રંગમાં સરખા હોઈ કોયલ કાગડાની પરખ વસંત ઋુતુમાં જ થાય, તેમ અધિકારી કે વ્યક્તિની ઓળખ મુશ્કેલીના સમયે જ થાય

સુરેન્દ્રનગર જીલ્લાના મુળી પોલીસ સ્ટેશન ખાતે ફોજદાર જયદેવ વિચિત્ર પ્રકારની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અને પીંઢારા યુગની યાદ અપાવે તેવા રાજકારણ સાથે સંઘર્ષ કરી પરિસ્થિતિ સામાન્ય કરવા પ્રયત્ન કરી રહ્યો હતો. ત્યાંજ તેણે અગાઉ નોકરી કરેલ તે રાજકોટ જીલ્લાનાં જસદણ પોલીસ સ્ટેશન વિસ્તારની ચાર ખાતાકીય તપાસોના આરોપ નામા જયદેવને બજયા.

જસદણ ખાતે જયદેવે જાહેરહીતમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે જે તટસ્થ રીતે કડક કાર્યવાહી કરેલ હતી તેનાથી અસામાજીક તત્વો તો ઠીક પરંતુ રાજકારણીની ખાલ પહેરેલા હાર્ડકોર ગુનેગારો જેમનો ઈતિહાસ આઝાદી પહેલાના બહારવટીયાઓનાં સાગરીત હોવા સુધીનો હતો. અને હાલમાં રાજકારણની ખાલ ઢાલ રૂપે પહેરી નિદોર્ષ, અભણ અને અજ્ઞાન જનતાને પરોક્ષ રીતે લૂંટવાનું ખંખેરવાનું, અને રંજાડવાનું કામ કરતા હતા તેમને તો ઠેકાણે પાડી દીધેલા પરંતુ આવા ખાલ ધારીઓ ના ટેકા અને હાથ પગ જેવા ગુનેગારોને પણ પકડી પકડી સીધા કરી ઉદાહરણ રૂપ કાયદાની અદાલતમાં ઉભા કરી દીધા હતા. આથી મનના નબળા અને ચીલાચાલુ સીપીઆઈ ઠાકુર જેવા પોલીસ અધિકારીઓની મહેફીલો અને મુજરા પણ બંધ થઈ ગયેલા અને જયાં સુધી જસદણમાં જયદેવ રહ્યો ત્યાં સુધી આ ‘આસુરી માયાજાળ’ બંધ રહેલ હતી.

તેમાં ખાસ જસદણના સીપીઆઈ ઠાકુર અને આટકોટના પૂર્વ જમાદાર અભયસિંહ આ કારણથી જયદેવથી ખાસ નારાજ હતા આ લોકોનું આ જસદણ વિસ્તારની ગુનેગાર ગેંગો મોટા દડવાની ગેંગ જંગવડ અને ઉટવડની ગેંગોના આકાઓ સાથે સૂર્યાસ્ત પછીનું સંકલન અને મિલન અગાઉ થતુ તે જયાં સુધી જયદેવ જસદણ પોલીસ સ્ટેશનમાં રહ્યો ત્યાં સુધી બંધ રહેલુ પરંતુ જયદેવની ત્યાંથી બદલી થયાના સાત આઠ દિવસમાં જ જસદણ વિસ્તારમાં ખૂન ખરાબામાં પાંચેક લાશો પડી ગઈ. મોટાદડવાની ગેંગે ઉંડવડનાં આકા ટીણા બોદુને સરેઆમ આટકોટ બસ સ્ટેન્ડ ઉપર માર્યો અને આમ ગેંગો સક્રિય થતા જ ઠાકુર અને અભયસિંહના પણ ભાવ બોલાયા અને મહેફીલો તથા મૂજરા પણ ચાલુ થયા!

