સદ્નશીબે મોટી દુર્ઘટના ટળી: મહિલા કર્મીને માત્ર હાથમાં સામાન્ય ઈજા
રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરીમાં ત્રીજા માળે રૂમ નં.૬માં બેસતાં આઈસીડીએસ વિભાગમાં બે દિવસ પૂર્વે ચાલુ પંખો અચાનક ધરાશાયી થતાં મહિલા કર્મચારીને હાથમાં ઈજા થવા પામી હતી. જોકે સદનસીબે મોટી દુર્ઘટના ન સર્જાતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરીમાં ત્રીજા માળે મ નં.૬માં આઈસીડીએસ એટલે કે આંગણવાડી વિભાગ કાર્યરત છે. અહીં મંગળવારે બપોરે અચાનક ચાલુ પંખો નીચે ખાબકતા કર્મચારીઓમાં દોડધામ મચી જવા પામી હતી. કલાર્ક કમ ટાઈપીસ્ટ તૃપ્તીબેન જે.વ્યાસ નામનાં કર્મચારીને હાથમાં સામાન્ય ઈજા થવા પામી હતી. જયારે પંખો પાઈપમાંથી નીચે ખાબકયો ત્યારે નીચે કોઈ ઉભું ન હોવાનાં કારણે મોટી દુર્ઘટના સર્જાય ન હતી. જોકે પંખો પડવાની ઘટના ઘણી ગંભીર છે. મહાપાલિકાની કચેરીનું પાંચ વર્ષ પૂર્વે જ રીનોવેશન કરવામાં આવ્યું હોય જે રીતે પોપડા અને પંખા પડી રહ્યા છે તે જોતાં એવું લાગી રહ્યું છે કે કામ અત્યંત નબળું છે.