યત્ર નાર્યસ્તુ પૂજયન્તે રમન્તે તત્ર દેવતા
સમાજમાં સ્ત્રી અને પુરુષ બંનેને સમાન દરજજો મળવો જોઈએ. મહિલાઓને સ્વતંત્ર બનાવવાની પ્રથા અને તે પોતાના નિર્ણયો જાતે લઇ શકે તેના માટે પારિવારિક કે સામાજિક બંધન છોડીને તે પૂરા મનથી જવાબદારી સ્વીકારે અને પોતાનો વ્યક્તિગત વિકાસ કરે તે અતિ આવશ્યક છે. તેના માટે સ્ત્રીને પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવાની સ્વતંત્રતા હોવી જોઈએ.
કોઈપણ પરિવાર સમાજ કે રાષ્ટ્ર ત્યાં સુધી પ્રગતિ નહીં કરી શકે જ્યાં સુધી સ્ત્રી પ્રત્યે ભેદભાવ કે તિરસ્કારનો ત્યાગ નહીં થાય. સ્ત્રી ને માન અને આદર ભાવ આપવો ખૂબ જરૂરી છે. મહાત્મા ગાંધીએ કહ્યું છે કે સ્ત્રી, એ પુરુષની ગુલામ નહીં પરંતુ અર્ધાંગિની, સહધર્મીણી કે મિત્ર છે. સ્ત્રી માતા છે, પત્ની છે, ભાભી છે, ભગીની છે. આમ સ્ત્રી ના રૂપ અનેક છે, અંતે તે એક સ્ત્રી છે. સ્ત્રીનું જીવન સ્નેહ, સહનશીલતા, ત્યાગ અને બલિદાન થી ભરેલું છે. સંત શ્રી કબીરે કહ્યું છે કે, નારી ગાઈ ને, રડી ને,હસી ને કે રમી ને બધાના દુ:ખ હરી લે છે પરંતુ, નારી નું દુ:ખ કે આઘાત ફક્ત સંત કે જ્ઞાની જ જાણી શકે છે.
સ્ત્રી એ પરિવાર ની કરોડરજ્જુ ગણાય છે. સ્ત્રીને સર્જનની શક્તિ મનાય છે, એટલે કે સ્ત્રી થી જ માનવ જાતિનું અસ્તિત્વ સંભવ છે. પ્રાચીન યુગથી આપણા સમાજમાં નારીનું વિશેષ સ્થાન રહ્યું છે. પૌરાણિક ગ્રંથોમાં નારીને પૂજનીય માનવામાં આવી છે. “નારી તું નારાયણી” કહીને સ્ત્રીને દેવી તુલ્ય માનવામાં આવે છે. નારીના મહત્વ ને અંકિત કરતા કહેવાયું છે કે,
“યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે,
રમન્તે તત્ર દેવતા”.
એટલે કે જ્યાં નારીની પૂજા થાય છે ત્યાં દેવતાઓનો વાસ હોય છે. આમ પ્રાચીન ભારત નો સમય નારીઓની ગૌરવગાથા થી ભરેલો છે.
સમયાંતરે નારીઓની સ્થિતિ માં પરિવર્તન આવ્યું. બ્રિટિશ શાસનમાં ભારતીય નારીની સ્થિતિ દયનીય થઈ હતી. દિવસે ને દિવસે સ્ત્રીનું મહત્વ ઘટતું ગયું અને તેનું સ્થાન હિન થતું ગયું. સ્ત્રી “દેવી” માંથી “અબળા” બની ગઈ. આઝાદી પછી કાનૂની રીતે સ્ત્રીની સ્થિતિ સુધારવાનાં ઘણા પ્રયાસો કરવા છતાં સામાજિક સ્તર પર તેનો સુધારો થયો નહિ, તેનું કારણ છે”પુરુષ પ્રધાન માનસિકતા”.
