જમીનમાં બાયોડાઈવસીટીનો વિકાસ કરીને ‘જીવ-જીવશ્ય-જીવનામ’ના સિદ્ધાંત પર ખેતી કરો તો પ્રકૃતિ પણ તમને મદદ કરે
ઉત્તમ ખેતી… મધ્યમ વેપાર અને કનિષ્ક દલાલીની નોકરીની આ કહેવતમાં દાયકાઓ પહેલા આવકના સંશાધન તરીકે ખેતીને ઉત્તમ ગણવામાં આવી છે. નીતિ શાસ્ત્રમાં ખેતીની આવકને કમજોર ગણનારાઓને મુર્ખાઓમાં ગણવામાં આવે છે. ચાણક્યએ મુર્ખાઓની વ્યાખ્યામાં જે લોકો ખેતીની આવકને નગણ્ય ગણે છે તેને મહામુર્ખ કહેવામાં આવ્યો છે. અત્યારે ખેતી ખર્ચાળ બની જઈ રહી છે. ખર્ચ કરો એટલું ઉત્પાદન આવતું નથી અને કરજમાં ડુબેલા ખેડૂતોને આત્મહત્યા કરવાની ફરજ પડે છે ત્યારે ખર્ચ કરીને તો ખેતી દુનિયા આખી કરે છે, માત્ર પાણીથી એકપણ રૂપિયાનો ખર્ચ કર્યા વગર ૯૦૦ ટકા નફો રળીને દાદરાનગર હવેલી પાસે આવેલા ઉંમરગામના સંઘવી ફાર્મના ૭૨ વર્ષના વેપારીમાંથી ખેતીના માસ્ટર બનેલા અર્વાચીન ખેડૂતને લીમકા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત થયું છે.
દાદરા નગર હવેલીના ઉમરગામે ‘સંઘવી ફાર્મ’માં ખર્ચ વગરની ખેતીની વિશ્ર્વસ્તરે નોંધ લેવાઈ, કંઈ કર્યા વગર કમાણી થાય એનું જ નામ ખેતી
ઉંમરગામના સંઘવી ફાર્મમાં અશોકભાઈ સંઘવીએ એક આગવી જ વગર ખર્ચે ૯૦૦ ગણી આવક રળી આપતી ખેતીની આખી દુનિયા ઉભી કરી છે. અશોકભાઈ સંઘવીના જ શબ્દોમાં આ સફળતાનું રહસ્ય જાણીએ તો ખર્ચો કરીને દુનિયા ખેતી કરે તમે માત્ર પાણીથી ખેતી કરીને ૯૦૦ ટકા નફો રળો તો જ સાચા ખેડૂત ગણાવ કંઈ ર્ક્યા વગર ખેતી કરી શકાય. મબલખ ખર્ચો કરીને કરવામાં આવતા દુનિયાના તમામ ધંધામાં નફાનું પ્રમાણ ૫ થી લઈને ૨૦૦ ટકા જેટલો ગણો સોનુ વેંચો કે દારૂ કે સ્મગલર બનીને દાણચોરી કરો તો પણ ક્યાંય દુનિયામાં એવો ધંધો નથી કે, ખર્ચ ર્ક્યા વગર ૯૦૦ ગણી આવક થાય.
અશોકભાઈ સંઘવીના કલ્પવૃક્ષ ફાર્મમાં સજીવથી શરૂ કરી પ્રાકૃતિક ખેતી સુધીની સફરમાં ક્યાંય એક રૂપિયાનો ખર્ચો થતો નથી
ઉંમરગામના સંઘવી ફાર્મના અશોકભાઈ સંઘવી પાણીના લઘુતમ ઉપયોગ સૂર્ય છાયાની વિશિષ્ટ પદ્ધતિ અને સજીવ ખેતીના માધ્યમથી દુનિયામાં ક્યાંય ન થાય તેવી જેવીક અને કુદરતી ખેતી કરે છે.
