કૃષિ પ્રધાન ભારતના અર્થતંત્રની કરોડરજ્જુ જેવા કૃષિકાર અને કૃષિને વધુ ઉત્પાદનલક્ષી બનાવવા માટે સરકારના સતત પ્રયત્નો ચાલી રહ્યાં છે. ખેડૂતોની આવક બમણી કરવા માટે ખેડ, ખેતર અને પાણીની સવલત વધુ સુયોગ્ય બનાવવાના પ્રયત્નો વચ્ચે કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રાલય દ્વારા ખાતરનો ભાવ વધારો કરવાની અટકળો સાથે શરૂ થયેલા ઉહાપાના માહોલમાં ખાતરનો અસહ્ય ભાવ વધારો ખેડૂતો માટે પડ્યા પર પાટુ સમાન બનવાના મુદ્દે ખાતરનો ભાવ વધારો મોકુફ રાખવામાં આવતા ખેડૂતોને મોટી રાહત થવા પામી છે. ખાતરના ભાવ વધારા અને તેની ઉપલબ્ધી અંગે દેશમાં ઉભી થયેલી સ્થિતિને લઈને ભારત સરકાર દ્વારા ઉચ્ચ કક્ષાની મીટીંગ બોલાવવામાં આવી હતી. ખેડૂતોના હિતોને પ્રાધાન્ય આપી કેન્દ્ર સરકારે ખાતર ઉત્પાદન કંપનીઓને ખાતરના ભાવમાં કોઈ વધારો નહીં કરવાનો આદેશ જારી કર્યો છેે. ઈફકો દ્વારા બિન યુરીયા ખાતરના ભાવ વધારાને લઈને ઉભા થયેલા ઉહાપાના પગલે ઈફકોએ જૂના ભાવથી ખાતર વેંચવાનો નિર્ણય જાહેર કર્યો હતો. ડાયએમોનીયા ફોસ્ફેડ, બીએપી, નાઈટ્રોજન ફોસ્ફેડ, પોટેશીયમ, એનપીકે આધારીત ખેડૂત ઉપયોગી ખાતરમાં કોઈપણ પ્રકારનો વધારો નહીં થાય.
બીએપી ખાતરમાં રૂા.700, એએસપી ખાતરમાં 375, એનપીકે ખાતરમાં 615, એનપીકે 133226માં રૂા.600નો વધારો કર્યાના મુદ્દે લાઠી, બાબરા ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે એક યાદીમાં ખાતરના ભાવ વધારા સામે વિરોધ નોંધાવી જણાવ્યું હતું કે, ખેડૂતો માટે આ ભાવ વધારો અસહ્ય છે. 2000 રૂપિયા ખાતામાં નાખીને પાછલા બારણેથી ખેડૂતોના ખિસ્સામાંથી પૈસા સેરવી રહ્યાં હોવાનો વિરજીભાઈ ઠુંમરે આક્ષેપ કર્યો હતો.બીજી તરફ ખાતરના ભાવ વધારાને લઈને ઉહાપો થતાં દેશમાં અનેક મુદ્દાઓને લઈ ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે ત્યારે ઈફકોએ ભાવ વધારાની તજવીજ હાથ ધરી હોવાના સમાચારને લઈને ઉહાપો થતાં સરકારે કોઈપણ સંજોગોમાં ભાવ વધારો ન કરવા આદેશો જારી કર્યા છે. ઈફકો પાસે 11.26 લાખ ટન ડીએપી, એનપીકેનો જથ્થો ખેડૂતોને જૂના ભાવથી જ આપવામાં આવશે. ઈફકોએ ડીએપીની પ્રતિ બોરી રૂા.700નો વધારો કર્યો છે તે ઉપરાંત એનપીકેની કિંમતમાં પણ વધારો કરાયાનું બહાર આવ્યું હતું. જો કે, ખેડૂતોને ડીએપી સહિતના ખાતર સરકારનો આદેશ ન આવે ત્યાં સુધી જૂના ભાવે જ આપવામાં આવશે તેવી જાહેરાત કરતા ખેડૂતોને હાલ પુરતો રાહતનો ડોઝ મળ્યો છે.
ખાતરનો ભાવ વધારો ખેડૂતો માટે પડ્યા પર પાટુ જેવો: વિરજીભાઈ ઠુંમર
ખાતરનો અસહ્ય ભાવ વધારો ખેડૂતોના પડ્યા પર પાટુ જેવો છે તેમ જણાવી લાઠીના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે કહ્યું હતું કે, કૃષિ મંત્રી એક મહિના પહેલા જણાવ્યું હતું કે, કોંગ્રેસ ખેડૂતોને ગુમરાહ કરી રહી છે. ખાતરમાં કોઈ ભાવ વધારો થવાનો નથી ત્યારે આ ભાવ વધારો થઈ રહ્યો છે ત્યારે કૃષિ મંત્રી ક્યાં છે તેવો પ્રશ્ર્ન ઉઠાવ્યો હતો.