જયદેવે ઉનાવા આવી બન્ને કોમના તોફાને ચડેલા ટોળાઓને વિખેર્યા ત્યાં મક્તુપુર ગામે મહોલ્લાને આગ લગાડતા માણસો ફસાયાનો મેસેજ મળતા મક્તુપુર ગામે જોયુ તો વિશાળ ટોળાઓએ ગામમાં પ્રવેશ કરવાના રસ્તાઓ આડસો નાખી બંધ કર્યા હતા !
ઉંઝાથી દોડી આવીને ઉનાવાનો ઉગ્ર અને ધગતો મામલો હજુ માંડ ઠંડો પડયો ત્યાં કલાક ૨૨/૫૮ વાગ્યે ઉંઝાથી વાયર લેસ દ્વારા જયદેવને વર્ધી મળી કે મકતપુર ગામે નજીકના ટુંડાવ ગામેથી વાહનો ટ્રેકટરો ભરી ને હથીયારો લઈ ને માણસો આવેલા છે અને મકતુપુર ના લઘુમતી મહોલ્લામાં તોફાન કરે છે. આ વર્ધી મળતા જ જયદેવે ઉનાવા ખાતે જ રહેલા બંદોબસ્ત ઈન્ચાર્જ પેન્થર સર સાથે આ મકતપુર બાબતે ચર્ચા કરતા પેન્થરસરે કહ્યું અમો અહિં ઉનાવા મામલો જાળવીએ છીએ તમો મકતુપુર પહોચી ને ત્યાંનું સંભાળો.
મકતુપુર ગામ ઉંઝાથી સિધ્ધપૂર જતા નેશનલ હાઈવે ઉપર રોડની પશ્ર્ચિમે જ ત્રણેક કીલોમીટર અંતરે આવેલું હતુ એટલે ઉનાવાથી દસેક કી.મી.જ દૂર હતુ મકતુપુર ગામે લઘુમતીઓનો એક અલગ જ બંધ શેરી જેવો મહોલ્લો ગામની વચ્ચે જ હતો. લઘુમતીઓના તમામ મકાનો પાકા અને બે ત્રણ માળના વ્યવસ્થિત હતા. મહોલ્લો પૂરો થતા તેની પાછળ પશ્ર્ચીમે મસ્જીદ આવેલી હતી, અને મસ્જીદ પછી કાચો રસ્તો અને રસ્તા પછી ગામનું તળાવ આવેલ હતુ. એટલેકે મસ્જીદની નજીક જ તળાવની પાળ આવેલી હતી આ મહોલ્લામાં જવા માટે પ્રથમ હાઈવે પાસે બનાવેલા ગામના પ્રવેશ દ્વારથી પાંચસો એક મીટર રસ્તે જતા પછી ગામનું પાદર આવે અને ગામમાં દાખલ થતા જ લઘુમતી મહોલ્લો પણ શરૂ થતો હતો. પરંતુ મહોલ્લાની ઉતરે અને દક્ષિણે બહુમતી વસ્તીના રહેણાંક મકાનો હતા.
આ મકતુપુરના લઘુમતી વસ્તીના લોકો સારી રીતે ભણેલા ગણેલા હોય વધુ પડતા નોકરીયાત વર્ગ હતો. મોટાભાગનાં પુરૂષો વિવિધ ડેપો, એસ.ટી.માં નોકરી કરતા હતા તેમાં એક નિવૃત નાયબ મામલતદાર અને બે ત્રણ વકીલો પણ અહિં રહેતા હતા અમુકને ખેતીની જમીન અને હાઈવે ઉપર હોટલો પણ હતી ગામમાં બંને કોમ વચ્ચે ખાસ કોઈ વૈમનસ્ય હતુ નહિ તેમ બંને વચ્ચે કોઈ ખાસ સંબંધો પણ હતા નહિ પરંતુ પાછળથી જાણવા મળેલુ કે મસ્જીદમાં એક પરપ્રાંતી બંગાળી કે બીહારી મૌલવી આવેલ તે બાબતની કાંઈક બબાલ હતી મસ્જીદની આજુબાજુના ઘરો ઉપર મસ્જીદમાંથી પથ્થરો ફેંકાતા હતા અને તેની કાંઈક બબાલ થયેલી. આથી બહુમતી વસ્તીને એ બાબતનો અસંતોષ હતો કે લઘુમતી કોમના સ્થાનિક લોકો આ પરપ્રાંતીય મૌલવીનો પક્ષ લેતા હતા. તેથી બંને કોમ વચ્ચે ખાસ કોઈ વ્યવહાર હતો નહિ.
