લોકપયોગી કાર્યવાહીની સાથે કડક રીતે કાયદાનું પાલન કરાવતા જયદેવને સમગ્ર જસદણ પંથકમાં આજે પણ લોકો યાદ કરે છે
ફોજદાર જયદેવની સતત સફળ તેજસ્વી અને લોકઉપયોગી કાર્યવાહીને કારણે જસદણ ઉપરાંત આજુબાજુનાં વિસ્તારોમાં પણ તેની છાપ એવી પડી હતી કે તે કોઈની શેહશરમમાં આવ્યા સિવાય પક્ષપાત રહીત પરંતુ આક્રમક અધિકારી તરીકેની થઈ ચૂકી હતી.
તે સમયે જસદણ તાલુકો ખેતી ઉપરાંત તેટલા જ તેને સમાંતર પશુપાલનના વ્યવસાય ઉપર નભતો હતો. પાંચાળ પ્રદેશ હોય જમીન મોળી અને ડુંગરાળ હતી તેથી જ રાજય સરકારનાં શીપ એન્ડ વુલ ડેવલપમેન્ટ કોર્પોરેશને પોતાની ઓફીસો અને ઉનના ગોડાઉનો જસદણમાં બનાવ્યા હતા. ગાયો ભેંસો ઉપરાંત ઉંચી ઓલાદના ઘેટા બકરા પણ આ પહાડી વિસ્તારમાં પુષ્કળ હતા માલધારીઓ ભરવાડ, રબારી જ્ઞાતીની વસ્તી પણ ઘણી હતી. સમગ્ર ભરવાડ જ્ઞાતિનાં ઈષ્ટદેવ ‘કાળીયા ઠાકર’ (ભગવાન શ્રી કૃષ્ણ)નું મંદિર આંબરડી ગામે આવેલું છે જેનું તમામ સંચાલન ભરવાડ જ્ઞાતિ દ્વારાજ થાય છે.
એક દ્રષ્ટીએ ખેતી અને પશુપાલન પૂરક ધંધા છે. તો બીજી દ્રષ્ટીએ એક બીજાના હરીફ પણ છે. કેમકે જે ખેતી કરે છે. (ઘાસ પેદા કરે છે) તે પશુઓ પોતાની પૂરતા જ રાખે છે. અને જમીન તેઓ જ ધારણ કરે છે. જયારે જેઓ પશુપાલન કરે છે. (માલધારી) તેમને ઢોર ઢાંખર (પશુઓ) પુષ્કળ છે. પણ ખેતીની જમીન નથી આથી પશુઓનો નિભાવ ગૌચર, બીડ અને પહાડોની ચરીયાણ જમીન છે.
પરંતુ ઓછો વરસાદ હોય ત્યારે માલધારીઓના પશુઓને ચરીયાણનું ઘાંસ ઓછુ મળતા તે ખેડુતોના ઉભા પાકમા ભેલાણ કરે છે. (ઘૂંસીને મોલાત ચરી જાય છે) આથી ખેડુતો અને માલધારીઓ વચ્ચે ઘર્ષણ થાય અને આ ઘર્ષણ ખૂન ખરાબા સુધી પંહોચે,આ બનાવો આમતો વ્યકિતગત હોવા છતા બે જ્ઞાતીના બની જતા જ્ઞાતિના સંગઠનો,મતોની જ‚રીયાત મુજબ ધંધાદારી રાજકારણીઓ અને અમુક ધંધાદારી વચેટીયાઓ તેના ગેરલાભ લઈ પોતાના સ્વાર્થ સાધતા હોય છે.દર વર્ષે જસદણ તાલુકામાં ઋતુ (સીઝન) પ્રમાણે ભેલાણ અને મારામારીના ગુન્હા ખૂબ પ્રમાણમાં બનતા,ઘણા ભરવાડો જેલમાં જતા તો ઘણા હદપાર થતા સામે પક્ષે ઘણા ખેડુતો હોસ્પિટલાઈઝ થતા અને ઘણા અપંગ થઈ જતા
ત્યારે એક બે ભેલાણના ગુન્હા નોંધાયા એટલે જયદેવે જમાદાર હસુભાઈ સાથે ચર્ચા કરી,હસુભાઈએ કહ્યું ‘સાહેબ આ તાલુકાનો આજ સૌથી વિકટ અને સળગતો પ્રશ્ર્ન છે. આ ગુન્હા ખાસ તો જયારે મોલાત (તૈયાર પાક) લેવાની સીઝન એટલે કે ભાદરવા અને આસો માસ દરમ્યાન બહુ જ નોંધાય છે. તેથી ઘણી વખત મોટા વર્ગ વિગ્રહ બહિષ્કાર અને પોલીસ ફાયરીંગ સુધીના બનાવો બને છે. જેથી આની કાંઈક આગોતરી વ્યવસ્થા કરવાનો વિચાર કરવો જોઈએ.
