“ધ મેન્ટલ હેલ્થ એક્ટ અને માનવ અધિકાર કાયદાઓ આવતા જયદેવે દરગાહના ટ્રસ્ટીઓને સમજાવીને માનસિક દર્દીઓને સાંકળોથી બાંધવાની પ્રથા દૂર કરવા સમજાવેલા અને ફળીયા વચ્ચે ઝાડવે લટકતી સાંકળો, કડા, હાકડા વિગેરે દૂર કરાવેલા”
ઉંઝા બંદોબસ્ત ઈન્ચાર્જ પેન્થર સર અને પીઆઈ જયદેવ મામલતદાર કચેરી ખાતે મીટીંગમાં હતા દરમ્યાન ક ૧૯/૫૮ વાગ્યે મહેસાણા કંટ્રોલ રૂમે ઉંઝા પોલીસ સ્ટેશનની ખેરીયત માંગતા ઓપરેટરે ખેરીયત અંગે પેન્થર સરને પુછયું કે શું રીપોર્ટ આપું ? એટલે પેન્થર સરે કહ્યું કે કહી દો બીલકુલ ખેરીયત છે. અને બંદોબસ્ત ચાલુ છે.
પરંતુ સાથે મીટીંગમાં રહેલા જયદેવને મનમાં થયું કે આ કયા પ્રકારનો ખેરીયત રીપોર્ટ ? ખરેખર વાસ્તવિક છે કે અર્ધવાસ્તવીક કે અવાસ્તવીક ? જો કે હજુ સુધી ઉંઝા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોઈ જાનહાનીનો ભલે અહેવાલ નહતો પરંતુ બનાવો તો બન્યા હતા. અને ટોળાઓ તો હજુ ફરી જ રહ્યાં હતા. જયદેવના મતે આ હાલત તો ‘લટકતી તલવાર’ જેવી જ હતી કયારે કયાં શું થાય તેનું કાંઈ જ નક્કી ન હતુ ! પછી તેણે માન્યુ કે હાલના તબકકે તો આ ખેરીયત રીપોર્ટ ઠીક જ કહી શકાય.
મામલતદાર ઉંઝાએ મીટીંગ ખાસ એવા કારણોસર રાખી હતી કે જે આ ભોગ બનનાર લોકોને પોલીસે સ્થળાંતર કરેલા તેમને મદદ અને રાહત કઈ રીતે આપી શકાય. જોકે પોલીસનો વિષય તો ફકત રક્ષણનો હોવા છતા અગાઉ અનેક વખત જણાવ્યું તેમ આવા કટોકટી સમયે તમામ ડીપાર્ટમેન્ટના દરેક કામોમા પોલીસની હાજરીની જરૂરત અનિવાર્યપણે હોય છે. પોલીસ સીવાય બાકી બધુ અધૂરૂ ! જયદેવે તેમને જણાવ્યું કે તમારે જયારે રાહત આપવા માટે ઉનાવા કે દાસજ જવું હોય અને પોલીસની મદદની જરૂરત પડે ત્યારે જણાવજો વ્યવસ્થા થઈ જશે. આમ કહી બંને પોલીસ અધિકારીઓ મીટીંગમાંથી લાલદરવાજા, ગૂરૂમહારાજ ચોક વિગેરે વિસ્તારમાં જવા રવાના થયા.
જયદેવે રસ્તામાં પેન્થર સર સાથે ચર્ચા કરી કે હવે ઉંઝા શહેરમાં લગભગ કોઈ પ્રશ્ર્ન નથી કેમકે તમામ લઘુમતીઓ સ્થળાંતર થઈ ગયા છે ફકત તેમના મકાનોનું જ ધ્યાન રાખવાનું છે. જેથી આપણે હવે બીજાને પણ મદદ કરી શકીશું.
