76 કોલેજોએ ફી વધારો જ માગ્યો નથી: 110 કોલેજોએ 5 ટકાથી વધું વધારો માંગ્યો હોવાથી આ મામલે હજુ નિર્ણય લેવામાં આવ્યો નથી
ગુજરાતની ઈજનેરી, ફાર્મસી સહિતની કોલેજની વર્ષ 2023-24થી 2025-26ની ફી એફઆરસી દ્વારા જાહેર કરવામાં આવી છે. ગુજરાતની 500 ટેકનિકલ કોલેજોની 3 વર્ષની ફી જાહેર કરવામાં આવી છે. આ 640 કોલેજોમાંથી 500 કોલેજોને 5 ટકા સુધીનો ફી વધારો માંગ્યો હોવાથી તેમને ટેકનિકલ કોલેજોની ફી નિયમન સમિતિએ એફિડેવિટના આધારે મંજૂરી આપી છે. આ ઉપરાંત 76 કોલેજોએ ફી વધારો જ માગ્યો નથી.
ટેકનિકલ કોલેજોની ફી નિયમન સમિત જાહેર કરેલી વિગતો અનુસાર કોરોના મહામારીના સમયગાળા દરમિયાન એટલે કે વર્ષ 2020થી 2023 દરમિયાન તમામ ટેકનિકલ કોલેજોએ ફીમાં વધારો કર્યો નહોતો, એટલે કે ફી યથાવત રાખી હતી. આ બ્લોક (2020-21, 2021-22 અને 2022-23)ની ફી જાહેર કરાઈ નહોતી. જેથી હવે એન્જિનિયરિંગ, ફાર્મસી સહિતના વિવિધ અભ્યાસ ચલાવતી 640 કોલેજોની 2025-26 સુધીનું ફી માળખું નક્કી કરવા માટે ગત માર્ચ મહિનામાં દરખાસ્ત માંગવામાં આવી હતી.
કોલેજોની મૂળ ફીમાં 5 ટકાનો નેશનલ વધારો જે ગત બ્લોકમાં મળવાપાત્ર હતો, તેને ધ્યાને લઈને સમિતિએ આગામી ત્રણ વર્ષના બ્લોકની ફી નક્કી કરવાનો નિર્ણય લીધો હતો. 500 કોલેજોએ 5 ટકાનો વધારો માંગતા તેમની મંજૂરી અપાઈ છે. જ્યારે 76 કોલેજોએ કોઈ વધારો માંગ્યો નથી. તો 110 કોલેજોએ 5 ટકાથી વધું વધારો માંગ્યો હોવાથી આ મામલે હજુ નિર્ણય લેવામાં આવ્યો નથી.
110 કોલેજોએ માંગ્યો 5 ટકાથી વધું ફી વધારો
110 કોલેજોએ 5 ટકા કરતા વધારે ફી વધારો માંગ્યો હોવાથી ટેકનિકલ કોલેજોની ફી નિયમન સમિતિ દ્વારા આ કોલેજો પાસે ત્રણ વર્ષના નાણાકીય હિસાબો માગવામાં આવ્યા છે. જેની ચકાસણી કર્યા બાદ સમિતિ દ્વારા ફી જાહેર કરાશે.