ખેતીનો ધંધો દુનિયામાં ઓછા ખર્ચે વધુ આવક આપતો વ્યવસાય છે અને કૃષિ અન્ન ઉત્પાદન થકી જ સમગ્ર વિશ્ર્વ ટકી રહ્યું છે ત્યારે ખેતીમાં આધુનિકરણના નામે થયેલા ખોટા અને ગેરવ્યાજબી ખર્ચાએ ખેતીને ખોટનો ધંધો બનાવી દીધો છે. ખાતર દવા અને ખુબજ ઓછા પાણીથી નેસર્ગીંક ખેતી કરી અશોકભાઈ સંઘવીએ એક કમાલ કરી નાખી છે. ઉંમરગામના સંઘવી ફાર્મમાં નાળીયેર, સોપારી, કેળ અને ચિકુની જે રીતે બાગાયતી ખેતી કરવામાં આવે છે તેમાં સંપૂર્ણપણે સજીવ ખેતીના આવિષ્કારથી મબલખ આવક અને સંપૂર્ણપણે નેસર્ગીક વાતાવરણ ઉભુ કરવામાં આવ્યું છે.
ઉંમરગામના ૭૨ વર્ષના યુવાન ખેડૂત અશોકભાઈ સંઘવીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, વેપારી છું… દરેક ધંધામાં નફા-નુકશાનનો હિસાબ રાખું, મને ખેતી ઉત્તમ લાગે છે, મારા મતે વેપાર મધ્યમ છે અને હું માનુ છું કે, દલાલીની નોકરી સૌથી હલકુ કામ છે. ખેતીમાં મને ૯૦૦ ટકા નફો મળે છે. લીમકા બુકે મારી આ સિધ્ધીની નોંધ લીધી છે અને મને આંતરરાષ્ટ્રીય એવોર્ડ પણ મળ્યા છે. આપણા પૂર્વજો બાપ-દાદાએ આપેલા ખેતીના વારસાને સમજવો જોઈએ. ખેડૂતોની આત્મહત્યા કેમ થાય છે તેનો વિચાર કરવો જોઈએ. ખેતીમાં ક્યારેય ખોટ જતી નથી પરંતુ તેમાં નિયતી પ્રાકૃતિક હોવી જોઈએ.
અશોકભાઈ સંઘવીના મતે ખેતી ધંધો નથી, ધર્મ છે. ધર્મ એટલે ફરજ છે, ખેડૂતનો દિકરો ખેતી કરે તો તેને સત્યધર્મ માથે રાખીને પ્રકૃતિને સાથે રાખીને ખેતી કરવી પડે. અશોકભાઈના મતે ખેતીમાં નફો રળવા માટે ક્યાંય ખર્ચો, ખેડ, ખાતર અને મજૂરીની જરૂરત પડતી નથી. ખેતીમાં ખર્ચ થાય તો તેને ખેતી કહેવાય જ નહીં.
અશોકભાઈ સંઘવીના સંઘવી ફાર્મમાં ક્યાંય વધારે પાણીની જરૂર નથી અને મોંઘા ભાવની દવા કે ખાતરનો ઉપયોગ કરવો પડતો નથી. અશોકભાઈ સંઘવીએ ખેતીમાં એવું તે શું ર્ક્યું કે વિશ્ર્વને નોંધ લેવી પડી. અશોકભાઈ જણાવે છે કે, ખેડૂતોને ખેતીમાં ક્યારેય ખર્ચ કરવાનો જ ન હોય, ખેતીને પ્રાકૃતિક સાત પરિબળોની જરૂર પડે છે. જેમાં દવા, પાણી, જમીન, જીવન સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ, વનજીવન અને સૂર્ય પ્રકાશના સમન્વયથી સંપૂર્ણપણે ખેતી કરવામાં આવે તો ખેતીના સારા ફળ જ મળે. ખેતીમાં આ સાત પરિબળના સંકલનથી ખેતી કરો તો પાણી નથી ખપતું, ખાતર નથી ખપતુ, ખેતી કરવાની જરૂર રહેતી નથી, નથી જોઈતી મજૂરી કે સમયનો બગાડ પણ થતો નથી અને ખર્ચ વગર ૯૦૦ ટકા નફો આપે છે.
