કોરોના મહામારીની તમામ ક્ષેત્રે ગંભીર, નકારાત્મક અસરો ઉપજી છે. સામાજિક, આર્થિક અને શૈક્ષણિક એમ દરેક ક્ષેત્ર પ્રભાવિત થયા છે. એમાં પણ જો કોઈ ક્ષેત્ર વધુ પ્રભાવિત થયું હોય તો તે છે આર્થિક ક્ષેત્ર. વિશ્વના મોટભાગના દેશોને મહામારીની પછડાટ લાગી છે. જેમાંથી ભારત પણ બાકાત નથી પરંતુ હવે કોરોનાની કળ વળતા અર્થતંત્રને વેગવંતુ બનાવવા કેન્દ્ર, રાજ્ય સરકાર ઉપરાંત નાના-મોટા ઉધોગપતિઓ અને સ્થાનિક તંત્ર સતત પ્રયાસમાં જુટાઈ ગયું છે. આર્થિક ગતિવિધિઓ તેજ બનાવી અર્થતંત્રને હકારાત્મક વેગ આપવા સરકાર તેમજ કેન્દ્રીય બેંક દ્વારા મહત્વના સમન્વયી પગલાંઓ ભરવામાં આવી રહ્યા છે. કેન્દ્રની મોદી સરકારે “સાત પગલાં આકાશ તરફ” માંડ્યા હોય તેમ ભારતીય અર્થવ્યવસ્થાને વધુ મજબૂત બનાવી નભ સુધી પહોંચાડવા મોટા નાણાંકીય પગલાંઓ ભર્યા છે. સરકાર દ્વારા વિવિધ ક્ષેત્રે આર્થિક રાહતોની વણજાર બાદ હવે કંપનીઓ, ઉધોગો રોકાણ અર્થે આગળ આવી રહ્યા છે.

તાજેતરમાં વૈશ્વિક સલાહકાર કંપની ઊઢ અને ઔધોગિક લોબી તરીકે જાણીતી ફિક્કીના સંયુક્ત અહેવાલમાં એક મોટી જાહેરાત કરવામાં આવી છે. ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ- એફઆઈસીસીઆઈ એટલે કે ફિક્કીએ જણાવ્યું છે કે ભારતીય અર્થ વ્યવસ્થાને આગળ ધપાવવા શક્ય તેટલા તમામ પ્રયાસ માટે અમે  તૈયાર છીએ. કોરોનાનો રોગચાળો કાબુમાં આવ્યા બાદ હવે આર્થિક સુધારણા અને રોજગાર નિર્માણની વિશાળ તક અમે ઉભી કરી છે. અમે આ માટે 600થી વધુ પ્રોજેકટ પર કામ હાથ ધર્યું છે. અને આ પ્રોજેક્ટ્સમાં આશરે 6 લાખ કરોડ રૂપિયાના રોકાણ કરવામાં આવશે તેમજ લગભગ 1.5 મિલિયન એટલે કે 15 લાખ નવી રોજગારી ઉભી થશે.

આ રોકાણ અને રોજગારીના ક્ષેત્રોની વાત કરીએ તો યુટિલિટી સ્કેલ નવીનીકરણીય, ઉર્જા ઉત્પાદન, રૂફટોપ સોલાર પીવી ડેવલપમેન્ટ, ડીસેન્ટરલાઈઝડ આરઇ પાવર ઉત્પાદન, ઓરિજિનલ આરઇ ઈકવિપમેન્ટ મેન્યુફેક્ચરિંગ અને ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સમાવેશ થાય છે. આટલા ક્ષેત્રે આગામી સમયમાં રૂપિયા 6 લાખ કરોડના રોકાણ થશે. આના પરિણામ સ્વરૂપ મહામારીના સમયમાં પણ 15 લાખ રોજગારીની નવી તકો ઉભી થશે અને માર્કેટમાં તરલતા આવશે. ઈવાય અને ફિક્કીના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, પ્રથમ વખત ઓછા કાર્બન વાળા ક્ષેત્રના દરેક નિર્ણાયક વિષયોમાં આર્થિક વિકાસ, મૂડી ગતિશીલતા, આત્મનિર્ભરતા, નોકરીઓ અને પર્યાવરણની દ્રષ્ટિએ શું જોખમકારક છે તેનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. અને ઈકો ફ્રેન્ડલી રીતે જ પ્રોજેકટ કામ હાથ ધરવામાં આવશે.

આ ઉધોગ સાહસિકોએ જણાવ્યું છે કે આ રિપોર્ટનો ઉદ્દેશ સરકારને કોવિડ પછીના અર્થતંત્ર ઉત્તેજના પ્રયત્નોમાં આર્થિક રિકવરી અને આબોહવા તટસ્થતાના લક્ષ્યોને સંતુલિત કરવા માટે નક્કર નીતિ બનાવવામાં મદદ કરવાનો છે. જણાવી દઈએ કે આ અહેવાલમાં પ્રોજેક્ટ સ્તરની માહિતી અને આંતરદૃષ્ટિની વહેંચણી કરનારા હોદ્દેદારોમાં નવીનીકરણીય ઉર્જા મંત્રાલયના પ્રતિનિધિઓ, અદાણી ગ્રીન એનર્જી, આદિત્ય બિરલા નવીનીકરણ અઝ્યુર પાવર, ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ , આઇનોક્સ વિન્ડ, પેનાસોનિક  તેમજ એનર્જી રીન્યુએબલ પાવર, એસબી એનર્જી કોર્પ અને સેમ્બકોર્પ એનર્જીનો સમાવેશ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.