એમજી રોડ પર આવેલી ફેશન સ્ટ્રીટ વિન્ડો શોપિંગ માટે ખૂબ જ પ્રસિદ્ધ સ્થળે આગની ઘટના 16 ફાયર ટેન્ડર અને બે વોટર ટેન્કર ઘટના સ્થળે પહોંચ્યા

મહારાષ્ટ્રના પુણેના કેમ્પ વિસ્તાર સ્થિત ફેશન સ્ટ્રીટ માર્કેટમાં શુક્રવારે મોડી રાત્રે અચાનક આગ લાગી ગઈ હતી. આગ એટલી ઝડપથી પ્રસરી કે કોઈ પગલાં ભરવામાં આવે તો પહેલા જ લગભગ તમામ દુકાન બળીને ખાખ થઈ ગઈ છે. ઘટનાની સૂચના મળ્યા બાદ ફાયર બ્રિગેડનો સ્ટાફ દોડી ગયો હતો અને આગ પર કાબૂ મેળવ્યો હતો. આગને પગલે કોઈ જાનહાનીના સમાચાર નથી. આગ કેટલી ભયાનક હતી તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે 500 દુકાન બળીને ખાખ થઈ ગઈ છે.શુક્રવારે રાત્રે આશરે 11 વાગ્યે પોલીસને આગની જાણકારી મળી હતી. કેમ્પ હનુમાન ખાતે આવેલી ફેશન સ્ટ્રીટમાં આગ લાગી હતી. આગ લાગવાની જાણકારી મળ્યા બાદ ફાયર બ્રિગેડની 16 ગાડી ઘટના સ્થળે પર દોડી ગઈ હતી. પુણે કેન્ટોનમેન્ટ બોર્ડના સીઈઓ અમિત કુમારે જણાવ્યું કે, મોડી રાત્રે લાગેલી આગમાં આખી ફેશન સ્ટ્રીટ બળીને ખાખ થઈ ગઈ છે. ખૂબ મહેનત બાદ આગ પર કાબૂ મેળવી શકાયો હતો. હજુ સુધી આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી.

16 ફાયર ટેન્ટર અને બે વોટર ટેન્કર ઘટના સ્થળે હાજર હતા. રાત્રે 1:06 વાગ્યે આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. જે બાદમાં કૂલિંગ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. 10 ફાયર ઓફિસર સહિત 60 લોકોનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને આગ પર કાબૂ મેળવાયો હતો. એમજી રોડ પર આવેલી ફેશન સ્ટ્રીક વિન્ડો શોપિંગ માટે ખૂબ જ પ્રસિદ્ધ છે. આવી જ એક ફેશન સ્ટ્રીટ માર્કેટ મુંબઈમાં પણ આવેલી છે. પુણેની ફેશન સ્ટ્રીટ માર્કેટમાંથી લોકો કપડાં, જૂતા, ચશ્મા અને ઘર-વપરાશની નાની નાની વસ્તુઓ ખરીદતા હોય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.