અજીતદાન ગઢવીને કારણે જીણામીંયા તો બચી ગયા આ રીતે આ કિસ્સામાં એક અભીશાપ (દારૂ પીવાનો) એક એક આશિર્વાદ થઈ ગયો ! (અપવાદરૂપે)
સમગ્ર ઉંઝા શહેરમાં જે રીતે તોફાનો થઈ રહ્યા હતા તેનાં પોલીસ માટે ‘બાર સાંધે ત્યાં તેર તુટે’ તેવી હાલત હતી.
આમ તો દારૂપીવો તે એક અભીશાપ છે. દારૂડીયો તેના કુટુંબીજનો અને સ્વજનોનું તો પતન કરે જ છે. પણ પહેલા તે પોતાના પતનની શરૂ આત કરે છે. ભૂતકાળમાં સુરત શહેરમાં એક ફોજદારે દારૂ ઢીંચીને લોડેડ રીવોલ્વર લઈ અગાસી ઉપર ચડી જઈને આડેધડ રીવોલ્વરમાંથી ફાયર કરેલા જેમાં કેટલાકને ઈજા થયેલી અને એકાદ વ્યકિતનું મૃત્યુ પણ થયેલું પરંતુ વધુ કાંઈ હાદસો થાયતે પહેલા આ દારૂડીયા ફોજદારના પરિચિત મિત્ર એવા એક પોલીસ ઈન્સ્પેકટરે જબરી હિંમત કરી અગાસીમાં જઈ સમયાંતરે ફાયરીંગ કરતા ફોજદારને ફોસલાવીને રીવોલ્વર લઈ લીધેલી અને પછી કાયદેસર કાર્યવાહી ખૂન, ખૂનની કોશિષનો ગુન્હો દાખલ થયેલ અને દારૂડીયા ફોજદારને જન્મટીપની સજા થયેલી અને ફોજદાર પાસેથી રીવોલ્વર લઈ લેનાર પોલીસ ઈન્સ્પેકટરને આ બહાદૂરી ભર્યું કામ કરવા બદલ રાષ્ટ્રપતિનો ગેલેન્ટ્રી (શોર્ય) મેડલ મળેલો.
પરંતુ ૨૮મી ફેબ્રૂઆરીના રોજ ઉંઝા ખાતે શ થયેલા પોસ્ટ ગોધરા તોફાનોમાં બપોરનાં સમયે મુખ્ય બજારમાં માર્કેટ યાર્ડ અને ઉનાવા દેશની વાડી વચ્ચે એક એવો બનાવ બન્યો જે ઉપર જણાવેલ બનાવી થોડો જુદો હતો. જોકે તે બનાવની તો જયદેવને બીજે કે ત્રીજે દિવસે ખબર પડેલી કેમકે આ બનાવ કયાંય ચોપડે નોંધાયેલો નહિ ઉંઝા તાલુકાના દાસજ ગામના જ વતની એવા જમાદાર જીણામીંયા ઉંઝા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. જીણામીંયાનો દેખાવ અને કદ તેમના નામ મૂજબના જ હતા. જીણામીયા સાવ નિચા અને દુબળા પાતળા તો હતા જ પણ ઉમર પણ નિવૃત્તિને આરેની પંચાવન છપ્પન વર્ષની હશે અને દેખાવમાં પણ વધારે પડતા વૃધ્ધ જણાતા હતા. તેમની આ શારીરીક સ્થિતિને કારણે સામાન્ય માહોલમાં તો તેમને બહારનું ફીલ્ડનું કોઈ કામ નહિ આપતા ઓફીસમાં ક્રાઈમ ફીગરનું ટેબલ આપેલું પરંતુ જેમ જુના જમાનામાં જયારે ધીંગાણાનો બુંગીયો વાગતો ત્યારે તમામ લડવૈયાઓએ હથીયારો સાથે રણમેદાનમાં આવવું જ પડતુ તેમ હાલમાં આ સદી દરમ્યાન જવલ્લેજ બનતી ઘટનામાં પોલીસ દફતર મુજબ જિણામીયા પણ એક જવાન એક સૈનિક જ હતા. તેથી આવા સંજોગોમાં તેમને ઓફીસમાં બેસાડી રખાય નહિ, આથી તેમને કોઈ ભારે શસ્ત્ર નહિ આપતા ફકત લાઠી હેલ્મેટ સાથે બીજા એક સશસ્ત્ર જવાન અજીતદાન સાથે ફરજ ઉપર મૂકેલા. આ સશસ્ત્ર જવાન અજીતદાનનો પણ એક આગવો ભૂતકાળ હતો.