જયદેવે ફરી એજ રીતે ઉનાવાથી રવાના થઈ જીપ ઉપરની લાલ ફલેશ લાઈટ ચાલુ કરી પૂર ઝડપે મકતુપુર આવ્યો અને ગામ આવતા જ જીપની સાયરન ચાલુ કરી દીધી. જીપ મકતુપુર ગામના પ્રવેશ દ્વારમાંથી દાખલ થતા જ જોયું તો ગામના પાદરમાં ચારે તરફ આડેધડ જુદા જુદા પ્રકારનાં વાહનો ઉભા હતા અને સશસ્ત્ર માણસોના અનેક ટોળાઓહાથમાં ધોકા, કુહાડીઓ ધારીયા, ભાલા લઈને ફરતા હતા તે જીપની લાઈટમાં દેખાયું. આ ટોળાઓમાં કોઈ મકતુપુરનું જાણીતું માણસ દેખાયું નહિ તમામ લોકો આજુબાજુનાં ગામડાઓમાંથી આવેલા હોય તેમ જણાતું હતુ ગામની ઈલેકટ્રીક સપ્લાય પણ બંધ થઈ ગયો હોય તેમ અંધારપટ છવાયેલો હતો. પણ જીપની લાઈટમાં ટોળાના હાથમાના હથીયારો ચળકતા હતા જીપ ધીરેધીરે આગળ લઈ જતા રસ્તા ઉપર આડશો નાખેલી હતી. તેમ છતાં જીપને આડી અવળી કરીને ટોળામાંથી રસ્તો કરતા કરતા ગામ તરફ જતા જોયું તો ગામ વચ્ચેના ભાગે લઘુમતી મહોલ્લાના મકાનો સળગી રહ્યા હતા, મકાનોના નિચેના માળે જ આગ લબકારા લેતી ઉંચે જઈ રહી હતી ટોળાના લોકો ચીચીયારીઓ રાડો પાડી દેકારો મચાવતા મારો કાપો કરતા હતા તો સામે લઘુમતી મહોલ્લાના સળગતા મકાનોની છત ઉપરથી પણ અવાજ આવતા હતા.
આ સળગતા મકાનો લઘુમતીઓનાં હતા પરંતુ લઘુમતી મહોલ્લાને અડીને જ આવેલ બહુમતી વસ્તીના મકાનો તરફ પણ આગ લબકારા લેતી ફેલાય રહી હતી આગને તો સળગવાનો મશાલો જોઈએ તેને કાંઈ લઘુમતી બહુમતીની પડી નહોય ! આગની ગરમીની ઝાળ બહુમતી વસ્તીના રહીશોને પણ લાગવા માંડતા તેઓ પણ ઘાઘા વાંઘા થઈ પોલીસને તાત્કાલીક મોકલવા ફોન ઉપર ફોન કરવા લાગ્યાહતા પણ તોફાને ચડેલા આ બીજા ગામના અને ટુંડાવના ટોળાઓને આની કાંઈ પડી નહતી કેમકે મનોવિજ્ઞાનના નિયમ મુજબ “ટોળાને તો કાંઈ બુધ્ધી હોય જ નહિ !
જયદેવ ગામ તરફ જીપ લઈને ટોળા વચ્ચે આગળ ધપતો હતો દરમ્યાન રસ્તામાં વચ્ચે એક મોટી આડશ આવી આથી ઉંઝાવન જીપ ઉભી રહેતા જ આ ટુંડાવ અને આજુબાજુનાં ગામોએથી આવેલા સશસ્ત્ર લોકો જીપની આજુબાજુ ફરીને જોવા લાગ્યા, કદાચ એવો કયાસ કાઢતા હોય કે પોલીસમાં કોણ કોણ છે અને કેટલા જથ્થામાંછે. દરમ્યાન એક નાલાયક ઈસમે આક્રમકતા ધારણ કરી રાડ પાડી કે એલા પોલીસ વાન ને જ સળગાવી દો. જયદેવ અને પોલીસ માટે હવે કપરો અને આખરી નિર્ણાયક તબકકો આવી ગયો હતો.