કલાક ૨૦/૫૮ વાગ્યે જયદેવે ઉંઝા વનના વાયર લેસ સેટ ઉપર ઉંઝા ઓપરેટર સવિતાબેન મહેસાણા કંટ્રોલને બીજો ખેરરીત રીપોર્ટ આપતા હતા તે સાંભળ્યું કે પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાના મોટા બનાવો ચાલુ છે અને પોલીસ બંદોબસ્ત ચાલુ છે!
ઉંઝા શહેર અને હાઈવે જે રીતે જડબે સલાક બંધ હતા તેથી કોઈ લોજ કે પરોઠા હાઉસ ખુલ્લા હોવાની કોઈ શકયતા જ નહતી વળી જયદેવતો એકલો જ રહેતો હોય તેને ઘેર પણ જવા પણુ નહતુ જોકે આવા વાતાવરણ અને માહોલમાં કદાચ સામે પકવાનની થાળી આવે અને ગમે તેવી ભૂખ લાગી હોય તો પણ કોળીયો, ગળે ઉતરે તેમ નહતા તેવી હાલત હતી. આથી આજની રાત્રીતો એમ જ કાઢવાની હતી.
દરમ્યાન કલાક ૨૧/૩૦ વાગ્યે ઉનાવા રીકવીઝીટ મોબાઈલે ઉંઝા ને વર્ધી આપી કે ઉનાવા ગામે બંને કોમના ટોળાઓ સામ સામે પથ્થરમારો કરી રહેલ હોઈ ઉંઝા વન (જયદેવ) મોબાઈલને તાત્કાલીક અહિ મોકલી આપો. જે વર્ધી ઓપરેટરે જયદેવને આપતા જ તેણે ડી સ્ટાફ જમાદાર તથા સેક્ધડ મોબાઈલ ઈન્ચાર્જ ફોજદારને જરૂરી સૂચના કરી કહ્યું કે હવે ઉંઝા તમારા હવાલે અમે બીજા નવા ખૂલેલા અને સળગતા જોખમી મોરચા તરફ પ્રયાણ કરી રહ્યાં છીએ.
ત્યારબાદ જયદેવે આ બાબતે પેન્થર સર જોડે મોબાઈલ ફોનથી ચર્ચા કરતા તેમણે જણાવ્યું કે તમે ઉનાવા પહોચો અને શું હકિકત છે તે જણાવો.
ક.૨૧/૪૨ વાગ્યે જયદેવે ઉંઝા ઓપરેટરને જણાવ્યું કે અમે ઉનાવા જવા રવાના થયા છીએ તમે ઉનાવા રીકવીજીટ મોબાઈલને તે અંગે જાણ કરી દો. અને તે હાઈવે ઉપર ચડયો ત્યાં તુરત જ પેન્થર સરે પણ ઉંઝાને જાણ કરી કે અમો તથા એટીએસ અને એસ.આર.પી.ના જવાનો સાથે ઉનાવા જવા રવાના થયેલ છીએ.
ઉનાવા તો ઉંઝાથી ફકત સાત કીલોમીટર જ દૂર હતુ. તે સમયે હજુ ફોરટ્રેક રસ્તા કે બાયપાસ, ફલાયરઓવર બ્રીજ બન્યા નહતા. અમદાવાદ દિલ્હી નેશનલ હાઈવે ઉનાવા ગામમાંથી મીરાદાતારની જગ્યાને બરાબર અડીને જ પસાર થઈ ઉંઝા આવતો હતો.
ઉનાવા ગામનો ભૂતકાળ પણ કોમી દ્રષ્ટીએ સારો નહતો. હજુ થોડા મહિના પહેલા જ એક રાવળીયા નાથાબાવાનું મોપેડ કોઈ લઘુમતી ઈસમને અડી ગયેલું અને તોફાન થઈ ગયેલુ અને બંને કોમના ટોળાઓ સામસામે આવી ગયા હતા પરંતુ ઉંઝા ખાતે જયદેવને તે અંગેની ખબર પડતા તે તૂર્તજ ઉનાવા પહોચી ગયેલો અને મામલો થાળે પાડી દીધેલો અને ખાસ કોઈ બીજી બબાલ થયેલ નહિ જોકે રાયોટીંગનો ગુન્હો દાખલ થયેલ અને ધરપકડો થયેલી અને અટકાયતી પગલા પણ લેવાયેલા અને પછી સમાધાન પણ થઈ ગયેલું.
