એફજીઆઇ શતાબ્દિ દિવસની ઉજવણી : એક સદી જુના રાજ્યના પ્રથમ ઉદ્યોગ-વાણિજ્ય મંડળની શાનદાર તવારીખના દર્શન કરાવતી ફોટો ગેલેરીનું વિધાનસભા અધ્યક્ષે કર્યુ ઉદ્દઘાટન
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ, શુક્રવારે એફજીઆઇ શતાબ્દિ દિવસની ઉજવણી પ્રસંગે સંસ્થા પરિસરમાં, એક સદી જુના રાજ્યના પ્રથમ અને યશસ્વી વ્યાપાર ઉદ્યોગ મંડળની શાનદાર તવારીખના દર્શન કરાવતી એફજીઆઇ ફોટો ગેલેરીનું ઉદ્દઘાટન કર્યુ હતું. આ પ્રસંગે સંસ્થાના વિકાસમાં યોગદાની પૂર્વ પ્રમુખોનું સન્માન કરવામાં આવ્યુ હતું અને એફજીઆઇ ધ્વારા સીએસઆરના ભાગરૂપે વડોદરા શહેર પોલીસને હાઇટેક ફોર વ્હીલર ટોઇંગવાનનું લોકાર્પણ કરાયુ હતું. સંસ્થાએ શહેરના નવનિયુક્ત મેયર ડો.જિગીષાબેન શેઠને સન્માન્યા હતા.
શતાબ્દિ એટલે કોઇપણ સંસ્થા માટે સંધીકાળ એવી લાગણી વ્યક્ત કરતાં વિધાનસભા અધ્યક્ષે જણાવ્યું કે એફજીઆઇએ એક સદીના આયુષ્ય દરમિયાન ઉદ્યોગો અને કેન્દ્ર/રાજ્ય સરકાર વચ્ચે નીતિ ઘડતર અને નીતિઓના બદલાવની બાબતમાં સંકલન સેતુ બનીને રાજ્ય અને દેશના ઔદ્યોગિક અને વ્યાપારીક વિકાસમાં યોગદાન આપવાની સાથે સામાજિક વિકાસમાં નક્કર યોગદાન આપ્યું છે. તેમણે સંસ્થા આયુષ્યની સદી તરફ યશસ્વી સફર ચાલુ રાખે એવી શુભકામના પાઠવી હતી.
એફજીઆઇ ધ્વારા સીએસઆરના ભાગરૂપે વડોદરા શહેર પોલીસને અર્પણ કરાઇ હાઇટેક ફોર વ્હીલર ટોઇંગવાન પૂર્વ અધ્યક્ષોનું કરવામાં આવ્યુ સન્માન
આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા ઇએમઇના કમાન્ડન્ટ મેજર જનરલ રાજુ કે. સુબ્રમણીએ જણાવ્યુ હતું કે દેશ હાલમાં મિલીટ્રી હાર્ડવેર મહદંશે આયાત કરે છે. દેશના ઔદ્યોગિક એકમોએ સેનાને જરૂરી મિલીટ્રી હાર્ડવેર બનાવવાનું શરૂ કર્યું છે. સેના સાથે ઓદ્યોગિક એકમોની આ સહભાગીદારી વધતાં, ભવિષ્યમાં દેશ મિલીટ્રી હાર્ડવેરના ઉત્પાદનમાં આત્મ નિર્ભર બનશે અને નિર્યાતકાર દેશોની આધારીતતામાંથી મુક્ત થશે. તેમણે આ સંદર્ભમાં વડોદરાના કાપડ ઉદ્યોગએ બીજા વિશ્વ યુધ્ધ સમયે સેના માટે જરૂરી કાપડના ઉત્પાદન ધ્વારા લશ્કરને કરેલી મદદનો દાખલો આપ્યો હતો.
દેશમાં મિલીટ્રી હાર્ડવેરના ઉત્પાદનોમાં ઔદ્યોગિક એકમોની સહભાગીદારી વધતા દેશ આયાતકારને બદલે આત્મ નિર્ભર બનશે : ઇએમઇ કમાન્ડન્ટ
હાઇટેક ફોર વ્હીલર ટોઇંગ વાનનો સ્વીકાર કરતાં પોલીસ કમિશનરશ્રી મનોજ શશીધરને જણાવ્યુ હતું કે અત્યાર સુધી શહેર પોલીસને, નાના લોકોના ટુ વ્હીલર લઇ જાવ છો અને મોટા લોકોની ગાડીઓ નથી દેખાતી એવુ મહેણું મારવામાં આવતુ હતું. ફોર વ્હીલર ટોઇંગ વાનથી આ ફરિયાદનું નિવારણ થશે અને ટ્રાફિક જાળવણીની શહેર પોલીસની ક્ષમતા અને સાધન સુવિધા વધશે.
એફજીઆઇ શતાબ્દિના અબિનંદન આપતા શ્રીમંત સમરજીતસિંહ ગાયકવાડે જણાવ્યું કે જુના વડોદરા રાજ્યમાં સ્થપાયેલી આ સંસ્થાની યશસ્વી કામગીરી અને શતાબ્દિ મારે માટે ગૌરવનો પ્રસંગ છે.
એફજીઆઇએ એક સદીના આયુષ્ય દરમિયાન ઉદ્યોગો અને કેન્દ્ર/રાજ્ય સરકાર વચ્ચે નીતિ ઘડતર અને નીતિના બદલાવની બાબતમાં સંકલન સેતુ બનવાની સાથે સામાજિક વિકાસમાં યોગદાન આપ્યું છે : રાજેન્દ્ર ત્રિવેદી
સંસ્થા અધ્યક્ષશ્રી નીતિન માંકડે સહુને આવકાર્યા હતા અને ધી બરોડા મીલ ઓનર્સ એસોસીએશન તરીકે ગાયકવાડી શાસનમાં સ્થપાયેલી સંસ્થાની એફજીઆઇમાં રૂપાંતરણની એક સદીની ઔદ્યોગિક અને સામાજિક વિકાસની સેવાઓની જાણકારી આપી હતી. આ પ્રસંગે ધારાસભ્યશ્રી જીતેન્દ્ર સુખડીયા, સ્થાયી અધ્યક્ષ સતીષ પટેલ, સંસ્થાના ઉપપ્રમુખઓશ્રી દિલીપ શાહ, મોહન નાયર, ખજાનચી પ્રણવ દોશી સહિત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહા સચિવ શ્રી નીતેષ પટેલે કાર્યક્રમનું સંચાલન કર્યુ હતું.