‘ખોટાદાવા’ કરતી જાહેરાત કરવા બદલ થશે પાંચ વર્ષની જેલને ૫૦ લાખનો દંડ
દેશમાં સ્ત્રીનું વંધ્યત્વ, જાતીય શકિત વધારતી અને ગોરી ચામડીના દાવાની જાહેરાત કરનારાને હવે પાંચ વર્ષની જેલ અને ૫૦ લાખનો દંડ થઈ શકે છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે દવા અને ઉપચાર કાયદામાં સંશોધન માટે તૈયારી શ કરી છે અને આવી પોકળ દાવા કરતી જાહેરખબર બદલ કડક સજાની જોગવાઈ કરી છે.
આ કાયદામાં સુધારામાં કેટલાક રોગ, વિકલાંગતા અને સ્થિતિઓનો પણ સમાવેશ કરાયો છે. નવા કાયદા મુજબ આવી ૭૮ પ્રકારના રોગ બિમારી કે સ્થિતિની જાહેરાત કરી નહી શકાય.
કાયદામાં સુધારા મુજબ હવે જાતીયશકિત વધારવી, જાતીય અસક્ષમતા, અપરિપકવ સ્ખલન, શુક્રાણુઓની અછત, નામર્દાઈ, ગોરી ચામડી, એઈડસ, યાદશકિત વધારો, બાળકો પુખ્તોની ઉચાઈ વધારો, જાતીય અંગેની સાઈઝ વધારો વાળ ધોળા થતા અટકાવો, સ્ત્રી વંધ્યત્વ, હિસ્ટીરીયા, મેદસ્વીતા યાદશકિત વધારો વગેરેના દાવા કોઈપણ જાહેરાતમાં કરી નહી શકાય.
આ કાયદા અનુસાર તેનો ભંગ કરવાના પ્રથમ ગુના બદલ બે વર્ષની કેદ કે ૧૦ લાખનો દંડ કે બંને થઈ શકે છે અને બીજી વખત કે તેથી વધુ આવું કરવા બદલ પાંચ વર્ષ સુધીની સજા ૫૦ લાખનો દંડ કે બંને થઈ શકે છે. બદાતા સમય અને ટેકનોલોજી સાથે કાયદામાં આવો સુધારો કરવામાં આવી રહ્યો છે. કાયદામાં સુધારા માટે લોકો, નિષ્ણાંતોના સુચનો આવકાર્યા છે. અને તે ૪૫ દિવસ સુધીમાં આપી શકશે.
હવે આ અંગેની જાહેરાતની વ્યાખ્યામાં પણ સુધારો કરવામાં આવ્યો છે.
શ્રાવ્ય, દ્રશ્ય લાઈટ, અવાજ, ગેસ, પ્રિન્ટ , ઈલે. મીડીયા ઈન્ટરનેટ કે વેબસાઈટ વગેરેને પણ તેની વ્યાખ્યામાં આવરી લેવાયા છે. બેનર, પોસ્ટર, નોટિસ, સરકયુલર, લેબલ, રેપર, ઈન્વોઈસ વગેરેને આવરી લેવાયા છે.