20 વર્ષથી અજેય રહેલ ફેડરરનો અંત?
શું ફેડરર હવે વિમ્બલ્ડનમાંથી વિદાય લેશે?: અનેક અટકળો વચ્ચે સતાવાર જાહેરાતની જોવાતી રાહ
રોજર ફેડરર વિમ્બલ્ડન 2021 ચેમ્પિયનશીપમાંથી બહાર થઈ ગયો છે. ક્વાર્ટર ફાઇનલમાં પોલેન્ડના ખેલાડી હુબર્ટ હરકાઝે 6-3,7-6,6-0થી ફેડરરને મ્હાત આપીને ચેમ્પિયનશીપમાંથી બહાર ધકેલયો છે. છેલ્લા 19 વર્ષમાં ફેડરરની વિમ્બલ્ડન સેટોમાં પ્રથમ વાર હાર થઈ છે. વર્ષ 2002માં છેલ્લી વાર ફેડરરને હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે મહત્વપૂર્ણ બાબત એ છે કે, ફેડરરે પ્રથમવાર 6-0થી કોઈ સેટમાં હારનો સામનો કર્યો છે.
14મી રેન્કનો હુબર્ટ પ્રથમવાર સેમીફાઈનલમાં પહોંચ્યો છે. ફેડરરે કુલ 8 વાર વિમ્બલ્ડન અને 20 વાર ગ્રાન્ડસ્લેમ ખિતાબ જીત્યો છે. ફેડરરને હરાવનાર હરકાઝ ઉમરમા ફેડરરથી 15 વર્ષ નાનો છે. સ્વિટ્ઝર્લેન્ડના રોજર ફેડરરની વિમ્બલ્ડનમાં આ 14મી હાર છે. તેણે વિમ્બલડનમાં કુલ 119 મેચ રમ્યા છે જેમાંથી 105 જીત્યો છે. આવતા મહિને ફેડરરની ઉંમર 40 વર્ષ થવા જઈ રહી છે ત્યારે આ ટુર્નામેન્ટ ફેડરર ક્યારેય તેની સંપૂર્ણ ક્ષમતા સાથે રમી રહ્યો તેવું લાગ્યું નથી. તેના પ્રદર્શનને ધ્યાને રાખીને એવો સવાલ ઉદ્ભવયો છે કે શું હવે ફેડરરનો અંત નજીક છે?હરકાઝ આ પૂર્વે ક્યારેય ગ્રાન્ડસ્લેમના ત્રીજા રાઉન્ડથી આગળ જઈ શક્યો નથી. મહત્વપૂર્ણ બાબત તો એ છે કે, હરકાઝ રોજર ફેડરરને પોતાનો આદર્શ માને છે.
જીત બાદ હરકાઝે કહ્યું, રોજર સામે રમવું સુપર સ્પેશિયલ અનુભવ હતું, એક સ્વપ્ન પૂર્ણ થયું. હરકાઝ વિમ્બલ્ડન સેમિફાઇનલમાં પહોંચનાર પોલેન્ડના બીજા પુરુષ ખેલાડી છે. આ પૂર્વે વર્ષ 2013 જેર્જી જાનોવિચ અહીં સુધી પહોંચી શક્યો હતો. એવું મનાઈ રહ્યું છે કે, વિમ્બલડનમાં ફેડરરનો આ છેલ્લો મેચ હતો. તેણે વર્ષ 2020 માં બે વાર ગોઠણની સર્જરી કરાવી હતી સાથોસાથ તેની ઉંમર પણ હવે તેને ક્યાંક નડી રહી હોય તેવું લાગી રહ્યું છે.