જોકે જયદેવ જસદણ હતો ત્યારે ઠાકુરના જે ભવાડા થયેલ જેમાં એક વાર લોકોએ તેને વાઘરીના કુબામાંથી લૂંગીભેર પીધેલ હાલતમાં અને ચારિત્ર્યહિન ગુન્હો હોવા છતાં જયદેવે ‘આંખ આડા કાન’ કરવા પડેલા તથા પ્રકરણ ૪૦ના ‘શરમજનક’માં જણાવ્યા પ્રમાણે ભાડલા પોલીસ સ્ટેશનનાં તોડ પ્રકરણ કે વિંછીયાના ગામડામાંની મહેફીલમાં ડખો થતા વિંછીયા ફોજદાર સહિત ઠાકુરને લુંગીભેર નાસવું પડેલું અને સરકારી જીપ ત્યાં ગામડામાં જ પડી રહેલ તે જીપ પણ જયદેવ જ વિંછીયા પોલીસ સ્ટેશનનાં ગામડામાંથી સહી સલામત પાછી લઈ આવ્યો હતો. આમ ખાતા અભિમાન તથા જનતામાં પોલીસની ઈમેજ ખરાબ ન થાય તે માટે મિત્ર અધિકારી રાણાના આગ્રહને કારણે આ ઠાકુર વિરૂધ્ધ ઘણી અરજીઓ અને રજુઆતો ઉચ્ચ લેવલે પણ થયેલ તેમાં ઉચ્ચ અધિકારીઓ પણ ઠાકુરની વિરૂધ્ધમાં હોવા છતાં જયદેવે ઠાકુરને બચાવેલા.

પરંતુ ઠાકુરે પેલા ઐતિહાસીક ઉદાહરણ કે જેમાં દિલ્હી પતિ પૃથ્વીરાજ ચૌહાણે કાબુલનાં શાહબુદીન ધોરીને સત્તરવખત યુધ્ધમાં હરાવીને કેદ પકડીને પણ ઉદારતા રાખી વિરતા પૂર્વક તેને જીવતો જવા દીધેલો. પરંતુ એક જ વખત પૃથ્વીરાજ ચૌહાણ યુધ્ધ હારી જતા શાહબુદીન ધોરીએ તેને કેદ પકડી તેની આંખો ફોડી નાંખેલ હતી. તે ન્યાયે જયદેવે ઠાકુરને અનેક વખત ગુનેગાર અને કસુરવાન હોવા છતા બચાવેલ હતા. પરંતુ ઠાકુરે બચાવવાની તો વાત એક બાજુ રહી, ગુનેગારો અને માફીયાઓ ને જ ઉશ્કેરીને અરજીઓ કરાવીને જયદેવની બદલી થયા બાદ તેની ગેરહાજરીમાં કાયરની જેમ પાછળથી દ્વેષ પૂર્વક ઈન્કવાયરીઓ કરી કે જેમાં જયદેવ કાયદા, નિયમો અને કાગળ ઉપરની વહીવટી દ્રષ્ટીએ નિદોર્ષ હોવા છતાં મહેફીલ અને મુજરા પાર્ટીના વળતર રૂપે માફીયાઓને ખુશ કરવા સાક્ષીઓ નિવેદનો લખાવવા માગતા જ ન હોવા છતા તેમને ગેર માર્ગે દોરી ખોટુ બોલી કે હવે તો પ્રકરણ ફાઈલ કરવાનું છે. તેમ કહી અંધારામાં રાખી ખોટા નિવેદનો લખી લઈ જયદેવ વિ‚ધ્ધની મારમારવા બાબતેની ચાર ઈન્કવાયરીઓમાં જવાબદાર ઠેરવી ખાતાકીય તપાસના ચાર્જ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાને મોકલી આપ્યા.