હવે ઉંઝાનો મોરચો ઉનાવા ખાતે ખસેડાયેલો હોય અને અહી ખૂબ લાંબા સમય સુધી ધીંગાણા ચાલવાના હોય ઉનાવાની તે સમયની ભૌગોલીક સ્થિતિ ઉપર નજર નાખી લઈએ.
મહેસાણાથી હાઈવે પર ઉનાવામાં પ્રવેશ કરીએ તો પ્રથમ તો હાઈવેથી પશ્ર્ચિમે પળી ગામે જવાનો સીંગલ પટ્ટી રસ્તો આવે અને તેને અડીને જ પ્રસિધ્ધ મીરાદાતારની જગ્યા વિશાળ મીનારા વાળી દરગાહ મકાન આવે. આ મકાનોની પૂર્વે હાઈવે પછી ગામનું તળાવ આવેલ છે. તળાવ પછી ગામનો ખેતરાઉ સીમ વગડો જે ઐઠોર અને લક્ષ્મીપૂરા ગામના સીમાડાને અડે છે.ત્યાંથી અમદાવાદ દિલ્હી બ્રોડગેજ રેલવે લાઈન પસાર થાય છે. જે પહેલા મીટર ગેજ લાઈન હતી ત્યારે અહી વગડામાંજ રેલવેના ફેલવાળા (પથ નિરિક્ષકના કર્મચારીઓ) માટે રેલવે તંત્ર દ્વારા જૂના સમયનાં રાજસ્થાન સ્ટાઈલની સળંગ ઓરડીઓ જેવા કવાર્ટર કે જેના ઉપર ગોળ ઉપસેલ ધાબા હતા. પરંતુ બ્રોડગેજ લાઈન શરૂ થતા આ કવાર્ટરોની કોઈ જરૂરત નહિ રહેતા કર્મચારીઓ અન્યત્ર ચાલ્યા ગયા હતા. અને આ કવાર્ટરો ખાલી પડયા હતા. દરમ્યાન કોઈ પરપ્રાંતી મુસાફર યાત્રી ઉનાવા મીરાદાતાર આવ્યો હશે તેણે ઉનાવાના મુકામ દરમ્યાન ફરતા ફરતા આ ખાલી કવાર્ટરો પડેલા જોયા હશે આથી તેણે અહી જ મૂકામ કરી દીધેલો અને આ કવાર્ટર કંપાઉન્ડમાં જ એક ધાર્મિક સ્થળ પણ ઉભુ કરી દીધેલું. અને પછી તો મીરાદાતાર દીદાર કરવા આવતા યાત્રાળુઓ માટે અહિં પણ દીદાર કરવા આવવાનું અનિવાર્ય જેવું થઈ ગયેલું ઐઠોર ગામે વસ્તી મોટે ભાગે પટેલોની હતી અને લક્ષ્મીપૂરામાં ચૌધરીઓની વસ્તી હતી. આ લક્ષ્મીપૂરાનો અકે યુવાન શિવો કરીને આંતર જિલ્લા ગુનેગાર હતો. અને તે ખૂબ માથાભારે ગેંગસ્ટર પણ હતો તે હદપારતો હતો પણ લાંબા સમયથી વોન્ટેડ પણ હતો. છતા સમયાંતરે ઉનાવા ગામે આવી ઓચિંતો કાંઈક ડખો કરીને અમદાવાદ નાસી જતો અને ઉનાવા સમગ્ર ગામમાં આ શિવાની મોટી ધાક હતી.