જે સમાજ કે પરિવારમાં નારીને સન્માન આપવામાં આવતું હોય તે સમાજ કે પરિવાર પ્રગતિશીલ અને વિકસિત હોય છે. કારણ કે સમાજ કે પરિવારના નિર્માણમાં નારીનું સ્થાન સદાય મહત્વપૂર્ણ હોય છે. માતાના રુપમાં સ્ત્રી એ બાળકની પ્રથમ ગુરુ છે, એટલે જ તો કહેવાય છે કે એક માતા 100 શિક્ષકોની ગરજ સારે છે તેથી સ્ત્રીનું સન્માન દરેક પરિસ્થિતિમાં થવું જ જોઈએ. સ્ત્રી પોતાના જીવનના દરેક નિર્ણય જાતે કરે અને પરિવાર તેમજ સમાજમાં માનભેર જીવન જીવી શકે.સમાજમાં તેના હક્ક અને અધિકાર પ્રાપ્ત કરવા માટે સ્ત્રીને સક્ષમ બનાવવી એટલે સ્ત્રી સશક્તિકરણ.
ભારત સરકાર દ્વારા સ્ત્રી સશક્તિકરણ માટે ઘણી બધી યોજનાઓ ચાલુ કરવામાં આવી છે, જેવી કે સુક્ધયા સમૃદ્ધિ યોજના, જનની સુરક્ષા યોજના, અબલા, લાડલી, બેટી પઢાવો બેટી બચાવો, તેજસ્વીની વગેરે… સ્ત્રીઓને સંવિધાનમાં પણ ઘણા અધિકાર આપવામાં આવ્યા છે. સરકાર દ્વારા સ્ત્રી સશક્તિકરણ નો પ્રયાસ ત્યારે જ સફળ થશે જ્યારે આપણા સમાજની પુરુષ પ્રધાન માનસિકતાનો સંપૂર્ણ નાશ થશે. આજે પણ બળાત્કાર, ગર્ભપાત, દહેજ જેવી સમસ્યા સ્ત્રી સશક્તિકરણને નિષ્ફળ કરી રહી છે.
સ્ત્રી સશક્તિકરણ નું સૌથી મોટું હથિયાર “શિક્ષણ” છે. સ્ત્રી સશક્તિકરણની દિશામાં દેશમાં ઘણો સુધારો થયો છે, પરંતુ હજુ ઘણું બધુ કરવાનું બાકી છે. હજુ લક્ષ્ય બહુ દૂર છે. દેશના છેવાડાની સ્ત્રીને પણ શિક્ષિત કરી જાગૃતતા પ્રદાન કરીને તેમને આર્થીક, સામાજિક, રાજનીતિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ સન્માનજનક સ્થિતિ સુધી લાવવા પ્રયત્નો કરી શકાય તેવા વાતાવરણનું નિર્માણ કરવાનું છે. સ્ત્રીઓ ઘરના ઉંબરાથી અંતરીક્ષ સુધી પહોંચી શકે તે માટેની તકોનું નિર્માણ કરી તેમને સ્વાવલંબી બનાવવાની છે. અને તે માટે સ્ત્રીઓએ પણ જાગૃત થઈ પોતાની જાતને શક્તિશાળી બનાવવા કમર કસવી પડશે. સ્ત્રીએ પુરુષના ખભા સાથે ખભો મેળવી પરિવાર, સમાજ કે દેશ માં પોતાનાં અધિકાર અને સન્માન માટે ઝઝૂમવું પડશે. સ્ત્રીના સ્વતંત્ર નિર્ણય અને માન સન્માન થી જ સાચા અર્થમાં સ્ત્રી સશક્તિકરણ થયું કહેવાશે.
અપમાન મત કર નારી કા, ઇસ કે બલ પર જગ ચલતા હૈ, પુરુષ જન્મ લેકર નારી કી, ગૌદમેં હી પલતા હૈ…..