આમ પોલીસ ખાતામાં પણ નબળા અધિકારીઓની માનસીકતા પાકિસ્તાન જેવી હલકટ અને પીઠ પાછળ કાળા કરતુતો કરવાની સજજન અને સારા પરંતુ બે નંબરી પ્રવૃત્તિમાં આડખીલી રૂપ પણ તટસ્થ અને ન્યાયીક કાર્યવાહી કરતા હિન્દુસ્તાન જેવી ભૂમિકા ભજવતા અધિકારીએ આવા નબળાઓને મદદરૂપ થયા હોવા છતાં સજજન અધિકારીની ગેરહાજરીમાં ગુનેગારો અને તેવા માણસોની મદદ લઈ સજજન અધિકારીઓને નુકશાન પહોચાડવાનું જ કામ કરતા હોવાનું અનુભવે જણાયું છે. આ સજજનતા અને દુર્જનતાની ઓળખ માટેના એક પ્રખ્યાત સંસ્કૃત શ્વલોક છે.

ક કાક: ક પીક: ક પીક: કકા ક:

વસંતે પ્રાપ્તી કાક: કાક: પીક: પીક: ॥

એટલેકે રંગમાં સરખા હોવાથી સામાન્ય સંજોગોમાં કયો કાગડો અને કઈ કોયલ તેજાણી શકાતુ નથી પરંતુ સમય આવ્યે (વસંત ઋતુ કેરીની) ખબર પડે છે કે કયો કાગડો છે અને કઈ કોયલ છે (તેના અવાજ ઉપરથી)

આમ પોલીસ દળમાં પણ જેમ સમાજમાં છે તેમ, કટોકટી કસોટીના સમયે. અધિકારી સજજન છે કે દુર્જન છે. તેનો સાચો ખ્યાલ આવે છે. વળી પોલીસ ખાતામાં તો આવા પ્રસંગો વારંવાર આવતા જ હોય છે.

આ ખાતાકીય તપાસનું આરોપનામું જયદેવ માટે આઘાત જનક તો હતુ જ પણ તેની કાર્યવાહીથી પણ જયદેવ સાવ અજાણતો હતો. આ ખાતાકીય તપાસ એટલે જેમ કોઈ ગુન્હાની ફરિયાદ થાય અને તપાસ થાય તેમ સરકારી ખાતાઓમાં પણ કોઈ કર્મચારી વિરૂધ્ધ રજુઆત થાય એટલે તેની ઈન્કવાયરી થાય તેમાં પણ નિવેદનો લખાય. આઈઓ બંનેમાં હોય છે. પરંતુ ગુન્હામાં આઈ.ઓનો અર્થ ઈન્વેસ્ટીગેશન ઓફીસર હોય છે અને ખાતાકિય તપાસમાં તેનો ર્અ ઈન્કવાયરી ઓફિસર હોય છે. ગુન્હામાં જેમ ટ્રાયલ ચાલે છે. તેમ ખાતાકીય તપાસમાં પણ જજની જગ્યા એ પ્રિસાઈડીંગ અધિકારી હોય છે. ગુન્હામાં જેમ બચાવ કરવા માટે વકીલ રાખવા પડે છે તેમ ખાતાકિય તપાસમાં બચાવના મિત્ર રાખવા પડે છે.

આ પ્રક્રિયા અર્ધન્યાયીક કહેવાય છે તેની પણ સુનાવણી થાય છે. સર તપાસ અને ઉલટ તપાસ થાય છે. અને દલીલ (આરગ્યુમેન્ટ)ના સ્થાને આખરી બચાવ નિવેદન રજૂ કરવાનું હોય છે. અને આ આખી પ્રક્રિયાને અંતે પ્રિસાઈડીંગ અધિકારી ખાતાકીય તપાસમાં કસુરદારને દોષીત, આંશિક દોષીત કે નિદોર્ષ જાહેર કરે છે.