કોન્સ્ટેબલ અજીતદાન ગઢવી હજુ બે ત્રણ મહિના પહેલા જ ભાવનગર જિલ્લામાંથી સજારૂપે બદલાઈ ને આવ્યો હતો. તે સમયે પોલીસ ખાતામાં બે ત્રણ ટકા એવા જવાનો રહેતા કે તેમને સાચવવા જ પડતા. તેમ આ અજીતદાનને લગભગ ચોવીસે કલાક દારૂપીવાની આદત તેથી છેલ્લે ભાવનગર જિલ્લાનાં વલ્લભીપૂર થાણામાંથી સજારૂપે મહેસાણા આવેલો. સહજ છે. આ સતત પમર અને ટાઈટ (પીધેલા) કર્મચારીઓથી શું નોકરી લેવી તે પ્રશ્ર્ન જ રહેતો. છતા જયદેવ કહેતો કે જૂના જમાનામાં જેમ સંયુકત મોટા કુટુંબમાં અમુક કાલાઘેલા, અપંગ સભ્યો સચવાઈ રહેતા તેમ આપણુ પણ પોલીસ કુટુંબ મોટું છે તો મન મોટુ રાખી પાલવાય ત્યાં સુધી પાલવો. આવા જવાનો તો ખાસ બહારગામ મોકલવાના બંદોબસ્તમાં જવાનોની સંખ્યા પૂરી કરી દેતા.
જોગાનુ જોગ આજના કપરા જંગમાં જમાદાર જીણામીંયા સાથે આ કોન્સ્ટેબલ અજીતદાન થ્રી નોટ થ્રી રાયફલ સાથે ફરજમાં મૂકાયો હતો. અનુભવે જણાયું છે કે દારૂડીયા તથા કોઠા કબાડીયા આવા પોલીસ જવાનોને જેતે શહેર કે ગામના તમામ ગુનેગારો ટુંક સમયમાંજ ઓળખતા થઈ જતા હોય છે કેમકે બંનેની લાઈન લેન્થ ધંધા લગભગ સરખા હોઈ અને સાંજ પડયે મુલાકાતના સ્થળો (પીવાના) પણ એક સરખા હોઈ આવા જવાનોને ગુનેગારો જલ્દી ઓળખતા થઈ જાય છે. જે સીધા સાદા જવાનો કરતા તેની ખાસ લાયકાત થઈ.
જયારે મોટાપાયે તોફાનો થાય ત્યારે ટોળાની નેતાગીરી પણ ગામના ગૂનેગારો જ લેતા હોય છે. એટલીસ્ટ ગુનેગારો ટોળામાં સામેલ તો હોય જ છે. તેમાં તેમના અનેક હેતુ હોય છે. પણ ખાસ તો કાયમ જેના કારણે સમાજમાં દબાઈને રહેવું પડતુ હોય છે. તે પોલીસ દળને દબાવવાની કોશિષ કે સળી કરવાનો જવલ્લે જ મળતો મોકો હોય છે.
આ ન્યાયે ઉંઝાનાં આ તોફાનોમાં પણ ટોળાઓમાં જે તે વિસ્તારના ગુનેગારોએ નેતાગીરી લઈ લીધી હતી.