મીરાદાતારની જગ્યાની પશ્ર્ચિમે લઘુમતી મહોલ્લો આવેલો હતો જે છેક પશ્ર્ચિમે ગામના પાદર સુધી જતો હતો ત્યાં છેલ્લે ગામની સરકારી પ્રાથમિક શાળાનું વિશાળ મકાન આવેલુ હતુ આ મીરા દાતારની જગ્યાથી શાળા સુધીના લઘુમતી મહોલ્લા વચ્ચેથી એક ઉતર દક્ષિણ ડામર રોડ પસાર થતો હતો. તેથી મહોલ્લાના બે ભાગ થતા હતા. શાળા પછી ઉનાવા ગામનો સીમાડો પ્રતાપગઢ અને ડાભી ગામોને મળતો હતો. ડાભી ગામે ઠાકોરોની જ વસ્તી હતી અને ઉત્તર ગુજરાતમાં જે ઠાકોરોના મોટા અને વજનવાળા ત્રણ ગામો ગણાય તે ડાભી, રણછોડપૂરા અને છાબલીયા પૈકીનું ડાભી ગામ હતુ રણછોડપૂરા પણ ઉંઝા વિસ્તારમાં જ હતુ પરંતુ અહિંથી થોડે દૂર હતુ. પરંતુ ડાભી સૌથી શિરમોર ગામ હતુ.
મીરાદાતાર જગ્યા પછી ઉત્તરે પ્રમાણમાં નાનું મેદાન થોડા મકાન અને પછી એક મોટી બજાર જે પશ્ર્ચિમથી પૂર્વે આવેલ છે. જે બંને વસ્તીની સરહદ જેવી હતી તેની ઉતરે બહુમતી દક્ષિણે લઘુમતીનો વિસ્તાર હતો. નેશનલ હાઈવે ઉપર મીરાદાતારની લાઈનમાં જ નજીકમાંજ ઉતરે બહુમતી વિસ્તાર પાસે મામુશાની દરગાહ આવેલી છે. આ દરગાહની પશ્ર્ચિમે ઉતરે અને પૂર્વે નેશનલ હાઈવે પછી પણ બહુમતીની જ વસ્તી આવેલી હતી ઉતરે રહેણાંક વિસ્તાર પૂરો થતા વિશાળ માર્કેટ યાર્ડ આવેલું છે બહુમતી કોમમાં પણ ખાસ તો પટેલોની જ સંખ્યા વધારે હતી અને સાધન સંપન્ન પણ તેઓજ હતા.
મીરાદાતારની જગ્યા ખૂબ વિશાળ હતી. દરગાહનું મુખ્ય બિલ્ડીંગ પછી અન્ય મકાનો મુસાફર ખાના, અમુક ધાર્મિક વિધીઓ કરવાના ઓરડા, ટ્રસ્ટની ઓફીસ, વચ્ચે ફળીયું અને ફળીયા વચ્ચે ઝાડ હતા. જયાં સાંકળો અને કડા લટકતા હતા. અમુક લોકો ભૂત, વળગાડ, મેલી વિધા, વશિકરણ વિગેરેની અસર વાળાને જો સારૂ ન થાય તો અહિ માનતા રાખતા અને ઘણો લાંબો સમય સુધી આ ઝોડ, ઝપટ વળગાડ વાળાને આ સાંકળો અને કડાથી બાંધી રાખતા. આમતો આવું કાંઈ હોય નહિ પરંતુ આ સ્થિતિ એક પ્રકારનો મનોરોગ છે. પણ જુના જમાનાથી છેક રાજસ્થાનથી પણ આવા દર્દીઓને લવાતા અને ખાસ તો ઝનૂની ગાંડાઓને તેની કક્ષા પ્રમાણેની સાંકળો ઉપરાતં પગે કડા પણ નખાતા. પરંતુ નવો ધ મેન્ટલ હેલ્થ એકટ અને માનવ અધિકાર કાયદો આવતા જયદેવે આ દરગાહની મુલાકાત લઈ ટ્રસ્ટીઓને મળીને આ માનસીક દર્દીઓ બાંધવાની પ્રથા દૂર કરવા સમજાવેલ અને ઝાડે લટકતી સાંકળો, કડા, હાથકડા વિગેરે દૂર કરાવેલા.
