કોરોનાના સૌથી વધુ કેસ જાન્યુઆરી મધ્યથી લઈને ફેબ્રુઆરીના બીજા સપ્તાહ સુધી દેખાશે, માર્ચમાં કેસમાં ઘટાડો થવાની શરૂઆત થઈ જશે
અબતક, નવી દિલ્હી
કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોને આખા વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. ઓમિક્રોનને લીધે હવે ભારતમાં ત્રીજી લહેરનું આગમન થઈ ચૂક્યું છે. નિષ્ણાતોએ એકાધિક અભ્યાસમાં એવું જણાવ્યું છે કે જાન્યુઆરીમાં ત્રીજી વેવ પીક પર રહેવાની શક્યતા છે. એટલે કે ચાલુ માસમાં એક દિવસમાં સૌથી વધુ કેસ સામે આવી શકે છે. ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ સાયન્સ અને ઇન્ડિયન સ્ટેટેસ્ટિકલ ઇન્સ્ટિટયૂટ બેંગલુરુ અનુસાર જાન્યુઆરીના અંતિમ સપ્તાહ સુધીમાં દરરોજ 10 લાખ કેસ આવશે.
એક્સપર્ટના કહેવા મુજબ આ અનુમાન ઓમિક્રોનના સંક્રમણને ધ્યાનમાં રાખીને લગાવવામાં આવ્યું છે. સ્ટડીમાં કહેવામાં આવ્યું છે જે જાન્યુઆરીના છેલ્લા સપ્તાહમાં કોરોનાના સૌથી વધુ કેસ આવશે અને તેની અસર ફેબ્રુઆરીમાં દેખાશે. જોકે, તેમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે અલગ-અલગ રાજ્યોની અલગ-અલગ પીક હશે. કોરોનાના સૌથી વધુ કેસ જાન્યુઆરી મધ્યથી લઈને ફેબ્રુઆરીના બીજા સપ્તાહ સુધી દેખાશે. સાથે જ માર્ચમાં કોરોનાના કેસ ઘટવાનું શરુ થશે.
સ્ટડીના મોડેલ મુજબ દિલ્હીમાં પીક જાન્યુઆરી મધ્ય અથવા ત્રીજા સપ્તાહ સુધી હોઈ શકે છે. તમિલનાડુ માટે આ જાન્યુઆરીના અંતિમ સપ્તાહ અથવા ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં થશે. આ અનુમાન પાછલા સંક્રમણ અને રસીકરણને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. મોડેલ મુજબ 30%, 60% અથવા 100% વસ્તી અતિસંવેદનશીલ છે. વાયરસ પ્રત્યે સંવેદનશીલ લોકોની ટકાવારીના આધારે, ભારતમાં દૈનિક કેસ પીક દરમ્યાન લગભગ 3 લાખ, 6 લાખ અથવા 10 લાખ હોઈ શકે છે.
ગુજરાતમાં કોરોનાનો ગ્રાફ બીજા રાજ્ય કરતા રાહતજનક, હવે 15 દિવસ સાવચેતી અતિ જરૂરી
ગુજરાતમાં કોરોનાનો ગ્રાફ બીજા રાજ્યો કરતા રાહતજનક છે. જેમાં કેસોની વિગતો જોઈએ તો ગત તા.1ના રોજ 1069 કેસ, તા.2ના રોજ 968 કેસ, તા.3ના રોજ 1259 કેસ, તા.4ના રોજ 2265 કેસ, તા.5ના રોજ 3350 કેસ, તા.6ના રોજ 4213 કેસ, તા.7ના રોજ 5396 કેસ, તા.8ના રોજ 5677 કેસ, તા.9ના રોજ 6275 કેસ નોંધાયા છે. વધુમાં હવે ગુજરાત રાજ્યમાં આવતા 15 દિવસ સાવચેતી રાખવી ખૂબ જરૂરી બની છે. ખાસ તો ટ્રાવેલિંગ જેટલું ઓછું થાય તે હિતાવહ છે.
ગુજરાતના 82% કેસ આઠ મહાનગરોમાં!!
કડક રાત્રી કરફ્યુની અમલવારી છતાં પણ રાજ્યના 6275 કેસમાંથી આઠ મહાનગરોમાં જ 5187 લોકો સંક્રમિત થયાનું સામે આવ્યું છે. જેમાં રાજ્યમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં 2487 લોકોના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. જ્યારે સુરતમાં પણ કોરોનાનો રાફળો ફાટતા 1696 કેસ પોઝિટિવ આવ્યા છે. અન્ય મહાનગરોમાં વડોદરા સિટીમાં 347 લોકો વાયરસની ઝપટે ચડ્યા છે તો રાજકોટમાં પણ કોરોના વધતા 194 કેસ પોઝિટિવ નોંધાયા છે. ગાંધીનગરમાં પણ કોરોના 150ને પાર પહોંચ્યો છે. ભાવનગરમાં કોરોના પોઝિટિવ કેસનો આંક 100ને આંબતા 97 લોકો સંક્રમિત થયા છે. જ્યારે જામનગરમાં 49 કેસ અને જૂનાગઢ શહેરમાં 45 કેસ નોંધાયા છે.કોરોનાના વધતા કેસની સામે રાજ્ય સરકાર દ્વારા આઠ મહાનગરોમાં કડક રાત્રી કરફ્યુ લદાવવામાં આવ્યો છે છતાં પણ આ આઠ મહાનગરોમાં જ રાજ્યના મોટાભાગના કોરોના કેસ નોંધાતા તંત્ર સહિત લોકોમાં પણ ચિંતાનો માહોલ દેખાઈ રહ્યો છે.
