બે દિવસમાં 21 કલાક સુધી પૂછપરછ કરાઈ : કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન યથાવત : દિલ્હીમાં કોંગ્રેસ હેડક્વાર્ટર વિસ્તારમાં કલમ 144 લાગુ

નેશનલ હેરાલ્ડ કેસ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની આજે પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની એક ટીમ સતત ત્રીજા દિવસે રાહુલ સમક્ષ સવાલોનો મારો ચલાવી રહી છે. અત્યાર સુધીમાં સોમવાર અને મંગળવાર સહિત, રાહુલ લગભગ 21 કલાક સુધી ઇડી અધિકારીઓની સામે રહ્યા હતા. બીજી તરફ આના વિરોધમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન પણ ચાલુ છે.  પોલીસ દરરોજ અનેક નેતાઓને કસ્ટડીમાં લઈ રહી છે.  પોલીસે કોંગ્રેસ હેડક્વાર્ટરની બાજુના વિસ્તારમાં પણ કલમ-144 લાગુ કરી દીધી છે.

નેશનલ હેરાલ્ડ અખબાર સાથે સંબંધિત મની લોન્ડરિંગ તપાસમાં, મંગળવારે બીજા દિવસે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની 10 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી.  સૂત્રોના જણાવ્યા અનુસાર, નેશનલ હેરાલ્ડ અખબાર સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને આજે ફરીથી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સમક્ષ હાજર થયા છે. ગઇકાલે બપોરે 3.30 વાગ્યા સુધી લગભગ ચાર કલાક સુધી ઇડી ઓફિસમાં તેમની પૂછપરછ કરવામાં આવી હતી.  આ પછી તેઓ ઇડીની ઓફિસમાંથી નીકળી ગયા હતા.  લગભગ એક કલાક પછી, તે વધુ પૂછપરછ માટે ફરીથી ઇડી ઓફિસ પહોંચ્યા હતા.  પૂછપરછનો આ ચોથો તબક્કો લગભગ છ કલાક સુધી ચાલ્યો હતો.  આ પહેલા સોમવારે પણ તેની 10 કલાકથી વધુ પૂછપરછ કરવામાં આવી હતી.

આ પહેલા ઇડીના સમન્સનો વિરોધ કરી રહેલા કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સિંહ સુરજેવાલા, ઉત્તરાખંડના પૂર્વ સીએમ હરીશ રાવત સહિત 100થી વધુ નેતાઓને પોલીસે કોંગ્રેસ કાર્યાલયની બહાર રોકી લીધા હતા.  આ તમામ રાહુલ ગાંધી સાથે ઇડી ઓફિસ તરફ કૂચ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

પોલીસે કોંગ્રેસ કાર્યાલય અને ઇડી હેડક્વાર્ટરની આસપાસ કલમ 144 લાગુ કરી દીધી છે અને વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા કરી છે.  પોલીસ અને પેરા મિલિટ્રીના જવાનોને ત્યાં તૈનાત કરવામાં આવ્યા છે.  બીજી તરફ કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સિંહ સુરજેવાલાએ ભાજપ સરકાર પર પ્રહાર કરતા ભાજપના નેતાઓના નામ પૂછતા કહ્યું કે, ઇડી હિમંતા વિશ્વ સરમા કે યેદિયુરપ્પાને કેમ બોલાવતું નથી?

સુરજેવાલાએ કહ્યું કે રાહુલ ગાંધી સામે ઇડીની તપાસ એ તેમનો અવાજ દબાવવાનો પ્રયાસ છે કારણ કે તેમણે હંમેશા આપણા પ્રદેશ પર ચીનનો કબજો, મોંઘવારી, ઈંધણના ભાવમાં વધારો, બેરોજગારી, ધાર્મિક વેર જેવા મુદ્દાઓ પર મોદી સરકારને સવાલ કર્યા છે. સુરજેવાલાએ કહ્યું કે ભાજપ મીડિયા અને વોટ્સએપ યુનિવર્સિટીનો ઉપયોગ કરી રહી છે.  તેમણે આરોપ લગાવ્યો કે વડાપ્રધાન મોદી ઉદ્યોગપતિઓના એજન્ટ તરીકે કામ કરી રહ્યા છે અને તેમને વિદેશમાં કોન્ટ્રાક્ટ અપાવી રહ્યા છે.  તેમણે કહ્યું કે, રાહુલ ગાંધી, તમે લોકોનો અવાજ ઉઠાવો એટલા માટે ભાજપે હુમલો કર્યો તે ઘટનાક્રમને સમજો.  રાહુલ તેમની આંખોમાં જોઈને તેમની સરકારને સવાલ કરે છે.  કોંગ્રેસ પ્રવક્તાએ કહ્યું કે આ હુમલો માત્ર રાહુલ અને કોંગ્રેસ પર જ નહીં પરંતુ બેરોજગાર અને ગરીબો પર છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.