વોટસએપએ નિષ્ણાંતોની ટીમને એપ્લીકેશન વિકસાવવા કામે લગાડી
સોશિયલ મિડીયામાં ફેક ન્યુઝ અને વાયરલ મેસેજને કાબુમાં લેવા અંતે વોટસએપ દ્વારા ખાસ એપ્લીકેશન તૈયાર કરવા નકકી કરાયું છે અને આ માટે નિષ્ણાંતોની ટીમને કામે લગાડી હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ વોટસએપ પર ફેલાઈ રહેલા અફવા જનક મેસેજોના કારણે દેશમાં હડકંપ મચી છે ત્યારે સરકાર પણ આ બાબતને ગંભીર ગણી વોટસએપ, ફેસબુક જેવા સોશિયલ મિડીયા પર ફેક ન્યુઝ રોકવા દબાણ લાવવાનું શરૂ કરતા વોટસએપ દ્વારા ફેક ન્યુઝને ઓળખવા માટે ખાસ એપ્લીકેશન વિકસાવવા નિષ્ણાંતોની ટીમને કામે લગાવવામાં આવી છે.
વધુમાં વોટસએપ દ્વારા આ એપ્લીકેશન અન્વયે અલગ-અલગ કલર કોડ મુજબ સંદેશાઓને અલગ તારવવામાં આવશે અને નકલી કે ફેક કન્ટેન્ટ માટે લાલ કલર નકકી કરાયો છે અને લીલા રંગના કન્ટેન્ટને કાયદેસરની સામગ્રી ગણી પીળા રંગની સુચીમાં સિસ્ટમ આ કન્ટેન્ટને ડિકોટ ન કરી શકતું હોવાનું સુચવવામાં આવશે. વધુમાં સરકારે વોટસએપને ખોટા સંદેશાઓ બાબતે ચેતવણી આપતા આ ગંભીર બાબતે વોટસએપ દ્વારા એક ખાસ એપ્લીકેશન વિકસાવાઈ રહી છે અને ગહન અભ્યાસ બાદ આ નવી એપ્લીકેશન દ્વારા ફેક ન્યુઝને સરળતાથી ઓળખી શકાશે અને ટુંક સમયમાં જ આ એપ્લીકેશન તૈયાર થઈ જનાર હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે વોટસએપમાં ફેલાતા ફેક ન્યુઝ અને નકલી સંદેશાઓને કારણે બાળકો ઉઠાવી જવાની ખોટી અફવાઓ તેમજ અનેક એવી ઘટનાઓ બની છે કે જેમાં નિર્દોષ લોકોના મોત નિપજયા હોવાનું સામે આવ્યું છે. આ સંજોગોમાં વોટસએપ દ્વારા ભવિષ્યમાં આવા ફેક ન્યુઝ ખતરો ન બને તે માટે ખાસ સિસ્ટમ વિકસાવવામાં આવી રહી છે. જે આવનાર દિવસોમાં આવી ઘટનાઓ ઘટવા પર રોક લગાવશે.