કમ્પાઉન્ડરોએ નેપાળથી સોનોગ્રાફી મશીન લાવી રૂ. ૧૨૦૦૦ માં જાતિ પરીક્ષણ કરી ગર્ભપાત માટે અન્ય તબીબ પાસે મોકલતા હતા

રાજકોટના બે અને ધોરાજીનો એક શખ્સ ૬ માસથી ગેરકાયદે કાળો કારોબાર ચલાવતા હતા

શહેરના મવડી વિસ્તારમાં નેચરોપેથી સેન્ટર ઓઠા હેઠળ ચાલતા ગર્ભ પરીક્ષણ ગોરખધંધા પર પોલીસે દરોડો પાડી ત્રણ શખ્સને ઝડપી લીધા હતા. ધોરણ-૧૦ નાપાસ ત્રણેય શખ્ત છેલ્લા આઠ મહિનાથી ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાત કરાવતા હતા, સગર્ભાનું ચેકિંગ કર્યા બાદ તેના સ્વજનો પાસેથી  મસમોટી રકમ પડાવતા હતા. આઠ મહિનાથી ચાલતા આ સેન્ટરમાં મહિને ૨૦ જેટલા પરીક્ષણ કરવામાં આવતા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ  મવડી મેઈન રોડ પર બાપા સિતારામ ચોક નજીક હરીઓમ એક્યુપ્રેશર એન્ડ નેચરોથેરાપી સેન્ટરના ઓઠા નીચે ધમધમતું ગેરકાયદેસર ગર્ભપરીક્ષણ અને ગર્ભપાત કરાવી આપવાની વ્યવસ્થાનું મસમોટું કારસ્તાન એસઓજીએ ઝડપી લઈ ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી. જેમાં અમિત પ્રવીણ થીયાદ (ઉ.વ.૩૯, રહે. ગોકુલધામ પાસે, ગીતાંજલિ સોસાયટી, શેરી નં.૩), દિનેશ મોહન વણોલ (ઉ.વ.૩૬, રહે. કૃષ્ણનગર મેઈન રોડ, ગુરુપ્રસાદ ચોક, અલંકાર એપાર્ટમેન્ટ, ફ્લેટ નં.૧૦૨) અને અવેશ રફીક મન્સુરી (ઉ.વ.૩૨, રહે. અંધારિયાવાળ લધાસાબાવાની દરગાહ પાસે, મેઈન બજાર રોડ, ધોરાજી)નો સમાવેશ થાય છે. છેલ્લા આઠેક માસથી આ ટોળકી ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ કરી દર્દી પાસેથી મસમોટી રકમ વસુલતી હોવાનું જણાવ્યું હતું.

એસઓજીના સ્ટાફને મળેલી ચોક્કસ માહિતીના આધારે પીએસઆઈ એમ. એસ. અંસારીએ હરીઓમ એક્યુપ્રેશર એન્ડ નેચરોથેરાપી સેન્ટરમાં પોલીસમિત્ર મુક્તાબેન અને તેના પતિ મહેશ મુંધવાને ડમી ગ્રાહક બનાવી મોકલ્યા હતા ત્યારે આરોપીઓએ સોનોગ્રાફી મશીન દ્વારા દીકરો છે કે દીકરી તેનું જાતીય પરીક્ષણ કરવાના અને જો દીકરી હોય તો તેનું ગર્ભપાત પણ કરી આપવાની તૈયારી બતાવી હતી.આરોપીઓએ ગર્ભપરીક્ષણ માટે રૃા.૧૨ હજાર અને ગર્ભપાત કરાવી આપવા બદલ રૃા.૨૦ હજારનો ચાર્જ કહ્યો હતો. તે સાથે જ વોચમાં ગોઠવાયેલો એસઓજીના સ્ટાફે મનપાના આરોગ્ય વિભાગના સ્ટાફ સાથે રેડ કરી હતી. સ્થળ પરથી સોનાગ્રાફી મશીન, જેલની બોટલો, ત્રણ મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

પોલીસે જણાવ્યું કે, આરોપીઓએ માધ્યમિક શિક્ષણ સુધીનો અભ્યાસ કર્યો છે, આ સિવાય તેમની પાસે કોઈ ડિગ્રી નથી. ત્રણેય આરોપીઓ અગાઉ ડોક્ટરને ત્યાં નોકરી કરતા હતા. જેનો અનુભવ કામે લઈ ગેરકાયદેસર ગર્ભપરીક્ષણ શરૃ કર્યું હતું.  આરોપી અમિત અને દિનેશ અગાઉ મધુરમ હોસ્પિટલમાં, જ્યારે અવેશ ધોરાજીમાં ગાયનેક ડો.ફળદુને ત્યાં નોકરી કરતો  હતો. ત્રણેય આરોપીઓ કઈ રીતે ગર્ભ પરીક્ષણ કરવું તે શીખી ગયા હતા, જેને કારણે હરીઓમ નેચરોથેરાપી સેન્ટરના ઓઠા નીચે ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ શરૃ કર્યું હતું. એટલું જ નહીં જો દીકરી હોય તો ગર્ભપાત કરાવવાની પણ વ્યવસ્થા કરી આપતા હતા. આ વ્યવસ્થા કઈ જગ્યાએ કરી આપતા તેની તપાસ પોલીસ કરી રહી છે. જે સ્થળે પોલીસે દરોડો પાડયો તે જગ્યા અમિતની છે. તે એક્યુપ્રેશર થેરાપી પણ જાણે છે. બાકીના બે આરોપીઓ દિનેશ અને અવેશ પેશન્ટ શોધીને લઈ આવવાનું મુખ્યત્વે કામ કરતા હતા.  એસઓજીએ મનપાના આરોગ્ય શાખાના અધિકારી ડો.લલિત વાઝાની ફરિયાદ પરથી આરોપીઓ સામે તાલુકા પોલીસ મથકમાં પી. સી. એન્ડ પી.એન્ડ પી.ટી. એક્ટ ૧૯૯૪ની કલમો ઉપરાંત આઈપીસી કલમ ૩૧૫ અને ૩૧૧ હેઠળ ગુનો દાખલ કરાવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.