ઉંઝા તાલુકાના દાસજ ગામનો ભૂતકાળ પણ કોમી દ્રષ્ટિએ ખરાબ હતો તેની ઉંઝાની જનતાને તો ખબર જ હોય. તેથી આ મુખ્ય બજારમાં બંદોબસ્તમાં રહેલ પોલીસ જવાનો પૈકી જમાદાર જીણામીંયાને કોઈ એક વ્યકિત ઓળખી ગયો અને તેણે ટોળાના સભ્યોને કહ્યું અરે આતો દાસજ નો જીણામીંયાછે મારો ! આથી નાયલાયક ટોળાએ વૃધ્ધ અને પ્રમાણમાં અશકત એવા જમાદાર જીણામીંયાને ટપલી દાવ શરૂ કરતા જ એકાદ પેગ મારીને બંદોબસ્તમાં આવેલ કોન્સ્ટેબલ અજીતદાનનું પોલીસ લોહી ઉકળી ઉઠ્યું અને ત્રાડ નાખી ટોળાને કહ્યું ખબરદાર જો હવે આગળ વધ્યા તો એમ કહી પોતાની પાસે રહેલ થ્રી નોટ થ્રી રાયફલનો બોલ્ટ ખટાક કરીને ખોલીને કાર્ટીસ ચડાવી ખટાખટ બોલ્ટ બંધ કરી રાયફલ ખંભે ચઢાવી આક્રમક પોજીશનમાં પગ પહોળાકરી ઉભો થઈ ગયો આથી ટોળામાં સામેલ ગુનેગારો સમજી ગયા કે આ કોન્સ્ટેબલ અજીતદાન અત્યારે પણ પમ્મર અને ટાઈટ છે જ તેથી તેનું હવે નકકી નહી કે ટોળામાંથી કેટલાને ઓછા કરે ! તેથી ગુનેગારોએજ ટોળાને પીછેહઠ કરવા ફરજ પાડી આથી અજીતદાનના પગ એકી બેકી રમતા હોવા છતાં જમાદાર જીણામીંયાને એસ્કોર્ટ કરી ને તે પોલીસ સ્ટેશને લઈ આવ્યો ! આમ જીણામીંયા બચી ગયા આ રીતે આ કિસ્સામાં એક અભીશાપ (દારૂ પીવાનો) એક આશિર્વાદ થઈ ગયો ! (પણ અપવાદરૂપ )
પીઆઈ જયદેવ હજુ કોટકુવા વિસ્તારમાં મસ્જીદ આજુબાજુ હતો, પરંતુ મસ્જીદ તોડવા ટોળામાં સામેલ વ્યકિત દ્વારાજતા જતા જે શબ્દો બોલાયેલ કે હજુ તો રાત આખી બાકી છે તે તેના મનમાં ગુંજતા હતા.