ઠાકુર ભલે પાકિસ્તાનની ભૂમિકા પ્રમાણે જયદેવની પીઠ પાછળ ખોટો ઘા કર્યો પરંતુ સમાજમાં તેમ પોલીસ ખાતામાં પણ ‘બહુરત્ના વસુંધરા’ પ્રમાણે સજજન અધિકારીઓ પણ હોય છે. તે સમયે રાજકોટ જિલ્લાનાં હરીજનસેલનાં પોલીસ ઈન્સ્પેકટર તરીકે દક્ષીણ ગુજરાતનાં મુળ વતની એવા એમ.એસ. કારા ફરજ બજાવતા હતા તે પાકકા નમાઝી અને પાક ઈન્સાન હતા અને જસદણની ચાલતી ગતિવિધિથી પૂરા વાકેફ હતા. તેઓ પણ ખાતા અભિમાની અને ન્યાયીક અધિકારી હતા. જયારે રાજયમાં પહેલુ પોલીસ યુનિયન પોલીસ કર્મચારીઓના કલ્યાણ માટે બન્યું તેમાં પણ તેઓ પાયાના અગ્રણી હતા. પરંતુ જેમ જેમ પોલીસ યુનિયન કાર્યાન્વીત થયું અને વેલ્ફેર (કલ્યાણ)ને બદલે યુનિયનના નેતાઓ વ્યકિતગત મહત્વાકાંક્ષા અને અશિસ્ત તરફ વળતા જે સજજન અધિકારીઓ હતા તે પછીથી યુનિયનમાં નિષ્ક્રીય થતા ગયેલા તે પૈકીના એક શ્રી કારા હતા. છતા તેમના હૈયે પોલીસનું કલ્યાણ તો હતુ જ તેથી તેમણે જયદેવને સામેથી મિત્ર તરીકેની મદદની ઓફર કરી અને નિ:સ્વાર્થ ભાવે હિન્દુસ્તાનની ભૂમિકામાં આવી ખાતાકીય તપાસના કાગળો જોઈ એક કે બે જ મુદતમાં તમામ ખાતાકીય તપાસોની સુનાવણીતો પતાવી દીધી પરંતુ જયદેવને પણ ઈન્કવાયરી અને ખાતાકીય તપાસ અંગેનું પૂરેપૂરૂ ગૂરૂજ્ઞાન પણ શીખવાડી દીધું.

આ ખાતાકીય તપાસનું જ્ઞાન જયદેવ તેની સ્વતંત્ર મીજાજી અને બહુજનહીતાય બહુજન સુખાય કામગીરી તથા પોલીસ તંત્રમાં આવા અધિકારીઓ કર્મચારીઓને મદદ કરી ખાતાનું મોરલ (નીતિમતા) ઉંચી કરે તે માટે ઉપયોગી થનાર હતુ. જ પરંતુ તેના પોતાના માટે ભવિષ્યે ઉભા થનાર અનેક પ્રશ્નો અને વિડંબનાઓ સામે લડવા માટે એક અમોધ શસ્ત્ર રૂપે પણ મદદરૂપ થવાનું હતુ. જેથી જયદેવ તેના ‘કર્મયજ્ઞ’માં સ્વમાનભેર માથુ ઉંચુ રાખીને આગળ વધવાનો હતો.

જેમ ઘણી વખત દુ:ખ કે તકલીફમાં પણ કાંઈક સા‚ જ થવાનું હોય છે. તેમ જયદેવને આ એકી સાથે ચાર ખાતાકીય તપાસો રૂપ મુશ્કેલીએ તેને નિર્ભય, સ્વતંત્ર અને વધુ મજબુત બનાવીને પોલીસ ખાતામાં ઉભો કરી દીધો.

જયદેવ વિરૂધ્ધની ચારેય ખાતાકીય તપાસો તદન નાસાબીત થતા નિદોર્ષતો જાહેર થયો પણ તેના જ્ઞાનરૂપ હથીયારોના ભાથામાં આખાતાકીય તપાસ અને ઈન્કવાયરીના જ્ઞાન રૂપે એક વધુ શસ્ત્ર ઉમેરાયું.

