કાર્યક્રમના સ્થળે મોટાભાગની ખુરશીઓ ખાલી ખમ્મ
મોરબી જીલ્લાના સુજલામ સુફલામ જળ અભિયાનનો સમાપન સમારોહ આજે હળવદમાં યોજવામાં આવ્યો હતો જેમાં મોટાભાગની ખુરસીઓ ખાલી રહેતા કાર્યક્રમનો ફીયાસ્કો થયો હતો.
જળ સંચયના કાર્યક્રમની મોટી મોટી જાહેરાતો કરાઈ હોવા છતાં શહેરના સામતસર તળાવની સમીપે યોજાયેલ કાર્યક્રમમાં લોકોની પાંખી હાજરી જોવા મળી હતી. તેમજ ર૦ જેટલા દ્વિચક્રી વાહનો શહેરના મુખ્યમાર્ગે દેખાતા બાઇક રેલીમાં પણ કાર્યકર્તા ઝુટાવી શકયા નહોતા.
જિલ્લા કક્ષાના યોજાયેલ કાર્યક્રમમાં લોકોની પાંખી હાજરીથી મોટા ભાગની ખાલી ખુરશીઓ જોવા મળતા કાર્યક્રમનો ફિયાસ્કો થયો હતો. હળવદના શરણેશ્વર ઉપવન ખાતે યોજાયેલ સુજલામ સુફલામ જળ અભિયાનનો સમાપન કાર્યક્રમ યોજાતા હળવદ મામલતદાર કચેરી તેમજ તાલુકા પંચાયત કચેરીઓ સુમશાન ભાસતી જોવા મળી હતી તેમજ કચેરીએ આવતા અરજદારો સવારથી કચેરીઓ ખાલી જોઈ રાહ તાકી બેઠા હતા.
રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવતા આવા મોટા મોટા તાયફાઓથી કારણ વગરના હળવદ તાલુકાના અરજદારો પરેશાન થયા છે. એટલું જ નહીં પણ પ્રસિદ્ધિના ભુખ્યા પાણી પુરવઠા વિભાગ દ્વારા વાસ મારતી છાશ વિતરણ કરી કામગીરીમાં સંતોષ માની લીધો હતો.
તો બીજી તરફ રાજયના અમલીકરણ સમિતિના અધ્યક્ષ આઇ.કે.જાડેજાની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાના યોજાયેલ જળ અભિયાન સમાપન સમારોહમાં પાણી બચાવોના માત્ર મોટા તાયફા કરાય છે જયારે ગરીબ પ્રજાને આવી મોંઘવારીમાં અચ્છે દિન કયારે મળશે બસ તે તો એક પ્રશ્ન બની રહ્યો છે.
કાર્યક્રમમાં લોકોની ભીડ એકઠી કરવા ખાનગી શાળાની ર૫ બસ દોડી છતાંય પાંખી હાજરી!
જોકે આ કાર્યક્રમમાં લોકોની ભીડ એકઠી કરવા હળવદની ખાનગી શાળાની ૨૫ જેટલી બસ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી જુદા જુદા રૂટો પર દોડી હતી પરંતુ પંથકના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટા ભાગની બસ ગણ્યા ગાઠયા લોકોને જ બેસાડીને લઈ આવી હતી.
ખાનગી શાળાની બસ ફાળવવા કોઇ પરિપત્ર નહતો
આ અંગે અધિકારીને પુછતાં તેમણે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, હળવદ ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાના સુજલામ સુફલામ જળ અભિયાનના કાર્યક્રમમાં કોઇ ખાનગી શાળાને કોઇ પરિપત્ર નહોતો પણ સુચના અપાઇ હતી. વધુમાં ઉમેર્યું હતું કે, ખાનગી શાળાના સંચાલકોએ સ્વખર્ચે કાર્યક્રમમાં બસ દોડાવી હતી.
સ્ટેજ પર સ્થાન ન મળતાં મામલતદાર પાછળ ઉભા રહ્યા
મોરબી જીલ્લા કક્ષાનો આજે હળવદ તાલુકામાં સુજલામ સુફલામ જળ અભિયાનનો સમાપન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં હળવદ તાલુકાના મામલતદાર પી.એમ. મકવાણાને સ્ટેજ પર સ્થાન ન મળતાં લોકો વચ્ચે ઉભા રહીને કાર્યક્રમ નિહાળ્યો હતો. માત્ર પ્રસિદ્ધિ માટે સ્ટેજ પર ખુરશી ઉપર ચડી બેઠેલાં ભાજપના નેતાઓને સન્માન આપવામાં અને ગરિમા જાળવવામાં જરાય રસ ન હોય તેવુ દ્રશ્ય આજે સમાપન સમારોહમાં જોવા મળ્યું હતું.