દરમ્યાન કલાક ૧૬-૦૦ વાગ્યે કિંગસર (પોલીસવડા)ની મોબાઈલે ઉંઝા પોલીસ સ્ટેશનને વર્ધી આપી કે ફાયર ફાયટર કોટકુવા વિસ્તારમાં મોકલી આપવું પરંતુ ઉંઝા પોલીસ સ્ટેશન ઓપરેટરે કલાક ૧૬-૦૨ વાગ્યે ઉંઝા વન (જયદેવ)ને જાણ કરી કે ફાયર ફાઈટરનો ડ્રાઈવર ત્યાં કોટકુવાઆવતા ડરે છે. આથી જયદેવે તેને કહ્યું હવે ફાયર ફાયટરને કોટકુવાને બદલે ઉમીયા માતા ચોકમાં પોલીસ રાયડર (મોટર સાયકલવાળા) સાથે મોકલી આપો. હવે કોટકુવા ખાતેથી ટોળા અન્યત્ર જતા રહેલ હોય, જયદેવ ઉમીયા માતા ચોકમાં આવીને પેન્થર સરને મળ્યો અને તેમને કોટકુવા મસ્જીદ પાસે બનેલ બનાવ અને ટોળાના અમુક ઈસમોએ જતા જતા બોલેલ શબ્દો ‘હજુ તો રાત આખી બાકી છે’ વાળી વાત કરીને જયદેવે પોતાનું મંતવ્ય આપ્યું કે આ મિશ્ર વસ્તીવાળા વિસ્તારો લાલદરવાજા, ગૂરૂ મહારાજ ચોક અને આ ઉમીયા માતા વિસ્તારમાં હજુ સુધી તો પોલીસ બંને પક્ષો વચ્ચે સમતોલન જાળવીને મામલો બીચકતો અટકાવેલ છે. પરંતુ અંદર ખાને તો તે પૂરેપૂરો ધગી ગયેલો લાગે છે. વળી ટોળાના સુચક શબ્દો ‘હજુ રાત આખી બાકી છે’ તે ખરાબ એંધાણ આપે છે. રાત્રીનાં અંધારામાં આટલા વિશાળ વિસ્તારમાં આટલી પોલીસ તો ખૂબ ટૂંકી પડશે ! હજુ આ ચોત્રીસ ગામોમાં શું થયું હશે અને શું થશે કોણ જાણે ? આથી મારા મંતવ્ય મુજબ જો કેજયુઅલ્ટી અને રકતપાત અટકાવવો હોય અને બીજા વિસ્તારો પણ સાચવી લેવા હોય એટલે કે અન્ય જગ્યાઓએ પોલીસ દળ પહોચી શકે તેમ આયોજન કરવું હોય તો આ ત્રણ મિશ્ર વસ્તી વાળા વિસ્તારનાં આશરે સોએક જેટલા કુટુંબોને અન્યત્ર સલામત જગ્યાએ સ્થળાંતર કરવા જોઈએ.’ આથી પેન્થર સરે કહ્યું કે ‘તમે કહો તે વાત તો સાચી છે પણ તમે આ બાબત લઘુમતી કોમના આગેવાનોને પુછીછે?’ જયદેવે કહ્યું કે ‘પહેલા આ આવેલ વિચાર અંગે તમારી જોડે ચર્ચા કર્યા પછીજ પુછાયને ?’
આમ કહી જયદેવ લઘુમતીનાં રહેણાંક વિસ્તારોમાં ગયો અને અમુક આગેવાનોને મળ્યો આ લઘુમતી વસ્તી પણ અતિચિંતાગ્રસ્ત હાલતમાં જ હતી. કેમકે કોણ જાણે તેમને પણ આ માહોલ જોઈને ટીવી ઉપરના સમગ્ર રાજયનાં બનાવો જોઈને અમંગળના એંધાણ આવી ગયા હશે તેથી તેઓ માનસીક રીતે સ્થળાંતર થવા માટે તૈયાર જ હોય તેમ જણાયું. આ લઘુમતી આગેવાનોએ કહ્યું ‘પણ આ હાલતમા કયાં અને કેવી રીતે જવું?’ જયદેવે કહ્યું ‘તે તમામ ઉપાધી ચિંતા તમે છોડો તમે તૈયાર થાવ; બાકીની વ્યવસ્થા અમો કરીએ છીએ’
જયદેવે ઉમીયા માતા ચોકમાં આવી પેન્થરસરને કહ્યું કે તે લોકો તો અગાઉથીજ માનસીક રીતે તૈયાર હતા.