આ જગ્યાના મુસાફર ખાનાની બહારનાં ભાગે પોલીસ આઉટ પોસ્ટની ચોકી હતી ત્યાં પોલીસ જવાનો બેસતા. આ પોલીસ ચોકીની સામે જ ઉતરે મેદાન અને મેદાન પછી એક બે મકાનો પછી મુખ્ય બજાર શરૂ થતી હતી. જે બજાર બંને કોમના વિસ્તારની સરહદ રેખા જેવી હતી.
જયદેવે ઉંઝાથી રવાના થતા હાઈવે ઉપર આવીને તૂર્ત જ જીપ ઉપરની લાલ ફલેશ લાઈટ ચાલુ કરી દીધી હતી અને ઉનાવા માર્કેટ યાર્ડ પાસે પહોચતા જ સાયરન પણ ચાલુ કરી દીધેલી માર્કેટ યાર્ડ પસાર કરી મામુશાની દરગાહ તરફ આવતા જ બંને કોમના ટોળાઓ રોડ ઉપર જ સામસામે આવી ગયા હતા પરંતુ સાયરન વગાડતો જયદેવ ઉંઝા વન લઈને લાલ ફલેશાઈટ સાથે જે રીતે ઘસી આવ્યો તેથી બંને ટોળાઓ પોત પોતાના વિસ્તાર તરફ પાછા હટી ગયા અને ત્યાં મામલો શાંત થઈ ગયો દરમ્યાન જ પેન્થર સર અને એટીએસ મોબાઈલ એસ.આર.પી. ના જવાનોને લઈને આવી પહોચ્યા બજારમાં હજુ ટોળાઓ સામસામે હતા તેથી તમામ મોબાઈલો એ લાલ લાઈટો અને સાયરનો ચાલુ કરીને બજારમાં ઘુમવાનું ચાલુ કરતા લોકો પોત પોતાના ઘરોમાં ચાલ્યા ગયા અને શાંતિ થઈ. પરંતુ આ શાંતિ થોડા સમય પૂરતી કે રાત્રી પૂરતી જ રહેવાની હતી. તે આભાસી શાંતિ હતી કે વ્યુહાત્મક પીછે હટ હતી.
ક. ૨૨/૫૮ વાગ્યે ઉંઝા પોલીસ સ્ટેશનમાં કોઈકે પી.એસ.ઓ.ને જાણ કરીકે મકતૂપૂર ગામે નજીકના ટુડાવ ગામેથી વાહનો ટ્રેકટરો ભરીને હથીયારો લઈ ને માણસો આવેલા છે. અને મકતૂપુર ના લઘુમતી મહોલ્લામાં તોફાન કરે છે.
આથી પી.એસ.ઓ.એ. આ વર્ધી ઓપરેટર સવિતાબેન મારફતે ઉંઝા વન (જયદેવ)ને આપી.
જયદેવ ને થયું કે સાલુ ખરૂ છે કયાં કયાં પહોચવું ! માણસની કાંઈ મર્યાદા ખરી કે નહિ ? ખાધા પીધા વગર સતત એક પછી એક આ કેટલા મોરચે પહોચી શકાય ! અને આનો પણ કાંઈ અંત ખરો કે નહિ?
પરંતુ સૌથી વધુ નુકશાન કારક બાબતએ બની કે પોલીસ કાફલો ઉનાવા અને મકતપુર ફંટાયો હોય ઉંઝાના લાલ દરવાજા ગૂરૂમહારાજ ચોક, ઉમીયા માતા વિસ્તાર રેઢો પડતા જ હિંસક ટોળાઓએ લઘુમતીના રહેણાંક મકાનોને આગ ચાંપી દઈ રાત્રીનો અને પોલીસની મજબુરીનો મુકત મને ફાયદો ઉઠાવ્યો. (ક્રમશ:)