કલમ ૩૭૦ હટાવવા મુદ્દે થયેલી પીટીશનને ખામીયુકત ગણાવીને સુનાવણી સ્થગિત કરવાનો સીજેઆઈની બેંચનો હુકમ
ભારતને આઝાદીકાળથી આતંકવાદ સહિતના મુદે પીડતી જમ્મુ-કાશ્મીર રાજયને વિશેષ દરજજો આપતી બંધારણની કલમ ૩૭૦ને મોદી સરકારે તાજેતરમાં કૂનેહપૂર્વક હટાવી દીધી હતી જેનાથી આ કલમના ઓઠા હેઠળ લાભ લેતા તત્વોના પેટમાં તેલ રેડાયું હતુ અને મોદી સરકારના આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. આ મુદે થયેલી રીટની ગઈકાલે સુનાવણી દરમ્યાન સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી બેંચે આ રીટને ‘ફારસ’ સમાન ગણાવી હતી જેથી આ રીટનો ફીયાસ્કો થઈ ગયાનું કાનૂનવિદોનું માનવું છે.જમ્મુ-કાશ્મીર રાજયને વિશેષ દરજજો આપતી બંધારણની કલમ ૩૭૦ હટાવવાનામોદી સરકારના નિર્ણયને એડવોકેટ એમ.એલ. શર્માએ સુપ્રીમ કોર્ટમાં રીટ કરીને પડકાર્યો હતો.
ગઈકાલે આ રીટ પર જસ્ટીસ રંજન ગોગોઈ, જસ્ટીસ એસ.એ. બોબડે અને જસ્ટીસ એસ.એ. નજમરની બેંચે સુનાવણી હાથ ધરી હતી. સીજેઆઈ ગોગોઈએ આ અરજીને ખામીયુકત ગણાવીને અરજદાર શર્માને ઉધડો લીધો હતો કે આ કેવા પ્રકારની રીટ છે? તેમાં તમે કયા પ્રકારનો પડકાર ફેંકયો છે? અને તમારી દલીલલો શું છે ? તે આ અરજીને અડધો કલાક સુધી વાંચવા છતાં હું સમજી શકયો નથી. તેમ જણાવીને આ રીટ પર સુનાવણી સ્થગિત રાખી હતી કોર્ટે ઉધડો લેતા અરજદાર શર્માએ માફી માંગીને સુધારેલી અરજી દાખલ કરવાની તૈયારી દર્શાવી હતી.જયારે, કલમ ૩૭૦ હટાવવા પૂર્વે અને બાદમાં જમ્મુ-કાશ્મીર વિસ્તારમાં મોદી સરકારે મીડીયા પર લગાવેલા વિવિધ પ્રતિબંધો દૂર કરવા મુદે કાશ્મીર ટાઈમ્સના સંપાદક દ્વારા કરવામાં આવેલી રીટ પર સુનાવણી કરવાની સીજેઆઈન બેંચે તૈયારી દર્શાવી હતી આ મુદે બેંચે થોડો વધારે સમય લેશે તેમ જણાવ્યું હતુ. આ રીટ પર એર્ટની જનરલે કે.કે. વેણુગોપાલે દલીલો કરતા જણાવ્યું હતુ કે ‘કાશ્મીર ટાઈમ્સ’ જમ્મુથી પ્રકાશિત થાય છે શ્રીનગરથી નહી કેન્દ્ર સરકારે કાશ્મીરમાં પ્રતિબંધો લગાવ્યા હતા જમ્મુમાં નહી કાશ્મીરમાં દિવસે દિવસે સ્થિતિ સુધરતી જાય છે. અને ધીરેધીરે સરકાર વિવિધ પ્રતિબંધો ઉઠાવી રહી છે.
કાશ્મીર ટાઈમ્સ વતી એડવોકેટ વૃંદા ગ્રોવરે કાશ્મીરમાં મીડીયા પર સરકારે લગાવેલા પ્રતિબંધો હટાવવા મુદે દલીલો કરતા જણાવ્યું હતુ કે લોકોને કાશ્મીરમાં શું થઈ રહ્યું છે. તે જાણ કરવાની મીડીયાની ફરજ છે. જેથી મીડીયા પર પ્રતિબંધ યોગ્ય નથી જે મુદે સીજેઆઈ ગોગોઈએ જણાવ્યું હતુકે મીડીયામાં અહેવાલો આવી રહ્યા છે કે કાશ્મીરમાં ટુંક સમયમાં ફોનલાઈનો ચાલુ થઈ જશે માટે તમે થોડો સમય રાહ જોવો જે બાદ, આ રીટ પર પણ બેંચે આગળની સુનાવણી સ્થગિત કરી દીધી હતી.સીજેઆઈ ગોગોઈ આ રીટની સુનાવણી દરમ્યાન જણાવ્યું હતુ કે કલમ ૩૭૦ હટાવવા મુદે બીજી સાત અરજીઓ થઈ છે. જે પૈકીનાં એક અરજદાર શકીલ શબ્બીરને કહેવામાં આવ્યું હતુ કે તેમની અરજીની સુપ્રીમ કોર્ટની રજીસ્ટ્રી દ્વારા ચકાસણી થવાની બાકી છે. બેંચે સુપ્રીમની રજીસ્ટ્રીની પણ ઝાટકણી કાઢીને આવી ખામી યુકત પીટીશન દાખલ કરવા બદલ ઉઘડો લીધો હતો. જેથી રજીસ્ટ્રારે બચાવ કરતા જણાવ્યું હતુ કે આ પ્રકારના ગંભીર મુદાની પીટીશનો છે કે જેમાં અરજદારોએ ખામીયુકત અરજીઓ દાખલ કરી છે. આ તમામ દલીલો બાદ બેંચે આ મુદે વધુ સુનાવણી સ્થગિત રાખવાનો હુકમ કર્યો હતો.