આ ખાતાકીય તપાસની સુનાવણી સમયે ત્યાં જસદણનાં ફોજદાર સુરૂભા મળ્યા અને સુરૂભાએ જયદેવની તેની જસદણના કાર્યકાળ દરમ્યાનની કામગીરી તથા લોકચાહનાના ખૂબ વખાણ કર્યા. તેમણે જયદેવને કહ્યું કે તમારી હિંમત, જ્ઞાન અને લોકપ્રિયતા ખરેખર અતિઉતમ છે. પરંતુ તમે પ્રેકટીકલ એટલે કે બાંધછોડ કરવાની નીતિ વાળા છો એટલે હેરાન થાવ છો. ઠાકુર ઠાકુરના ભાર થી જ ભાગી ગયેલા હતા તમે જ બચાવેલા.

જો તમે બાંધછોડની નીતિ ના રાખો તો તમા‚ નામ ખાતામાં અને ઈતિહાસમાં અમર થઈ જાય. જયદેવે કહ્યું મને કોઈ પ્રસિધ્ધિમાં રસ નથી બસ સજજન લોકો ચાહે ખૂશ રહે તે મારે માટે પુરતુ છે.

વધુમાં જયદેવે કહ્યું કે સમાજ અને તેનો વ્યવહાર ઘણો વિશાળ અને વૈવિધ્ય પૂર્ણ છે. વ્યવહારમાં અમુક સમયે અનેક પરિબળો અને સંબંધો તથા સંપર્કો પણ આવા નિર્ણય વખતે સામાજીક રીતે લક્ષમાં રાખવા પડે છે. તે ન્યાયે બાંધછોડ કરી હોય પરંતુ તેમાં કોઈ અંગત સ્વાર્થ કે રાગદ્વેષ નહિ હોય તે પગલુ આવા સંજોગોમાં લેવાયું હતુ. પણ ઠાકુર જેવા અનુભવી અધિકારી પણ જીંદગીના પાછળના ભાગે આવી હલકટ અને નીચકોટીના અને સમાજને નુકશાન રૂપ બને તેનો તો કોઈ ખાસ માપદંડ નથી હોતો?

સીપીઆઈ ઠાકુર તથા તેમની ટોળકીને જયદેવની જસદણથી બદલી થયા બાદ ખૂબજ જલ્સો થઈ ગયો હતા. તેમના મુજરા અને મહેફીલો અગાઉ મુજબ જ ફરીથી ચાલુ થઈ ગયા હતા. પરંતુ જસદણમાં ટુંકા સમયમાં જ ચારેક ફોજદારો બદલાઈને આવ્યા અને ગયા જસદણમાં ચાલ્યા નહિ કે જસદણની જનતાને ફાવ્યા નહિ. પછી પાંચમાં ફોજદાર સુરૂભા બદલાઈને જસદણ આવેલા.

સુ‚ભા નિષ્ઠાવાન તો ખરા જ પરંતુ જરા સરખી પણ બાંધછોડ કરવાની નહિ તેવી મનોવૃત્તિ વાળા હતા આથી ફરીથી ઠાકુરના મુઝરા મહેફીલો તો બંધ થઈ પરંતુ સુરૂભાની આ બાંધછોડની નીતિ નહિ તેનાથી ગભરાઈ ગયા અને ઠાકુરને હવે જયદેવ યાદ આવવા લાગ્યો અને જાહેરમાં પણ બોલવા લાગેલા કે જયદેવ ખાનદાન અધિકારી હતો. આ વખતે અભયસિંહે ભુલ ખવરાવી દીધી!

