારણે ફેટકરી સંપૂર્ણ ખાખ થઇ
રાજકોટ-ગોંડલ હાઇવે પરના શાપર-વેરાવળ ખાતે આવેલી મસ્કત પોલીમર્સ પ્લાસ્ટીક નામના કારખાનામાં વહેલી સવારે અચાનક આગ ભભૂકતા આગ બુઝાવવા રાજકોટ, ગોંડલ, જામનગર, જસદણ અને જૂનાગઢ ફાયર બિગ્રેડની મદદ લેવામાં આવી છે. આગના કારણે ફેકટરી સંપૂર્ણ પણે સળગીને ખાખ થઇ જતા કરોડોનું નુકસાન થયાનું સુત્રો જણાવી રહ્યા છે. વેરાવળના સ્મશાન નજીક આવેલી મસ્કત પોલીમર્સ પ્લાસ્ટીક નામના કારખાનામાં વહેલી સવારે છ વાગે અચાનક ધૂમાડાના ગોટેગોટા બહાર નીકળતા અરવિંદભાઇ નામની વ્યક્તિએ રાજકોટ ફાયર બિગ્રેડ સ્ટાફને આગની ઘટના અંગે જાણ કરી હતી.
આગે થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા રાજકોટ ઉપરાંત ગોંડલ, જૂનાગઢ, જસદણ અને જામનગર ફાયર બિગ્રેડની ટીમને મદદ માટે બોલાવવામાં આવી છે. આગના કારણે પ્લાસ્ટીકના દાણા, તૈયાર થયેલી પ્લાસ્ટીકની થેલી અને મશીનરી સંપૂર્ણ રીતે સળગી જતા કરોડો રૂપિયાનું નુકસાન થયાનું જણાવવામાં આવી રહ્યું છે.
હજી સુધી આગ સંપૂણ રીતે કાબુમાં આવી નથી. આગ લાગવાનું કારણ જાણવા મળ્યું ન હતું. ફેકટરીમાં દરરોડ એકાદ હજાર પરપ્રાંતિય મજુરો કામ કરતા હોવાનું જાણવા મળે છે. વહેલી સવારે ચાર વાગે મજુરો કામ પુરૂ કરી બહાર નીકળ્યા બાદ છ વાગે અચાનક આગ ભભૂકી હોવાનું સ્થાનિક સુત્રો જણાવી રહ્યા છે. મસ્કત પોલીમર્સ પ્લાસ્ટીકના કારખાનાના માલિક નિરજભાઇ દોશીનું ભાગીદારીમાં હોવાનું જાણવા મળે છે. ફાયર બિગ્રેડ સ્ટાફ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા જહેમત ઉઠાવવામાં આવી છે.