આ તમામ સમય દરમ્યાન પેન્થર સરનો મોબાઈલ ફોન તો સતત ચાલુ જ હતો. જે રીતે ફોન ઉપર વાત થતી હતી. તે ઉપરથી જણાતું હતુ કે વિસનગર શહેરની પરિસ્થિતિ અતિ કરૂણ અને દયાજનક બની ગઈ હતી. આથી પેન્થર સરે કંટ્રોલ મહેસાણાને વાયર લેસથી વર્ધી આપી કે ‘વડનગર પોલીસ સ્ટેશનના દસ જવાનો અને ફોજદાર તથા ખેરાલુ પોલીસ સ્ટેશનના પાંચ જવાનો અને ફોજદાર તેમની જીપો લઈને તાત્કાલીક વિસનગર પહોચી જાય તેમ જણાવો.’
જયદેવ આ સમગ્ર સમય દરમ્યાન ટોળાઓની મુવમેન્ટ અને વારાફરતી બદલતી નેતાગીરી અને સમગ્ર વિસ્તારનો બદલતો માહોલનો મનોમન અભ્યાસ કરતો હતો ટોળાના લોકો વારાફરતી પોતાના ઘેર જઈ તરોતાજા થઈ આવતા હતા. પરંતુ પોલીસ દળના જવાનો જે સવારના સાત વાગ્યાથી ખાધા પીધા વગર મોરચા ઉપર પૂરા ટેન્શન સાથે છે. રાત્રીના સમયે તેમનું સતત ટકવું અતિ કઠીન છે. સાથે સાથે મનમાં અતિ ગંભીર બનાવો બનવાની આશંકાઓ પણ થવા લાગી.
તે પછી પેન્થર સરે મહેસાણા કંટ્રોલ મને મોબાઈલ ફોનથી જ વર્ધી આપી કે પોલીસ હેડ કવાર્ટરમાં જેટલા મોટા વાહનો બસ, ટ્રકો અને અશ્ર્વદળની હેરાફેરી માટેના મોટા જે કોઈ વાહનો હોય તે તાત્કાલીક ઉંઝા મોકલી આપવા અને અડધા કલાકમાં તો એક બસ સહિત ત્રણ વાહનો આવી ગયા.
આ ત્રણેય વાહનોને ઉનાવા મોકલવાનું જયદેવે નકકી કરેલું કેમકે ત્યાં લઘુમતી વસ્તી પણ પ્રમાણમાં વધારે હતી તથા મીરાદાતારનું મોટુ મુસાફર ખાનુ અને ટ્રસ્ટ પણ હતુ જેથી વિસ્થાપીતો ની તમામ સગવડતા સલામતી સાથે થઈ જાય. આ મીરાદાતારની દરગાહ અંગે એમ કહેવાતું કે અજમેર શરીફ પછીનું આ બીજુ મોટુ સ્થાન હતુ, જે દરગાહ ઐંતિહાસીક પણ હતી. પરંતુ ઉંઝાના લઘુમતીના અમૂક લોકો ઉનાવા જવાસહમત થયા નહિ તેમને દાસજ જવું હતુ કેમકે તેમને ઉનાવા મીરાદાતારના ટ્રસ્ટીઓ અથવા તેમની કાર્યશૈલી અંગે કે ધાર્મિક માન્યતા અંગે વાંધો હતો. એક બાજુ જાણે આજે સાંજ ઝડપથી ઢળી રહી હોય તેમ લાગતુ હતુ અને તોફાનોની આક્રમકતા વધતી જતી હતી જેથી હવે સમય પસાર કરવો પાલવે તેમ નહતુ તેથી જયદેવે તેમને કહ્યું તમારે દાસજ જવું હોય તો તમારા વાહનો તૈયાર કરો તમને પોલીસ દાસજ સાથે આવીને મૂકી જશે.. આથી આ લોકોએ પોતાના ઉપરાંત અમુક ભાડાના વાહનો તૈયાર કર્યા અને પોલીસના મોટાવાહનો અન્યલોકોને ચડી જવા કહ્યું લોકો પોત પોતાની મરણ મૂડી અને લઈ શકાય તેવી કિંમતી ચીજ વસ્તુઓ લઈ ભારે હૈયે વાહનોમાં બેઠા અને વાહનો ઉનાવા તથા દાસજ જ તરફ પોલીસ જવાનો સાથે રવાના કર્યા.