અશોકભાઈ સંઘવી જણાવે છે કે, ખેતી કરવાની ન હોય ખેતી થાય છે, ખેતીને ધંધો નહીં ધર્મ બનાવો, દુનિયામાં એકપણ એવો ધંધો નથી કે તેમાં ખર્ચ વિના નફો મળે. અનેક કુદરતી પરિબળોને એકરૂપ કરીને ખેતી કરવામાં આવે તો હું કહું એ જ થાય અને તે સત્ય હકીકત મેં સાબીત કરી બતાવી છે. અનેક પરિવારો ખેતી ઉપર નભે છે. ઘઉં, ચોખા ફેકટરીમાં થતાં નથી, ઉદ્યોગનો વિકાસ કરવાથી વસ્તુ મળે અનાજ નહીં. ઉદ્યોગ બનાવવા કરતા ખેતીનો વિકાસ કરવો જોઈએ. ખાવાની ચીજ કારખાનામાં બનતી નથી, તમે ક્યાંય ઘઉંની ફેકટરી જોઈ, આ ૯૦૦ ટકા નફો મેળવનારાનો મત છે. હવા, પાણી, જમીન, જેવીક સૃષ્ટિ, પ્રાણી, વન અને સૂર્ય પ્રકાશના સમન્વયથી ખેતી કરવાની ટ્રીક સંઘવી ફાર્મમાં જોવા મળે છે.
સંઘવી ફાર્મમાં કેળા, ચીકુ, સોપારીની ખેતી કરવામાં આવે છે. જમીનમાં અળસીયાનું ઉત્પાદન, બેકટેરીયાની ખેતી અને બે ઝાડ વચ્ચેના અંતર અને સૂર્ય પ્રકાશના નિયમનથી સંઘવી ફાર્મમાં મબલખ આવક મેળવવામાં આવે છે. અશોકભાઈ સંઘવીએ બંજર જમીનમાં એક ખાડામાં બે-બે કરીને નાળીયેરની રોપણી કરી, વચમાં સોપારી વાવી, સાથે સાથે મીઠો લીમડો અને અન્ય આંતર પાકની એવી રીતે વાવણી કરી કે, નાળીયેરીઓમાં એક સાથે ધોરીયામાં પાણી મુકવાને બદલે નાળીયેરીના ઝુંડ વચ્ચમાં ખાડો કરી પાણી આપવામાં આવે છે. જેનાથી નાળીયેરીનું આખુ ઝુંડ પાણી પી લે છે. સામાન્ય રીતે એક એકરમાં ૨૫ બાય ૨૫ના અંતરે નાળીયેરી વાવવામાં આવે છે. જેનાથી સામાન્ય નાળીયેરના બગીચામાં ૬૪ નાળીયેરીઓ વાવવામાં આવે છે. સંઘવી ફાર્મમાં એક ખાડામાં બે નાળીયેરી વાવી ૭૨ નાળીયેરીનું વાવેતર કર્યું. એક નાળીયેરીને ઓછામાં ઓછુ ૧૫ લીટર પાણી જોઈએ. સંઘવી ફાર્મમાં એકરે ૧૪૪ નાળીયેરી નજીક-નજીકથી વાવી અને વચ્ચો વચ્ચ એક ખાડામાં ૧૫ લીટર પાણી નાખતા માત્રને માત્ર દોઢ લીટરમાં નાળીયેરી જીવતી રાખવામાં આવે છે. આ નાળીયેરનું ઉત્પાદન પણ બમણું થાય છે.
સૂર્ય મંડળની છાયા અને આભાનો ઉપયોગ કરીને બગીચામાં કુદરતી છાયાનું નિર્માણ કર્યું છે જેનાથી નિંદણ થતું નથી અને આંતર ખેડ ન થતી હોવાથી આપો આપ અળસીયાનું સર્જન થયું છે. અળસીયાથી કુદરતી રીતે ખેતી થાય છે અને નિંદામણનો ખર્ચ થતો નથી.
