પૂજય મોરારીબાપુની પ્રેરક ઉપસ્થિતિ સાથે ગુજરાતના પ્રથમ એ.ડી.શેઠ પત્રકારત્વ ભવનના સુવર્ણ જયંતી મહોત્સવ ઉજવાયો
ફિલ્મ નિદર્શન સાથે વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલ ‘લક્ષ્ય વેધ’ પુસ્તકનું મહાનુભાવોના હસ્તે વિમોચન કરાયું
ગુજરાતના સૌ પ્રથમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એ. ડી. શેઠ પત્રકારત્વ ભવનના 50 વર્ષ પૂર્ણ થતાં સુવર્ણ જયંતિ મહોત્સવની ઉજવણી આજરોજ સૌરાષ્ટ્ર હાઇસ્કુલ ખાતે પૂજ્ય મોરારિબાપુની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.
આ વેળાએ કાર્યક્રમની શરૂઆત મહાનુભાવો હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી. તેમજ પૂજ્ય બાપુને “રામ દરબાર” અને “રામ સીતા” કલાકારી અને પ્રાચીન લીપીથી નિર્મિત સ્મૃતિચિહ્ન અર્પણ કરાયું હતું. આ તકે ભવનના પાયા સમાન ભૂતપૂર્વ વડા યાસીન દલાલની સુવર્ણ કારકિર્દી અને તેમના અમૂલ્ય યોગદાન બદલ તેઓને મોમેન્ટો અને પુસ્તક આપીને સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ ભાવનના વડા ડો.નીતાબેન ઉદાણીએ શાબ્દિક સ્વાગત તથા પૂર્ણાબેન શેઠ અને રાજુલભાઈ દવેએ પ્રાસંગિક ઉદબોધન કર્યુ હતું. ઉલ્લેખનીય છે કે ભવનના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી ડોક્યુમેન્ટરી ફિલ્મનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને “લક્ષ્યવેધ” પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ખાસ અધ્યક્ષ સ્થાને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.ગીરીશભાઈ ભીમાણી, ફૂલછાબના તંત્રી જ્વલંતભાઈ છાયા, ફૂલછાબનાં પૂર્વ તંત્રી કૌશિકભાઈ મહેતા, સંદેશના નિવાસી તંત્રી જયેશભાઈ ઠકરાર, શિરીષ કાશિકર, સુપ્રસિધ્ધ લેખક ભદ્રાયુ વચ્છરાજાની, પત્રકારત્વ ભવનના અધ્યાપકો તુષાર ચંદારાણા, તૃપ્તિબેન વ્યાસ, ડો.જીતેન્દ્રભાઈ રાદડીયા તેમજ ભવનના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, શ્રોતાઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રૂચિર પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું.
જનતાના અવાજને સાંભળી સત્યને ઉજાગર કરો: પૂજય મોરારીબાપુ
આ પ્રસંગે પૂજ્ય મોરારિબાપુએ અમૃતલાલ શેઠની બહુમુખી પ્રતિભાને પ્રણામ કરતા કહ્યું હતું કે, વિદ્યા એને કહેવાય જે અમૃત આપે અને જે અમૃતલાલ શેઠે ગુજરાતી પત્રકારત્વ જગતને જ્ઞાન આપ્યું એમની વિદ્યા કેવી હશે ? પત્રકારત્વ વિષય ઉપર જ્ઞાન આપવા માટે હું સક્ષમ નથી પરંતુ એક વાંચક તરીકે હું મારો અભિપ્રાય જરૂર કહીશ. પત્રકાર જગતની ફરજ બને છે કે તેઓ જનતાનો અવાજ સાંભળે અને સત્યને ઉજાગર કરે.પૂજ્ય બાપુએ સત્યની તાકાત વિશે વાત કરતા વધુમાં ઉમેર્યું હતું કે, જેની વાતમાં તપ હશે તેના શબ્દોમાં તેજ હશે. જ્યાં સત્યનું તપ ચૂકાઈ છે ત્યાં નિર્ભયતા આવી શકે નહિ. સત્યના પહેલા બાળકને અભય કહી શકાય. તેથી જનતાના અવાજને સાંભળીને સત્યને ઉજાગર કરો અને ખૂબ આગળ વધો. તેમજ વ્યવહારુ જીવનમાં ઉમદા માનવી બનવા માટે કોઈને કશું આપો તો વિશ્વાસ રાખીને આપજો અને કોઈ પાસેથી કશું લો તો વિચારીને લેજો.
અમૃતલાલ શેઠએ ગુજરાતી પત્રકારત્વને નવી દિશા આપી: કુંદનભાઇ વ્યાસ
જન્મભૂમિ ગ્રુપના સી.ઈ.ઓ અને તંત્રી કુંદનભાઈ વ્યાસે કહ્યું હતું કે, પત્રકારત્વને જાણવા માટે અમૃતલાલ શેઠને જાણવું જરૂરી છે. જેણે અમૃતલાલને નથી જાણ્યા તેમને પત્રકારત્વને નથી જાણ્યું. અમૃતલાલ શેઠએ ગુજરાતી પત્રકારત્વને નવી દિશા આપી હતી અને વિશ્વસનીયતાના માપદંડો સ્થાપ્યા છે. જનતા ઉપર થતા જુલ્મો સામે કલમની તાકાત વડે અનેરી લડાઈ લડી છે. અખબારના માલિક બનવાને બદલે જનતાના સેવક બનીને ટ્રસ્ટની સ્થાપના કરવાનો વિચાર અમૃતલાલ શેઠ જેવી વિરલ વ્યક્તિ જ કરી શકે. આજે ડિજિટલ યુગનો જમાનો છે પરંતુ મને વિશ્વાસ છે મુદ્રણ માધ્યમનો સૂરજ સદા ઉદય રહેશે. સત્વ અને તત્વ હશે તો પત્રકારત્વ હમેશાં જીવંત રહેશે.