આ રીતે સમગ્ર રાજયમાં સૌ પ્રથમ સલામત અને સરળ સ્થળાંતર ઉંઝા શહેરમાંથી થયુંજે લોકો બાકી રહ્યા તેમને ઉનાવાથી ખાલી થઈને પાછા આવેલ પોલીસ વાહનોમાં રવાના કર્યા. સાંજના છ વાગ્યા સુધીમાં તો આ વિસ્તારોનાં તમામ લઘુમતી સમાજના લોકોને સ્થળાંતર કરાવી દીધા.
આ સ્થળાંતર ચાલતુ હતુ દરમ્યાન કલાક ૧૭/૧૫ વાગ્યે ઉંઝા વાયરલેસ ઓપરેટરે પેન્થરસરને જાણ કરેલીકે ઉંઝા મામલતદાર ટેલીફોનથી પૂછાવે છે કે આ લઘુમતી સમુદાયના લોકો ને સ્થળાંતર કર્યા તે અંગે તેમની સહમતી અંગેની કોઈ સાહીઓ લીધેલી છે કે કેમ? તેથી તેજ વખતે પેન્થરસરે ઓરેટરને કહેલ કે મામલતદારને જાણ કરો કે અર્ધા લોકોને સ્થળાંતર કરી જ દીધા છે. અને અર્ધા બાકી છે. જો તમારે સહીઓ મેળવવાની હોય તો અહિં આવીને લઈ જવી ! આથી ઓપરેટરે તે રીતે જાણ કરી દીધી.
કલાક ૧૭/૪૦ વાગ્યે હાઈવે પોલીસ ચોકી ઓપરેટરે ઉંઝાને વર્ધી આપી કે ચોકીની સામે નેશનલ હાઈવે ક્રોસ કરીને પાટણ રોડ ઉપર આવેલ સરીતા વિહાર ગેસ્ટ હાઉસ સામે ટોળુ એકઠું થયું છે.
કલાક ૧૭/૪૫ વાગ્યે ઉંઝા ઓપરેટરે પીએસઓ ઉંઝા ઉપર આવેલા ટેલીફોન વર્ધી આધારે વાયર લેસથી ક્રાઈમ મોબાઈલને વર્ધી આપી કે ડબગરની પીપળ પાસે તોફાન થયેલ છે તો તાત્કાલીક ત્યાં પહોચી જવું !
આ સમય દરમ્યાન જ વાયરલેસ સેટ ઉપર જે રીતે વિસનગરની પરિસ્થિતિ અંગે મેસેજ પસાર થતા હતા તે કણ અને ભયજનક સ્થિતિ સંજોગોના અણસાર આપતા હતા.
કલાક ૧૮/૨૦ વાગ્યે કંટ્રોલ રૂમ મહેસાણાથી વર્ધી આવી કે જયાં માણસોના ટોળા ભેગા થયેલા હોય અને તોફાન કરતા હોય તો તેઓની તૂર્ત જ અટકાયત કરી અટકાયતી પગલા લેવા ! જયદેવને આ સાંભળીને મનમાં થયું કે આહાહા, આ આભ ફાટયું છે તેને થીંગડા મારવા જેવી આ વાત છે. આ કીડીયા ઉભરાયું હોય તેવા માનવ મહેરામણમાં બે ત્રણ પોલીસ જવાનો દેખાતા પણ નથી ત્યાં તેમાંથી કોને કેટલાને અટકાયત કરી અટકાયતી પગલા લેવા વળી આ અંગેના કેસ પેપર્સ કોણ તૈયાર કરશે ? આ લોકોને સલામતીથી કસ્ટડીમાં રાખી શકાય તેવી હાલત છે? છતા યુધ્ધ શરૂ થયા પછી તો બીજો વિકલ્પ આવે ફાયર આર્મસથી ફાયરીંગનો; પરંતુ મારવાના તો દેશના લોકોને જ ને? વળી જયાં સુધી માનવ જીંદગીઓ સલામત હોય ત્યાં સુધી ફાયરીંગ કરવું પણ વ્યર્થ હતુ અને પોલીસ માટે કાયદાકીય અને વ્યવહારીક બંને રીતે મુશ્કેલ હતુ. તેમ છતા માનો કે આવું કર્યા પછી મામલો વધારે બીચકે તો બહારથી વધારાનો પોલીસ બંદોબસ્ત મળી શકે તેમ તો નહતો.