જયદેવે વિચાર કરીને ખેડુત સેવા સહકારી મંડળીના પ્રમુખ વેલાભાઈ છાયાણીને ‚બ‚ બોલાવ્યા પ્રમુખ ઓછુ ભણેલા પરંતુ સારી કોઠા સુજ વાળા અને સરળ સ્વભાવના હતા. તેમને જયદેવે આ પ્રશ્ર્ન અંગે પૂછયું એટલે તેમણે સરળતાથી જ ઉપાય બતાવ્યો કે ‘જો માલધારીઓ ખેડુતને પુછીને વાડી ખેતરમાં ભેલાણ માટે ઘેટા બકરા છૂટા મૂકે તેથી જો મોલાત લણાઈ ગઈ હોય તો ખેડુતને નુકશાન થાય નહિ. અને પશુઓ ફકત ઘાંસ ખાય તો કોઈ પ્રશ્ર્ન રહે નહિ.
તેજ રીતે જયદેવે માલધારી આગેવાનો ને બોલાવી આ બાબતે વાતચીત કરી. માલધારીઓ ભોળા ખરા પણ આક્રમક પુરા,ડાંગથી જ વાત કરે વળી પાછા પાકા પણ ખરા! પરંતુ પોલીસની કાર્યવાહીથી રાંક, તેથી જેલમાં જવાનું કેસ કબાડા, હદપારી વિગેરેથી ખૂબ ડરે, જેથી જયદેવે આ માલધારી આગેવાનોને ખોટા કેસ કબાડા હદપારી વિગેરે ન થાય તે માટે ખેડુતોનું સજેશન માલધારી આગેવાનોને વાડી ખેતર ખેડુતને પૂછીને ભેળવવાવાળુ આપ્યુ.
આથી તેઓ પણ સહમત થઈ ગયા અને બોલ્યા ‘સાચી વાત છે કોઈની બાર મહિનાની કમાણી એમ થોડી ધૂળઈ ધાણી કરી નખાય?’ અને જસદણના ગામડે ગામડે આ ‘લાકડીયો તાર’ પહોચી ગયો અને ગામે ગામ સુલેહ સંપ થયો તે વર્ષે ભેલાણ અને મારામારીના ઓછામાં ઓછા ગુન્હા નોંધાયા. જોકે ધંધાદારી વચેટીયાઓ માટે તે વર્ષ દુષ્કાળનું જાહેર થયું!
આમ સમાજમાં ઘણી વખત માર કરતા મારનો ભય લોકોને વધુ સતાવતો હોય છે. ખાસ કરીને ગુન્હો કરનારને! જયદેવે માલધારીઓ અને ખેડુતો વચ્ચેના પ્રશ્ર્નનું તો નિરાકરણ કર્યું પરંતુ જસદણ તાલુકામાં સરકારી ‘ઉમટવીડી’ તરીકે ઓળખાતુ અને દસેક ગામોની સીમને આવરી લેતુ પાંચાળ પ્રદેશનું એક માત્ર રીઝર્વ ફોરેસ્ટ જંગલ હતુ તેમાં માલધારીઓ અને જંગલખાતાનાં કર્મચારીઓ, અધિકારીઓ વચ્ચે કયા મુદે સમજુતી થઈ શકે? કેમકે તે તો આરક્ષીત જંગલ છે. તેમાં કોઈ બાંધછોડ થઈ શકે જ નહિ ફોરેસ્ટ એકટ મુજબ કાર્યવાહી થાય છે.