ઓમિક્રોન નેચરલ વેક્સિન?: નિષ્ણાંતો પણ ગોટે ચડ્યા!!
દુનિયાભરના દેશો સહિત ભારતમાં ખૂબ જ ઝડપથી ફેલાય રહેલા ઓમિક્રોન સંક્રમણમાં અત્યાર સુધી ગંભીર લક્ષણો જોવા મળ્યા નથી. અમુક નિષ્ણાંતોનું એવું કહેવું છે કે ઓમિક્રોન આપણા શરીરમાં એન્ટીબોડી બનાવે છે. એટલે ઓમિક્રોન થવો એ એક નેચરલ રસી કહી શકાય. ઓમિક્રોનથી સંક્રમિત થવાથી ફાયદો થશે. જોકે અમુક નિષ્ણાંતોએ આ પ્રકારની ધારણા પર ભારે અંસતોષ જાહેર કરતાં એનો વિરોધ કર્યો છે. તેમનું કહેવુ છે કે, ઓમિક્રોનને કુદરતી રસી સમજવાની ભૂલ ખતરનાક સાબિત થશે. આ પ્રકારની વાતો એવા બેદરકાર લોકો ફેલાવી રહ્યા છે જે સંક્રમણથી પેદા થતી શારીરિક હેરાનગતિથી પરિચિત નથી.
બજેટ વિખેરાઇ જશે?
બજેટ પૂર્વે સંસદના 400 કર્મચારીઓ પોઝિટિવ
સંસદમાં 400 કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવતા સરકારમાં હડકંપ મચી ગયો છે.જેમાં રાજ્યસભા સચિવાલયના 65, લોકસભા સચિવાલયના 200 તેમજ સંસદમાં કામ કરનારા બીજા 133 જેટલા લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. જેને લઈને બજેટની કામગીરી ખોરવાઈ જવાની ભીતિ છે. ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભા અધ્યક્ષ વૈકૈયા નાયડુએ ગાઈડલાઈન બહાર પાડી છે. રાજ્યસભા સચિવાલયમાં હવે અધિકારીઓ અને કર્મચારીઓ પૈકી કાર્યકરાઈ અધિકારીના હોદ્દાથી નીચેના કર્મચારીઓ પૈકી 50 ટકા આ મહિનાના અંત સુધી ઘરેથી જ કામ કરશે. વિકલાંગ અને ગર્ભવતી મહિલાઓને ઓફિસમાં હાજર રહેવામાંથી મુક્તિ અપાઈ છે.
તમામ જરુરી બેઠકો હવે ઓનલાઈન યોજાશે.
દૂધનો દાઝેલો છાશ પણ ફૂંકે દેશમાં આજથી પ્રિકોશન ડોઝ આપવાનું શરૂ
આજથી કોરોનાની રસીનો ત્રીજો ડોઝ આપવાની શરુઆત થઇ છે. એક કરોડથી વધારે સ્વાસ્થ કર્મચારીઓ અને ફ્રન્ટલાઈન વર્કર્સ તેમજ કો-મોર્બિડિટી ધરાવતા 60 વર્ષથી વધારે ઉંમરના લોકોને પ્રિકોશન ડોઝ એટલે કો ત્રીજો ડોઝ આપવામાં આવશે. કોરોનાની રસીનો બીજો ડોઝ લીધો હોય તેના નવ મહિના પછી આ પ્રિકોશન ડોઝ લઈ શકાય છે. ઉલ્લેખનીય છે કે, સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યુ હતું કે જે લોકો કોરોનાની રસીનો આ બૂસ્ટર ડોઝ લેવા માટે યોગ્ય હશે તેમને એસએમએસ મોકલવામાં આવશે. આ મેસેજ કો-વિન સિસ્ટમ દ્વારા મોકલવામાં આવશે. એક અધિકારીએ જણાવ્યું કે, લગભગ એક કરોડથી વધારે લોકોને બૂસ્ટર ડોઝ માટે મેસેજ મોકલવામાં આવ્યો છે. સોમવારથી રસીકણ કેન્દ્રો પર લોકો આવીને ડોઝ મેળવી શકે છે.