એકથી વધુ રોગ ધરાવતા દર્દીઓએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જરૂરી!!!
કોરોના જેવા અસંખ્ય વાઇરસ હવામાં જોવા મળતા હોય છે પરંતુ તે કેટલા ઘાતકી છે તેનો અંદાજો લગાવો ખુબજ કઠિન છે. ત્યારે કોરોના બાદ H3N2 વાઇરસ ધીમે ધીમે પોતાનો પગપેસારો કરી રહ્યો છે. પરંતુ લોકોએ ડરવાની જરૂરું નથી, માત્ર સાવચેતી રાખવામાં આવે તો આ વાઇરસ સહેજ પણ જોખમી નથી. તબીબોના મત મુજબ એકથી વધુ રોગ ધરાવતા દર્દીઓએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું જરૂરી છે. ત્રણ વર્ષ બાદ કોરોના મહામારીમાંથી રાહત મળી હતી, પરંતુ ઈન્ફલ્યુએન્ઝા વાયરસ H3N2એ ફરી ચિંતા વધારી છે. થોડા મહિનાઓથી શરદી અને તાવના કેસ ઝડપથી વધી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કર્ણાટક, પંજાબ અને હરિયાણામાં H3N2ને કારણે મૃત્યુ થયા છે. જો કે હજુ વધુ તપાસ ચાલુ છે.
હવામાનમાં બદલાવ આવતાજ ફ્લૂના કેસ ચોક્કસપણે વધે છે, પરંતુ આ વખતે વધુ દર્દીઓ સામે આવી રહ્યા છે. થોડા દિવસો પહેલા ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ કહ્યું હતું કે છેલ્લા બે-ત્રણ મહિનાથી ઈન્ફલ્યુએન્ઝા વાયરસના સબટાઈપ H3N2ને કારણે તાવ અને શરદી-ખાંસીના કેસમાં વધારો થઈ રહ્યો છે. નિષ્ણાતોનું કહેવું છે કે H3N2ને કારણે હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે.ડબ્લ્યુએચઓ અનુસાર, જ્યારે મોસમી ઈન્ફલ્યુએન્ઝાનો ચેપ લાગે છે, ત્યારે તાવ, ઉધરસ, માથાનો દુખાવો, સ્નાયુ અને સાંધાનો દુખાવો, થાક, ગળામાં દુખાવો અને વહેતું નાક જેવા લક્ષણો જોવા મળે છે.
કોમોરબીડ દર્દીઓએ સાવચેતી રાખવી ખુબજ જરૂરી છે અને તાવ ઉધરસ જેવા લક્ષણો દેખાઈ તો ત્વરિત તબીબોનો સંપર્ક સાધવો જોઈએ. દેશના આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર હાલ અત્યાર સુધીમાં ઓડિસામાં 59 કેસો H3N2ના સામે આવ્યા છે. અને જણાવ્યું છે કે દરેક લોકોએ કોવિડ ગાઈડલાઈનને યોગ્ય રીતે અનુસરવી જોઈએ. દેશના આરોગ્ય મંત્રાલયે આંકડાકીય માહિતી આપતા જણાવ્યું હતું કે, ભારતમાં 451 કેસો H3N2ના માત્ર બે માસના જ સમયમાં આવ્યા છે. આ વાતની ગંભીરતાને ધ્યાને લેતા માસ્ક અને સામાજિક દુરી જાળવવા અપીલ કરવામાં આવી છે. પરંતુ અત્યાર સુધીમાં માત્ર 5 ટકા જ કેસ એવા સામે આવ્યા છે જેમાં દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થયેલા હોઈ.
H3N2 વાઇરસથી બચવા આ સાવચેતી રાખો
- તમારા હાથ વારંવાર ધોવાનું રાખો. હાથ ધોવા માટે સાબુ અને પાણીનો ઉપયોગ કરો એટલુંજ નહીં સેનિટાઈઝરનો પણ ઉપયોગ કરવો જોઈએ
- ઉધરસ અથવા છીંક આવતી વખતે મોઢું ઢાકવું. આ પછી, અહીં-ત્યાં હાથ લગાવવાને બદલે, સાબુનો ઉપયોગ કરીને તેને ધોવા જોઈએ.
- તમારા ચહેરાને વારંવાર સ્પર્શ કરવાનું ટાળો. તમારી આંખો, નાક અને મોઢાને વારંવાર સ્પર્શ કરવાનું ટાળવું જોઈએ.
- ખૂબ ગીચ સ્થળોએ જવાનું ટાળો. બીમાર લોકોથી અંતર રાખો. માસ્ક પહેરવાનું રાખો. હેન્ડ સેનિટાઈઝર તમારી સાથે રાખો. કોઈપણ વ્યક્તિ સાથે હાથ મિલાવવાનું ટાળો.