છતા જયદેવે માહોલ જોઈ પ્રસંગોપાત ધારણ કરવી પડતી ધીરજ રાખીને જીપના પ્રકાશમાં જોયું તો એક ઈસમ બોલી રહ્યો હતો કે આ ઉંઝા પોલીસને કારણે જ આપણા લોકોની ભાડાની ટેક્ષી જીપ અપહરણ કેસમાં કબ્જે થતા પાંચ મહિનાનું મોટી રકમનું ટેક્ષીભાડાનું ચૂકવણું કરવું પડયું હતુ !
આથી જયદવેને હવે પાકકી ખાત્રી થઈ ગઈ કે આ ટોળુ ટુંડાવ ગામનું જ હતુ કેમકે છ સાત મહિના પહેલા ટુંડાવ ગામે બે પક્ષો વચ્ચે અંદરો અંદર કે કુટુંબ કબીલામાં કોઈક બાબતે ઝઘડા અને વૈમનસ્યને અંતે પોલીસમાં અપહરણની ફરિયાદ એક પક્ષે સામાપક્ષ વિરૂધ્ધ પોલીસમાં આપેલ હતી મહેસાણા જીલ્લાની માનસીકતા મુજબ દરેક વ્યકિત ‘મે શાણા’ પ્રમાણે હોંશીયાર જ હોય અને ફરિયાદ દાખલ કરાવ્યા બાદ સાક્ષી પૂરાવો પણ પર્ફેકટ અને ટનાટન પોલીસમાં આપે જ ! આરોપીઓએ જે ભાડાની માર્શલ જીપ ભાડે કરીને અપહરણ કરી ગયેલા તે જીપના નંબર, ડ્રાયવરનું નામ પૂરાવા સાથે રજૂ કરેલા જોકે જયદેવે ટેક્ષીવાળાને સાક્ષી તરીકે લઈ જીપને તો ગુન્હામાં વપરાયેલા સાધન તરીકે કબ્જે કરેલી અને અદાલતમાંથી આ જીપ છોડાવતા છોડાવતા પાંચેક મહિના નીકળી ગયેલા, દરમ્યાન આ ટેક્ષી ડ્રાઈવરતો જીપનું રોજેરોજનું ભાડુ ગણીને ચડાવતો જતો હતો આથી આરોપી પક્ષને ગુન્હા અંગે જેલમાં જઈ જામીન ઉપર છૂટવા સુધીની પડેલી તકલીફ કરતા આ પાંચ મહિનાનું ભારે મોટુ લાકડા જેવું ભાડુ મોઘુ પડી ગયેલું આથી આ ટુંડાવની પાર્ટી પોલીસથી નારાજ હતી તેમના મંતવ્ય મુજબ જે તે સમયે પોલીસે ટેક્ષી કબ્જે કરવાની જરૂરત જ નહતી.
આથી એટલું નકકી થયું કે અહિ પણ પોલીસ ગુનેગારોના ટારગેટમાં જ હતી. આ ટોળા વિશાળ સંખ્યામાં તો હતા પણ તમામ અજાણ્યા પણ હતા ઉપરાંત દરેકની પાસે કાંઈકને કાંઈ શસ્ત્ર તો હતુ જ ! જે રીતે દેકારો કરતા હતા તે પરથી લાગ્યું કે આ લોકો પોલીસની જીપને કોઈ પણ સંજોગોમાં મકતુપુર ગામમાં દાખલ થવા દેવા માંગતા નહતા હજુ આ રકઝક ચાલતી હતી ત્યાંજ ટોળાએ રસ્તા ઉપર આગળ એક ટેલીફોનનો થાંભલો વાળીને આડો પાડી દીધો અને રસ્તો એ રીતે બંધ કર્યો કે હવે વાહન લઈ ગામમાં પ્રવેશ કરવો જ મુશ્કેલ થઈ ગયું.