આવા અનેક પ્રશ્ર્નો મોઢુ ફાડીને ઉભા હતા તેથી આ વર્ધીનો અમલતો અશકય હતો પરંતુ તેનો હેતુ એવો લાગ્યો કે ભવિષ્યે કોઈ કમિશન કે પંચ કે અદાલત સ્પષ્ટતા માંગે તો જવાબ કરવા થાય કે અમે તો સૂચનાઓ કરી દીધી હતી. પછી પાછળથી કોણ જોવાનું છે કે આ વરવા યુધ્ધ મેદાનમાં પોલીસની વાસ્તવિક સ્થિતિ શું હતી અને હાલત કેવી હતી કે કેટલા કલાકથી ખડેપગે ઉભા છે. તેણે ખાધુ પીધુ અરે ચા-પાણી પણ પીવા પામ્યા હતા. હતા કે કેમ? પછી તો બીતગઈસો બાત ગઈ, તે વખતે જે હતુ તે હતુ પણ પોલીસે શું શું કરવાનુંહતુ અને શુંશું નથી કર્યં તે જ જોવાનું? ખરેખર તો તે સમયના માહોલનું રીક્ધસ્ટ્રકશન ઉભુ કરી જોવું જોઈએ કે પોલીસ પણ એક માણસ છે તેની પણ મર્યાદા અને સંવેદના ને ધ્યાને લેવી જોઈએ , જો કે સાથે સાથે જાહેર હિત પણ અવશ્ય જોવું જોઈએ. પરંતુ ચલાય માન સંજોગો અને દ્રશ્યો તો સમય જતા અદ્રશ્ય થઈ જતા હોય છે. તેનો કોઈ આધાર પૂરાવો રહેતો નથી. જોકે હાલમાં વિડિયોગ્રાફી એ તેનો વિકલ્પ લીધો છે. પણ તેની પણ મર્યાદા અને વિડિયોગ્રાફી કરનારની મનોદશા અને આવડત ઉપર દ્રશ્યો જીલાતા હોય છે. આમ પોલીસ બીચારી રામભરોસે, આમ ચાલે છે અને આમ જ ચાલ્યું જશે એમ લાગે છે.
ઉંઝા પોલીસ દ્વારા સલામત સ્થળાંતર પૂરૂ થયા પછી વહીવટી તંત્ર મેદાનમાં આવી ગયું કલાક ૧૯/૪૦ વાગ્યે પોલીસ સ્ટેશનમાંથી વાયરલેસ વર્ધી આવી કે મામલતદાર કચેરીમાં મીટીંગ રાખેલ હોય પીઆઈ ઉંઝા અને પેન્થર સરે મીટીંગમાં હાજર રહેવું.
સલામત સ્થળાંતર થઈ જતા સંભવિત મારામારી કત્લેઆમ અને આગજની થવાનો ભાર હળવો થયેલો જણાતા પેન્થર સરે જયદેવને કહ્યું તમારી જીપને આ વિસ્તારમાં જ પેટ્રોલીંગમાં રાખો અને તમે મારી જીપમાં આવી જાવ, પાંચ મીનીટ મીટીંગમાં જતા આવીએ. આમ બંને અધિકારીઓ મામલતદાર ઓફીસે આવ્યા.