અશોકભાઈ સંઘવીની અન્ય કમાલમાં તે આંતર પાકમાં શાકભાજીની સાથે પાલક અને મગની ખેતી કરે છે. જેનાથી નિંદણ થતું નથી અને મગના વાવેતરથી જમીનમાં કુદરતી રીતે પોષક તત્ત્વો ઉભા થાય છે.
અશોકભાઈ સંઘવી તેની સફળતાના રહસ્યમાં જણાવે છે કે, અંગ્રેજોએ આપણા ઉપર ૩૦૦ વર્ષ રાજ કર્યું, બધુ લુંટી ગયા છતાં આપણે ફરીથી સમૃધ્ધ થયા કારણ કે આપણી પાસે સોનુ અને એકે હજારનું સર્જન કરતી જમીન છે. હવે વિભક્ત કુટુંબની વ્યવસ્થામાં જમીનના ટુકડા થઈ ગયા છે. ખેડૂતોને ઓછી જમીનમાં ટાચા સાધનોનો ઉપયોગ કરી વધુ ખેતીની આવક મેળવવાનો સમય છે ત્યારે ખોટા ખર્ચા કરી કરજના ખાતામાં ઉતરવું પોસાય તેમ નથી. સામાન્ય રીતે જંતુનાશક દવા અને હાઈબ્રીડ બિયારણથી પાણી અને મહેનતનો બેવડો વ્યય થાય છે. જો સજીવ ખેતી કરવામાં આવે તો ખાતર અને જંતુનાશન દવા તો ઠીક ખેતીની પણ જરૂર નથી. અળસીયાનું સંવર્ધન કરવાથી કુદરતી રીતે ખેડ થાય છે. અશોકભાઈ સંઘવીના સંઘવી ફાર્મમાં સફળતાના રહસ્ય અને ખર્ચ વગરની ખેતીના મુખ્ય આવિષ્કાર અળસીયા ગણવામાં આવે છે. અળસીયાનો ઉછેર કરવાથી જમીન આપો આપ ખેડાતી રહે છે. અળસીયા જમીનમાં રહે તો તેને થોડા થોડા સમયમાં ઓક્સિજન અને મળ ત્યાગ માટે બહાર આવવું પડે છે અને અળસીયાની આ આવક જાવકથી જમીન કુદરતી રીતે ખેડાતી રહે છે.
બગીચાના ઝાડ-પાંદનો ભરાવો અને સૂર્ય છાય જળ સંવર્ધનનું કામ કરે છે. અશોકભાઈ સંઘવીના સંઘવી ફાર્મમાં ચિકુ અને કેળના બગીચામાં આંતર ખેડમાં અનેક વસ્તુઓ વાવવામાં આવે છે અને બગીચામાં પાંદળા અને કચરો ક્યારેય ભેગો કરવામાં આવતો નથી. અશોકભાઈ સંઘવીના મતે બગીચામાં પાંદડા સૂર્ય પ્રકાશને જમીન સુધી પહોંચવા દેતા નથી અને નેસર્ગીક રીતે કીડીઓ ઉભરાય છે. કીડીની એક ખાસીયત છે કે, તે જમીનમાં જવા માટે જમીનને વિંધતી નથી તેને દબાવી-દબાવીને કાણા પાડે છે. જેનાથી ચોમાસામાં વરસતું વરસાદનું પાણી ૧૦ ફૂટ સુધી નીચે ઉતરી જાય છે અને આપો આપ જળ સંવર્ધન થતું રહે છે.
અશોકભાઈ સંઘવીના મતે ખેતી ખર્ચાળ નથી તેને જો પ્રાકૃતિક રીતે વિકસાવવામાં આવે તો એક પણ રૂપિયાનો ખર્ચ કર્યા વગર ખાતર કે જંતુનાશન દવાનો ઉપયોગ કર્યા વગર મબલખ આવકનું સાધન બની શકે.