જોકે સળગતો લઘુમતી મહોલ્લો જીપથી ખાસ કોઈ દૂર ન હતો. સો એક મીટર જ દૂર હતો પરંતુ જીપ ત્યાં સુધી જઈ શકે તેમ નહતી કે હવે મકતુપુર ગામમાંથી કોઈ વાહન નેશનલ હાઈવે ઉપર જઈ શકે તેમ નહતુ. આ વિપરીત અને અતિ કપરા સંજોગો જોતા જયદેવને થયું કે જીપ અને તેમાના ચાર જવાનોથી આ મામલો કંટ્રોલ થાય તેમ નથી વળી વિસનગરમાં બનાવો જે રીતે બન્યા હતા. તેનો ખ્યાલ જયદેવને આવી જ ગયો હતો.
તો પેલી બાજુ લઘુમતી મહોલ્લાના મકાનો જે રીતે સળગતા હતા. ભડકાઓની શિખાઓ જે રીતે આકાશને આંબવા મથી રહી હતી. તથા તે મકાનો અને તેની અગાસીઓમાંથી પણ જે રીતે તે લોકોનાં અવાજ આવતા હતા. તે ભયંકર અને કરૂણ હતા. જયદેવ માટે સમય ઘણો જ ઓછો પણ નિર્ણાયક હતો. તેણે જોયું કે આ ટુંડાવના તોફાની ટોળા હવે લઘુમતી મહોલ્લા તરફ નજીક જતા નથી. પરંતુ વિશાળ સંખ્યામાં હોય આ આખા વિસ્તારને ઘેરી લીધો હતો. જેથી કોઈ વ્યકિત લઘુમતી મહોલામાંથી છટકી શકે નહિ.
પરંતુ પાછળથી ખાનગી રાહે જાણવા મળેલું કે આ તોફાની ટોળુ ટુંડાવથી મકતૂપુર આવી શરૂ આતમાં લઘુમતી મહોલ્લા ઉપર હુમલો કરેલો ત્યારે આ ટોળા ઉપર લઘુમતી મહોલ્લામાંથી કોઈએ સ્વરક્ષણ અર્થે ફાયર આર્મ્સથી ફાયરીંગ કરી ભડાકા કરેલાને કોઈકને ઈજા પણ થયેલીઅને આ ઈજા પામનારે પોલીસ કેસમાં સંડોવણી ના થાય તેથી તેણે કોઈ ખાનગી દવાખાનામાં ચોરી છુપીથી લાંબો સમય સારવાર પણ કરાવેલી પરંતુ આ બાબતે બંને કોમમાંથી કોઈએ કાંઈ જાહેરાત જ છેક સુધી કરેલી નહિ. આ કારણથી ટોળુ આગ લગાડીને દૂર દૂર જ રહેતુ હતુ કેમકે સમયાંતરે ટોળુ નજીક જતા મહોલ્લામાંથી ભડાકો તો થતો જ હતો !
દરમ્યાન જયદેવના મોબાઈલ ફોનમાં એક ખાનગી લેન્ડ લાઈનમાંથી ટેલીફોન આવ્યો અને સામેની વ્યકિતએ જણાવ્યું કે સાહેબ હું મકતુપુરનો જ વતની પટેલ છુંને મારૂ ઘર મકતુપુરમાં સળગાવેલ લઘુમતી મહોલ્લાને અડીને જ આવેલું છે હવે આ આગ આગળ વધતી વધતી મારા ઘરને પણ ઝપટમાં લેવાની તૈયારીમાં જ છે તો તમે બચાવો આથી જયદેવે કહ્યું અમે મકતુપુર આવી જ ગયા છીએ અને કાર્યવાહી પણ ચાલુ જ છે.
