ગુજરાત સંગીત-નાટય અકાદમી પ્રેરિત, મુરલીધર આયુર્વેદ અને નર્સિંગ કોલેજના ઉપક્રમે લોકસાહિત્ય કાર્યક્રમ યોજાયો: પુલવામા શહીદોને શ્રદ્ધાંજલી: બહોળી સંખ્યામાં વિદ્યાર્થીનીઓએ માણ્યો સંગીત કાર્યક્રમ
ગુજરાત સંગીત-નાટક અકાદમી પ્રેરિત અને મુરલીધર આયુર્વેદ અને નર્સિંગ કોલેજના ઉપક્રમે તાજેતરમાં ત્રંબા નજીક આવેલા સંસ્થાના વિશાળ કેમ્પસમાં લોકસાહિત્ય-સંગીતનો કાર્યક્રમ ધરતીની મહેક યોજાયો હતો. લોકસંસ્કૃતિના લેખક, સંશોધક, કલામર્મજ્ઞ જયમલ્લ પરમારની સ્મૃતિમાં ધરતીની મહેકનો આ બીજો મણકો યોજાયો હતો. બહોળી સંખ્યામાં ઉપસ્થિત કોલેજની વિદ્યાર્થીનીઓ અને સ્ટાફે ત્રણ કલાક સુધી કાર્યક્રમને મનભેર માણ્યો હતો.
કાર્યક્રમના પ્રારંભે દીપપ્રાગટય બાદ પ્રાસંગિક વકતવ્યમાં ભાજપના પ્રવકતા અને ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના પૂર્વ વાઈસ ચેરમેન રાજુભાઈ ધ્રુવે ગુજરાતની લોક સાંસ્કૃતિક વિરાસતનું જતન કરવા યુવા પેઢીને અનુરોધ કર્યો હતો. રાજુભાઈએ જણાવ્યું કે, ગુજરાતની લોક સંસ્કૃતિના વારસાને ઉજાગર કરવામાં ઝવેરચંદ મેઘાણી પછી જયમલ્લભાઈ પરમારનું અનન્ય યોગદાન રહ્યું છે. દેશના સ્વતંત્રતા સંગ્રામમાં પણ તેમણે અગ્ર ભાગ ભજવ્યો હતો. ધરતીની મહેક કાર્યક્રમના સંયોજક, પત્રકાર-લેખક રાજુલ દવેના પ્રયાસોને તેમણે બિરદાવ્યા હતા. રાજુભાઈ ધ્રુવે કોલેજની વિદ્યાર્થીનીઓને પ્રજાજીવનનું ઘડતર કરવા લોકસાહિત્યનો પ્રચાર-પ્રસાર કરવા તેમજ જીવનમાં માતૃભૂમિ અને માતૃભાષા સાથે દેશદાઝની ભાવના કેળવીને દેશ તથા સમાજને ઉપયોગી થવા અનુરોધ કર્યો હતો.
ગુજરાત સંગીત-નાટક અકાદમીની પ્રેરણા અને આર્થિક સહાય તેમજ મુરલીધર એજયુકેશન ટ્રસ્ટના સૌજન્યથી આયોજીત કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે કોલેજના મેનેજીંગ ટ્રસ્ટી ભાર્ગવ રાઠોડ હાજર રહ્યા હતા. આરંભે પુલવામા હુમલામાં શહીદ થયેલા વીર સૈનિકોની શહાદત માટે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. કાર્યક્રમના સુત્રધાર સંચાલક રાજુલ દવેએ ગુજરાતની લોક સંસ્કૃતિ, લોકવિધા અને જયમલ્લ પરમારનો પરિચય આપી કાર્યક્રમ દરમિયાન તેમના જીવન-કવન તેમજ ગુજરાતના લોકસાહિત્ય-લોકસંગીત વિશે શ્રોતાગણને સતત અવગત કરાવતા રહ્યા હતા. જાણીતા લોકગાયક નિલેશ પંડયા અને મીતલબેન પટેલે વા વાયાને વાદળ ઉમટયા, ચાંદો ઉગ્યો ચોકમાં, હાલા રે તારા હાથ વખાણું, દાદા હો દીકરી વાગડમાં ન દેનો, સોનલા વાટકડીને રૂપા કાંગસડી, મન મોર બની થનગાટ કરે જેવા અનેક લોકગીતો પ્રસ્તુત કર્યા હતા. નિલેશભાઈએ રજુ કરેલા મણિયારા અને અન્ય લોકગીતો ઉપર કોલેજની વિદ્યાર્થીનીઓ અને સ્ટાફે રાસ-ગરબા લઈ ઉલ્લાસભર્યો માહોલ રચાયો હતો.
કોલેજના વિદ્યાર્થી કુશ જોશીએ પણ પોતાની કલા રજુ કરી હતી. સાજીંદાઓમાં મગનવાળા (વાયોલીન), હરેશ વ્યાસ (તબલા), હેમાંગ ધામેચા (ઓકટોપેડ), શરદ વાઘેલા (ઢોલ) અને ધી‚ભાઈ (મંજીરા)એ સંગત કરી વાતાવરણને સુરીલું બનાવી દીધું હતું. કાર્યક્રમને અંતે ગુજરાત સંગીત નાટક અકાદમીના ચેરમેન પંકજ ભટ્ટ અને સભ્ય સચિવ જે.એમ.ભટ્ટનાં ઋણ સ્વિકાર કર્યો હતો.