ઠાકુરના આ વખાણ કરવામાં પણ તેની સ્વાર્થીવૃત્તિ જ હતી કેમકે ત્રણ ચાર વખત ઠાકુરનું પડીકુ વળી જાય તેમ હતુ પરંતુ જયદેવના અધિકારી મિત્રોએ ખાસ આગ્રહ કરીને અને ખાતા અભિમાન ને કારણે બચાવેલા હતા. અન્યથા જયદેવને તો મનમાં ઠાકુરની વર્તુણુંક અને પ્રવૃત્તિ અંગે ભારોભાર નફરત જ હતી.

કુતરાની પૂંછડી જમીનમાં દાટો તોય વાંકીને વાંકી તે પ્રમાણે જયદેવે ઠાકુરને આટલો વખત બચાવેલા પરંતુ તેમનામાં સુધારો થયેલ નહિ અને જયદેવની બદલી થયા બાદ પણ પોતાના મુઝરા મહેફીલો જારી રાખી હતી.

તેવામાં ફોજદાર તરીકે સુ‚ભા જસદણ આવ્યા અને જસદણનાં ગોખલાણા ગામની એક વિધવા ડોસી અને તેના પુત્ર વિ‚ધ્ધ તેમની પત્ની કે જે કુંકાવાવ ખાતે આ પતિ અને સાસુનાં ત્રાસને કારણે ચાલી ગયેલ તેણે રાજકોટ પોલીસ વડાને અરજી કરીકે તેનો પતિ અને સાસુ ગૃહ અત્યાચાર કરી મારમારે છે. અને જબરદસ્તી દેહવ્યાપાર પ્રવૃત્તિ કરાવે છે. આ અરજીની તપાસ સુ‚ભા પાસે આવી સુરૂભા તો સીધી લાઈને ચાલવા વાળા અધિકારી હતા. સૂરૂભાએ કુંકાવાવ આવી અરજદાર સ્ત્રિનું નિવેદન લીધું સામાન્ય સંજોગોમાં આવી અરજીમાં પોલીસ ગૃહ અત્યાચાર અને પરાણે વેશ્યા વૃત્તિમાં ધકેલવાનો ગુન્હો નોંધી ગોખલાણાના રહીશ અરજદારના પતિ અને સાસૂની ધરપકડ કરી તપાસ પૂરી કરે, પણ આ તો ફોજદાર સુરૂભા ! તેમણે અરજદારની ઉંડાણથી પૂછપરછ કરી કે આ નવ યુવાન સ્ત્રીને કોણ કોણ મોટા માથા પાસે તેની સાસુ તથા પતિએ ધરી દીધેલ તેમ પુછતા આશ્ચર્યજનક રીતે આ સ્ત્રીએ જસદણ સીપીઆઈ ઠાકુરનું નામ પણ આપતા સૂરૂભા એ ઠાકુરનો હુલીયો (વર્ણન) પૂછયો તો હુબહુ રંગ શરીર તાલ બોલવાની સ્ટાઈલથી લઈ સંપૂર્ણ ઓળખ આપી અને જણાવ્યું કે આ કાંઈ એક વખતની વાત નહતી.

પત્યુ સુરૂભાએ આ અરજદાર સ્ત્રીના નિવેદનમાં આ સંપૂર્ણ હકિકત લખી લીધી કે હવે ‘ન રહે બાંસ ન બજે બાંસુરી’ આ નિવેદનની નકલ સાથે ફોજદાર સુ‚ભાએ ઠાકુરની આવી હલકટ અને નૈતિક અધ:પતનની પ્રવૃત્તિ અંગે વિગતવારનો રીપોર્ટ કર્યો. પ્રથમ તાત્કાલીક તો પોલીસ વડાએ ઠાકૂરને બદલીને કંટ્રો રૂમમાં મૂકયા અને રાજયના પોલીસ વડાને રીપોર્ટ કરેલો. તેનો ટુંક સમયમાંજ હુકમ આવી ગયો કે ‘ઠાકુર કંપલસરી રીટાયર ફ્રોમ ધ ડીપાર્ટમેન્ટ’ બુરે કામ કા બૂરા નતિજા!

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.