આ દરમ્યાન મકતપૂરના લઘુમતી મહોલ્લામંથી પણ જયદેવના મોબાઈલ ફોન ઉપર રીંગ આવતા જયદેવે કહ્યું આ બાજુ પાદરમાં જુઓ અમે સામે જ આવી ગયા છીએ પણ ટોળાએ રસ્તામાં આડસો નાખેલી છે વળી તમને મહોલ્લામાંથી બહાર લાવી આ ધનધોર અંધારામાં આ ઝનુની સશસ્ત્ર ટોળામાંથી ચલાવીને હાઈવે ઉપર લઈ જવા પણ જોખમ છે. જયદેવે પૂછ્યું તમે કેટલી વ્યંકિતઓ છો? તો તેમણે જણાવ્યું કે આશરે સીતેરક જણા હોઈશું અમુક જણા પાછળ તળાવ બાજુથી સીમ વગાડે નાસી ગયા છે.
જયદેવ અને સાથેના જવાનો હવે બરાબર મુંઝાયા પોલીસ વાન સળગાવવાની વાત તો પડતી મૂકી તેનું કારણ એવું હોઈ શકે કે સશસ્ત્ર પોલીસનો સામનો કરવાનો થાય તો એક વ્યકિત તો મહોલ્લામાંથી થયેલ ફાયરીંગમાં ઢળી પડેલો હવે બંને બાજુ કયાં લડવું તેવું કોઈ શાણી વ્યકિતએ સમજાવ્યું હોઈ શકે. પરંતુ અહિંથી ચાલ્યા જવાની તો તેમની કોઈ ઈચ્છા હોય તેમ લાગ્યું નહતુ.
જયદેવની મુંઝવણ એ હતી કે ઘનઘોર રાત્રી બીજીબાજુ ઝડપથી ફેલાઈ રહેલી લબકારા લેતી આગમાં મકાનોમાં જીવતા ભુંજાઈ જવાની તૈયારીમાં માનવ જીંદગીઓ, બહારથી જરૂર મુજબનું પોલીસ બળ મળવાની કોઈ આશા નહતી અને હાલમાં પોતે અને ચાર જવાનોથી આ સીતેર લોકોને આ વિશાળ ઝનૂની ટોળાઓથી કેમ બચાવવા ?
દરમ્યાન ફરીથી જયદેવના મોબાઈલ ફોનમાં રીંગવાગી પણ તે લેન્ડ લાઈન નંબર ગાંધીનગરનો હતો સામે છેડેથી પુછાયું કે તમે ઉંઝા પીઆઈ બોલો છો? જયદેવે કહ્યું ‘હા બરાબર’ આથી દસામે છેડેથી કહ્યું કે હું ગાંધીનગર પોલીસ સ્ટેટ કંટ્રોલમમાંથી બોલુ છું. તમારા પોલીસ સ્ટેશનના મકતુપુર ગામે સશસ્ત્ર બહુમતી લોકોએ લઘુમતીના ઘરો ને આગ લગાડીને ફરતો ઘેરો ઘાલ્યો છે તો તમે ત્યાં તાત્કાલીક પહોચીને તેમને બચાવો. આથી જયદેવે કહ્યું ‘હું અહિ મકતુપુર ગામે સળગતા મહોલ્લા સામે થોડો દૂર ઉભો છું ટોળાઓએ ટેલીફોન, ઈલેકટ્રીકના થાંભલા વિગેરે આડશો નાખી રસ્તા બંધા કરેલા છે. અહિ આજુબાજુના ગામોએથી વિશાળ સંખ્યામાં વાહનો ભરીને લોકો આવ્યા છે. આ સિવાય બીજી જાનહાનીઓ પણ થવા સંભવ છે. આ સંજોગોમાં આ લઘુમતીઓની કિંમતી માનવ જીંદગીઓ બચાવવા ખરેખર મોટા પ્રમાણમાં પોલીસ જવાનોની જરૂરત છે. અત્યારે અમારા વિસ્તારના ઉંઝા, ઉનાવામાં તોફાનો ચાલુ જ છે તો તમે અમને વધારે બંદોબસ્તના જવાનો ફાળવી શકશો ? આથી સામે છેડાથી સ્ટેટ કંટ્રોલ દ્વારા જણાવાયું કે અત્યારે આખું ગુજરાત ભડકે બળે છે. તેમાં તમને વધુ બંદોબસ્ત ફાળવી શકાય તેમ નથી અમે તમને જાણ કરી દીધી, હવે તમે કાર્યવાહી કરો, હવે જે કાઈ થાય તેની તમારી જવાબદારી કહીને તેણે ટેલીફોન મૂકી દીધો. જયદેવને થયું કે સાલુ આ નોકરીતો ગુલામી લખાવી હોય તેમ કહી દીધું કે હવે જવાબદારી તમારી ! આવું છે આ ખાતામાં બોલો?’
