- ટીઆરપી અગ્નિકાંડમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવા ઇડીએ તપાસમાં ઝંપલાવ્યું
- ઇડીનું નામ સાંભળતા જ કડકડતી ઠંડીમાં રાજકીય આકાઓ સહિતને ‘પરસેવો’ છૂટી ગયાંના અહેવાલ
રાજકોટમાં ગત વર્ષે બનેલી ટીઆરપી ગેમઝોનની ગોઝારી દુર્ઘટનામાં 27 નિર્દોષ જીવતા ભૂંજાઈ ગયાં હતા. વિકરાળ આગમાં જીવતા ભૂંજાઈ ગયેલા બાળકો સહીતની મરણચિસોથી શહેર આખું ધ્રુજી ઉઠ્યું હતું. ઘટના બાદ અલગ અલગ બે એસઆઈટીની રચના કરવામાં આવી હતી, સરકારી અધિકારીઓ સહીતને આરોપી પણ બનાવવામાં આવ્યા હતા પરંતુ મૃતકોની આત્મા અને તેમના પરિજનો ફક્ત કાર્યવાહી નહિ પણ ન્યાય ઝંખી રહ્યા છે ત્યારે હવે આ તપાસમાં એનફોર્સમેન્ટ ડિરેક્ટરેટ(ઇડી)એ ઝુકાવતા હવે ક્યાંય ન્યાય તોળાય અને ગેમઝોનને પડદા પાછળ રહી ખુલ્લી છુટ આપનાર રાજકારણીઓ, બાબુઓ વિરુદ્ધ કડક પગલાં લેવાય તેવું આશાનું કિરણ દેખાયું છે. ઇડીની તપાસમાં અનેકના તપેલા ચડી જાય તેવી દહેશત પણ ઉભી થઇ છે.
વર્ષ 2024ની 25 મેની તારીખ રાજકોટવાસીઓ ક્યારેય ભૂલી નહિ શકે. નાના મૌવા રોડ પર આવેલ ટીઆરપી ગેમઝોનમાં બપોરના સમયે આગ લાગ્યાની ઘટના બની હતી. શનિવારનો દિવસ હોવાથી અનેક પરિવારો પોતાના બાળકો સાથે હળવાશની પળો માણવા માટે ગેમઝોન ખાતે પહોંચ્યા હતા પણ કોઈને ક્યાં ખબર હતી કે, આ ગેમઝોન તેમના પરિવારનો માળો વિખેરી નાખશે. થોડી જ મિનિટોમાં વિકરાળ બનેલી આગમાં બાળકો, મહિલાઓ સહીત 27 લોકો જીવતા ભડથું થઇ ગયાં હતા. આગ એટલી વિકરાળ બની ગઈ હતી કે, મૃતદેહની ઓળખ કરવા પરિજનોના ડીએનએ ટેસ્ટ કરાવવાની ફરજ પડી હતી. સતત ત્રણ દિવસ સુધી ઘટનામાં લાપતા થયેલા પરિજનોને શોધવા સિવિલ હોસ્પિટલ ખાતે વલોપાત જોવા મળ્યો હતો.
ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી હાઇકોર્ટએ બીજા જ દિવસે સૂઓ મોટો લીધો હતો. બીજી બાજુ રાજ્ય સરકારે સિનિયર આઈપીએસ સુભાષ ત્રિવેદીની અધ્યક્ષતામાં વિશેષ તપાસ સમિતિની રચના કરી હતી. જેમાં એસઆઈટીની તપાસમાં રાજકોટ મહાનગરપાલિકાના તત્કાલીન ટીપીઓ એમ ડી સાગઠીયા, ચીફ ફાયર ઓફિસર બી જે ખેર, ડેપ્યુટી ફાયર ઓફિસર બી જે ઠેબા, એટીપી જયદીપ ચૌધરી, ગૌતમ જોષી, રાજેશ મકવાણા, ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરા સહીતના શખ્સોને આરોપી બનાવવામાં આવ્યા હતા.
તપાસ દરમિયાન ટીપીઓ સાગઠીયા પાસેથી 28 કરોડની અપ્રમાણસર મિલ્કત મળી આવતા તપાસમાં એસીબીએ પણ ઝુકાવ્યું હતું અને સાગઠીયા વિરુદ્ધ વધુ એક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ટીપીઓ સાગઠીયાનો અપ્રમાણસર રૂ. 23 કરોડની મિલ્કત ટાંચમાં પણ લઇ લેવામાં આવી હતી અને ત્યારબાદ તપાસ પર પૂર્ણવિરામ મૂકી મામલો કોર્ટના શરણે મૂકી દેવામાં આવ્યો હતો.
દરમિયાન હવે આ તપાસમાં ઇડીએ ઝંપલાવતા એકતરફ હવે સાગઠીયાની મુશ્કેલીમાં વધારો થશે તેવા અહેવાલો સામે આવ્યા છે પરંતુ ઇડી ફક્ત સાગઠીયા પ્રકરણની નહિ પણ પડદા પાછળ રહી ગેમઝોનને ખુલ્લી છુટ આપનાર રાજકીય આકાઓ અને તેના મળતીયાઓની પણ તપાસ કરશે તેવું નિષ્ણાંતો માની રહ્યા છે ત્યારે કડકડતતી ઠંડીમાં પણ અનેકને પરસેવો છૂટી ગયાંના અહેવાલો પ્રાપ્ત થઇ રહ્યા છે. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ઇડી ફક્ત સાગઠીયા પ્રકરણ જ નહિ પણ જમીનના હેતુફેરમાં આચરવામાં આવતી ગેરરીતી, ફાયર વિભાગની લાલિયાવાડી, ગેરકાયદે પ્લાનને મંજૂરી, ગેરકાયદે બાંધકામોને પીળો પરવાનો, ટીપી સ્કીમમાં ગોટાળો સહીતની બાબતે ઇડી તપાસ કરશે તેવું જાણવા મળી રહ્યું છે.
ઇડી ક્યાં ક્યાં મુદ્દાની કરી શકે છે તપાસ?
* ટીપી સ્કીમોમાં થયેલા ગોટાળા
*ગેરકાયદે બાંધકામોને પીળા પરવાના
* ગેમઝોનને ખુલ્લી છુટ આપનાર આકાઓ
*ફાયર વિભાગની લાલિયાવાડી
* જમીનના હેતુફેરમાં ચાલતી ગેરરીતિઓ
* બાંધકામ પ્લાન અને કમ્પ્લીશનમાં થયેલા કૌભાંડ