દરમ્યાન ક ૧૯/૫૦ વાગ્યે મહેસાણા કંટ્રોલ માંથી વાયર લેસ વર્ધી આવી કે પીઆઈ ઉંઝા (જયદેવ)ને જણાવો કે તે મહેસાણા જીલ્લા પોલીસ વડા સાથે ટેલીફોન નંબર ૨૨૧૨૨ ઉપર વાત કરે. આથી જયદેવે મામલતદાર કચેરીની અગાસીમાં જઈ મોબાઈલ ફોનથી પોલીસવડા સાથે વાત કરી. પોલીસ વડાએ જયદેવને હાલની ઉંઝાની પરિસ્થિતિ અંગે પૂછતા જયદેવે સરળ અને સલામત સ્થળાંતર થઈ ગયા પછી ભાર હળવો થઈ ગયાનું જણાવતા પોલીસ વડાએ જયદેવને અભિનંદન પાઠવ્યા અને કહ્યું કે સારો વિચાર કરીને સ્થળાંતર કરાવી કિમંતી માનવ જીંદગીઓની સુરક્ષા કરી તેમજ હજુ સુધીમાં ઉંઝા ખાતે ખાસ કોઈ જધન્ય બનાવ બનવા દીધેલ નથી. પણ જયાં નાગોરી બીલ્ડીંગમાંબ બન્યો ત્યાં તમે સમય સુચકતા વાપરી હિંમત અને શૌર્યથી માણસોને બચાવીને વિવેક બુધ્ધીથી જર પૂરતા બળનો ઉપયોગ કરી સળગતા મકાનમાં ફસાયેલા તમામ લોકોને સહીસલામત બચાવી લીધા. વધુમાં જણાવ્યુંં કે આવો ને આવો ટેમ્પો જાળવી રાખજો.
મહેસાણા જીલ્લાના તમામ જૂના અધિકારીઓને તોફાનો શ થયા પહેલા એવો ખ્યાલ હતો કે જીલ્લા આખામાં ફકત ઉંઝામાં જ ખૂબ ખરાબ અને ગંભીર હાલત ઉભી થશે. ગામનો ભૂતકાળ અને અનુભવ મુજબ તેઓ સાચા પણ હતા. પરંતુ તેનાથી જુદુ થયું વિસનગર વિજાપૂર વિગેરે જગ્યાઓ એ ખૂબ ગંભીર બનાવો બન્યા અને હાલત કથળી ગઈ હતી. પરંતુ જયદેવ અને ઉંઝા પોલીસ દળના પ્રયત્નો અને છેલ્લા એકાદ વર્ષમાં જયદેવ અને ઉંઝા પોલીસે જે લોકોપયોગી કાર્યો કરી, અંદરનાં અને બીજા જીલ્લાના ગુનેગારોને બરાબર પાઠ ભણાવી તાલુકામાં શાંતી અને સલામતીનો જનતાને અહેસાસ કરાવેલ તથા જનતાને જે પોલીસ દળ પ્રત્યે પ્રેમ અને સંવેદના લાગણી થયેલી તે ઉપરાંત ઈશ્ર્વરકૃપાને કારણે હજૂ સુધી તેવો કોઈ ગંભીર બનાવ પોલીસની નજર સામે બનવા પામ્યો નહતો.
પરંતુ રાત્રી હજુ બાકી હતી, તરોતાજા અને વારાફરતી પેટ પૂજાકરી આવતા ટોળા સામે આખો દિવસ પોલીસ દળે ખાધા પીધા સિવાય ઝઝુમ્યા પછી હજુ આ જવાનોને રાત્રીના પણ ભૂખ્યા તરસ્યા જ જંગ જારી રાખવાનો હતો! (ક્રમશ:)