આ અતિ ગંભીર અને સંભવિત કરૂણ ઘટનાના અસહ્ય સંજોગોમાં જયદેવે કલાક ૨૩.૩૦ વાગ્યે ઉંઝા ઓપરેટર મારફતે મહેસાણા કંટ્રોલરૂમ અને બંદોબસ્ત ઈન્ચાર્જ પેન્થર સરને વર્ધી અપાવી કે મકતુપુર ગામે લઘુમતી મહોલ્લાને સળગાવેલ છે. તેમાં આશરે સિતેરક જેટલા માણસો છે અને હાલની જે રીતેની પરિસ્થિતિ છે તે જોતા આ લઘુમતી લોકોને સહી સલામત રીતે બચાવવા માટે ઓછામાં ઓછા પચાસ પોલીસ જવાનોની જરૂરત છે. તો તાત્કાલીક મોકલી આપો.
તૂર્ત જ કલાક ૨૩.૩૪ વાગ્યે મહેસાણા જીલ્લા કંટ્રોલ રૂમે ઉઝાને જાણ કરી કે મહેરબાન કિંગસર જાણ કરે છે કે તમારી પાસેના ઉપલબ્ધ ફોર્સમાંથી માણસો મેળવી લેવા.
તે પછી તુર્ત જ કલાક ૨૩.૪૦ વાગ્યે પેન્થર સરે વાયરલેસ ઉપર ઉંઝા પીએસઓને હુકમ કર્યો કે ઉમીયા માતા ચોકમાંથી એસ.આર.પી.ના પાંચ જવાનો મેળવી ઉંઝા સેક્ધડ મોબાઈલ વાન સાથે તેમને મકતુપુર ગામે રવાના કરો.
જયદેવ માટે હવે આ આખરી હુકમ હતો તેણે હવે આ અભીમન્યુના ચક્રાવા જેવું આઠ કોઠાનું કપરૂ અને જોખમી યુધ્ધ આ બે મોબાઈલ વાનો ઉંઝા વન અને સક્ધડ મોબાઈલવાન અને એસ.આર.પી.ના પાંચ જવાનો અને પોતાના ચાર જવાનોથી લડીને આઠ કોઠા પાર કરી લઘુમતીઓને બચાવવાના હતા.
રસ્તા બંધ, વિશાળ સંખ્યામાં સશસ્ત્ર ટોળાઓ સામે બળની વ્યાખ્યામાં તો પોલીસ સાવ ટુંકી પડે તેમ જ હતી પરંતુ જયદેવને સંસ્કૃતનું પેલુ સૂત્ર યાદ હતુ ‘બુધ્ધીર્યસ્યં બલંતસ્ય’ જે બુધ્ધીશાળી તેજ બળવાન છે. અત્યારે સંજોગો, વિચિત્ર અને વિકટ હતા, એક તો રાત્રી ઘનઘોર, બીજુ આંખની જરા પણ શરમ વગરના ઝનૂની સશસ્ત્ર ટોળાઓ જે અત્યારે લડી લેવાના જ મૂડમાં હતા ત્રીજુ મહોલ્લા સુધી જવા માટે ના રસ્તાઓ ઉપર જે આડશો નાખેલી તે કેમ દૂર કરવી અને તે પણ ટુંકી સમય મર્યાદામાં કે તે દરમ્યાન આગ પણ બચાવકાર્યમાં અવરોધક બને તે પહેલા અને કોઈ જીંદગી ને સ્વાહા કરે તે પહેલા અને ચોથુ આશરે સિતેરક જેટલી લઘુમતી વ્યકિતઓને ગામથી દૂર સ્થળાંતર કયા વાહનમાં કરવી?