આ ઉમટવીડીમાં હીંગોળગઢ પાસે જંગલમાં વન્ય પ્રાકૃતિક કેન્દ્ર ફોરેસ્ટ ખાતા દ્વારા તૈયાર કરવામાં આવેલ છે. ત્યાંગેસ્ટહાઉસ વિવિધ પ્રકારનાં પક્ષીઓ પ્રાણીઓ અને સર્પો સરીસુપોનું કુદરતી નિર્દેશન કરાય છે.
આ ઉમટવીડી તાલુકાના દસ ગામો કડુકા, બીલેશ્ર્વર, ખડકાણા, અમરાપર, હિંગોળગઢ, કુલસર, કાળાસર, સોમ પીપળીયા અને ઘેલા સોમનાથના વિસ્તારોને આવરી લેતુ વિશાળ પાનખર જંગલ હતુ જેમાં હરણ, નીલગાય, વ‚, શીયાળ, વિવિધ પ્રકારના પક્ષીઓ અને સરિસૃપોની ભરમાર હતી ખાસ તો ઘાંસના વિશાળ મેદાનો અને પહાડો હતા.
તેમાં ઘેલા સોમનાથ અને બીલેશ્ર્વર મહાદેવના તિર્થસ્થાનો છે. ખડકાણાગામ ગઢવીઓનાતો હીંગોળગઢ કાઠી રાજવીઓનું ઐતિહાસીક સ્થળો છે.તે સમયે બામણબોર વાળા સ્વામી સંપૂર્ણાનંદજી હીંગોળગઢમાં વર્ષમાં એક બે વખત એકાંત અને મૌન સાધના માટે મુકામ કરતા. જયારે કડુકા ભરવાડોના સુરધન ખેતલીયા આપાનું પ્રખ્યાત સ્થળ છે. જયાં હજુ પણ જયારે મઢની મુલાકાત લો તો દર વખતે જુદી જુદી લંબાઈના જીવંત ખેતલાદાદાના નાગદેવના દર્શન થાય છે.
ચોમાસામાં અને શિયાળામાં આ ઉમટ વીડીમાં ભરવાડો અને માલધારીઓ ઢોર ઢાંખર (પશુઓ) સાથે ગામતળ ગૌચર મૂકીને જંગલ ખાતાના રીઝર્વ ફોરેસ્ટમાં બોર્ડર લાઈન ક્રોસ કરવાના નાના મોટા છમકલા ચાલ્યા જ કરતા હોય છે. પરંતુ કયારેક તેનું મોટુ અને વરવું સ્વ‚પ થઈ જાય તો મારામારી અને સરકારી ફરજ માં ‚કાવટ અને ભેલાણની ફરિયાદો પણ પોલીસમાં આવતી હોય છે.
અગાઉ જણાવ્યું તેમ આ પ્રશ્ર્નનું કોઈ નિરાકરણ ન હતુ. સિવાયકે માલધારીઓ પેશકદમી ન કરે. પરંતુ જયદેવે મનોમન તેનો ઉપાય શોધ્યો કે ભય વગર પ્રિતિ નહિ આથી આ લોકો ભયથી જેટલો કાયદો પાળે અને મર્યાદામાં રહે તેવો ઉપાય શોધ્યો.
તેણે નકકી કર્યુ કે અઠવાડીયે એક વખત આ ઉમરવીડીના અસરગ્રસ્ત ગામો જેવા કે ફુલઝર, કાળાસર, કડુકા વિગેરે ગામની વિજીટ રાત્રીનાં વાળુ પાણીના સમયે કરવી જયદેવ હસુભાઈ જમાદારને લઈ જઈને ગામની ગ્રામ પંચાયતમાં મીટીંગ ગોઠવતો માલધારી આગેવાનો ગામના અગ્રણીઓ સાથે મીટીંગ કરતો અને સાથે ખાનગી બારબોર બંદૂક અને બારબોર બંદૂકના કાર્ટીસ જે લાલ વાદળી અને મોટી મોટી સાઈઝના આવે છે.
તેનો હરડો હસુભાઈના ખંભે ભરાવી દેખાવ કરતો. તમામને સાથે ગ્રામ પંચાયત કે ગામના ચોરે બેસી વાતો ચીતો કરી નવા નવા કાયદા કેવા કડક છે. તેની પણ ચર્ચા કરતો. જયદેવને ખબર હતી કે ‘શેઠની શીખામણ ઝાંપા સુધી હોય’ પરંતુ થોડી માનસીક અસર રહેતા એકદમ આક્રમક મારામારી ઉપર તો ન આવે.
જયારે મીટીંગ પુરી થાય એટલે ગામથી રવાના થતા તે ગામના પાદરમાં અમથા અમથા જ ટેસ્ટ ફાયરીંગ બારબોર બંદૂકમાંથી કરતો જયદેવ એવા આશયથી આવું કરતો કે, ‘બાફે ઢોકળા પાકે તેટલા પકવવાના’ એટલે જેટલી માનસીક અસરમાં આ બધું તાજુ રહે તો સામાન્ય રીતે તમામમાં મર્યાદા જળવાય રહે.આથી જ જયદેવના જસદણ પોલીસ સ્ટેશનના ફરજ કાળ દરમ્યાન ખાસ કોઈ ગંભીર બનાવો બન્યા નહિ.
પરંતુ જયદેવ જયારે જસદણથી બદલી થઈ સુરેન્દ્રનગર જીલ્લામાં ચાલ્યા ગયા બાદ થોડા દિવસો માંજ ફુલઝર ગામની સીમમાં ઉમટવીડીમાં જંગલમાં વીડીનાભેલાણ ના પ્રશ્ર્ને જબ્બરદસ્ત ધીંગાણું ખેલાયું જેમાં બે માલધારી બે પોલીસ કોન્સ્ટેબલો અને એક ફોરેસ્ટ ઓફીસર આ ધીંગાણામાં કામ આવી ગયા અને અનેક ઘાયલ થયા!
પોલીસ અધિકારીઓ હજુ ઉમટ વીડીના ધીંગાણાની કાર્યવાહીમાં હતા ત્યાંજ બે ત્રણ દિવસમાં આટકોટ બસ સ્ટેન્ડમાં રાજકોટ-ભાવનગર હાઈવે ઉપર મોટાદડવાની ગેંગે ખાનગી લકઝરીબસ લઈને આવીને ઉંટવડના પીંજારા ગેંગના લીડર ટીણા બોદુ ઉપર બંદૂકથી ફાયરીંગ કરી પાડી દઈ તલવારોથી ઈજા કરી તેની ઉપર બે ત્રણ વખત લકઝરી બસ ફેરવી સરા જાહેર ઘણા માણસોની હાજરીમાં ફીલ્મી ઢબે ખૂન કરી બસ લઈ હવામાં બંદૂકના ભડાકા કરતા કરતા ચાલ્યા ગયા!
આ બનાવના બીજા જ બે દિવસમાં જસદણ વિંછીયા રોડ ઉપર જસદણના સ્ટેશન માસ્તરે પ્રેમ પ્રકરણમાં એક યુવાનનું ખૂન કરી નાખ્યું!
આમ કડકાઈનો ભય ગયો એટલે જેમ દબાણમાંથી સ્પ્રીંગ ઉછળે તેમ એક સાથે તમામ ગુનેગારોએ કામ ઉતારી લીધા!
ખરેખર ‘ભય વગર પ્રિતિ નહિં (કાયદા પ્રત્યેતો નહિ જ!) સમગ્ર જસદણ તાલૂકા અને જિલ્લા ભરમાં પણ હાહાકાર થઈ ગયો. પોલીસ બેડામાં પણ સન્નાટો હતો જનતા જયદેવને યાદ કરતી હતી આ અફડાતફડી ચાલુ હતી ત્યાંજ ગોંડલ શહેરમાં ગોંડલ તાલુકા ફોજદારનું ભરબજારે ખૂન થયું અને આ કેસ હાઈપ્રોપાઈલ હોઈ જસદણની ઘટનાઓ ભુલાઈ ગઈ!
એક રીતે જોઈએ તો ભય વગર પ્રિતી (કાયદાપ્રત્યે)તો નહિ જ.