ત્રીજી લહેર દરમિયાન ઓક્સિજન, વેન્ટિલેટર, રેમડેસીવીર સહિતની દવા-સાધનોની જરૂરિયાત નહીંવત
કોરોનાની ત્રીજી લહેરમાંથી દેશ પસાર થઈ રહ્યો છે. દરરોજ નવા કેસો નોંધાઇ રહ્યા છે પરંતુ રાહતના સમાચાર એ છે કે, જે રીતે અગાઉ પહેલી અને બીજી લહેર દરમિયાન પરિસ્થિતિ બેકાબુ બની હતી તેવું ત્રીજી લહેરમાં સહેજ માત્ર પણ જોવા મળ્યું નથી. પહેલી લહેરમાં દર્દીઓ અને તેમના પરિજનો બેબાકળા બન્યા હતા જ્યારે બીજી લહેર દરમિયાન હોસ્પિટલમાં ૯૦% સુધીનું વેઇટિંગ જોવા મળ્યું હતું. તમામ સરકારી હોસ્પિટલોની બહાર લાંબી કતારોમાં લોકો તેમના પરિજનના સારવાર માટે કલાકો સુધી રાહ જોતા હતા.
બીજી લહેર દરમિયાન ઓક્સિજન, વેન્ટિલેટર, રેમડેસીવીર સહિતની દવા તેમજ સાધનોની ભારે અછત જોવા મળી હતી. લોકો આ તમામ દવાઓ અને સાધનો માટે ઘાંઘા થયા હતા પરંતુ ત્રીજી લહેરમાં આવું કંઈ જ થયું નથી. ચોક્ક કેસની સંખ્યા મોટી છે પરંતુ તેની સામે ગંભીર લક્ષણ ધરાવતા દર્દીઓની સંખ્યા નહિવત જોવા મળી છે. સામાન્ય ઇન્ફેક્શનથી પીડાતા દર્દીઓ હોમ આઇસોલેટ થઈને જ સારવાર થતા નજરે પડી રહ્યા છે. મહત્વપૂર્ણ બાબત છે કે, ત્રીજી લહેરમાં કોઈ દર્દીને રેમડેસીવીર ઈનેક્શનની પણ જરૂર પડી હોય તેવું ધ્યાને આવ્યું નથી ત્યારે હવે ત્રીજી લહેરનો અંત પણ આવવા પર છે તેવું નિષ્ણાંતો કહી રહ્યા છે.
ગુજરાતની સ્થિતી અંગે ચર્ચા કરવામાં આવે તો રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં આજે ઘટાડો થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 16,617 કેસ નોંધાયા છે. બીજી તરફ 11,636 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 9,17,469 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 86.35 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી છેલ્લા 24 કલાકમાં 19 મોત થયા. આજે 1,16,936 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 6191, વડોદરા કોર્પોરેશનમાં 2876, સુરત કોર્પોરેશનમાં 1512, વડોદરા 779, સુરત 639, રાજકોટ કોર્પોરેશનમાં 410, ભાવનગર કોર્પોરેશન 399, ગાંધીનગર કોર્પોરેશન 398, આણંદ 291, ભરુચ 269, મહેસાણા 266, વલસાડ 246, પાટણ 213, રાજકોટ 211, ગાંધીનગર 203, અમરેલી 175, કચ્છ 175, નવસારી 154, જામનગર કોર્પોરેશન 138, બનાસકાંઠા 107, ખેડા 105, મોરબી 102, અમદાવાદ 86, જૂનાગઢ કોર્પોરેશન 80, સુરેન્દ્રનગર 72, દેવભૂમિ દ્વારકા 63, દાહોદ 42, જામનગર 42, સાબરકાંઠા 41, નર્મદા 40, ગીર સોમનાથ 38, જૂનાગઢ 37, છોટા ઉદેપુર 36, પોરબંદર 33, તાપી 31, પંચમહાલ 30, ભાવનગર 29, ડાંગ 19, અરવલ્લી 18, બોટાદ 12 અને મહીસાગર 9 કેસ નોંધાયા છે.
જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં એક્ટિવ કેસ 134837 કેસ છે. જે પૈકી 258 વેન્ટીલેટર પર છે, જ્યારે 134579 નાગરિકો સ્ટેબલ છે. 917469 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10,249 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે કોરોનાના કારણે 19 લોકોના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 6, સુરત કોર્પોરેશનમાં 2, સુરત 2, ભાવનગર કોર્પોરેશન 1, મહેસાણા 1, વલસાડ 3, નવસારી 1, બનાસકાંઠા 2 અને દાહોદમાં 1 દર્દીનું મોત થયું છે.
બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 5 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 570 લોકોને બીજો ડોઝ અપાયો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 3668 લોકોને પ્રથમ અને 16900 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 14210 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 52561 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ જ રીતે 15-18 વર્ષ સુધીની ઉંમરના 11598 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. પ્રીકોશન ડોઝ 17424 લોકોને અપાયો છે. આજે કુલ 1,16,936 લોકોનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં કુલ 9,63,45,327 લોકોને રસી અપાઈ છે
રાહતના સમાચાર: દેશના 4 સૌથી મોટા શહેરોમાં પીક ઉપર પહોંચી ત્રીજી લહેર
કોરોના વાયરસ મહામારીની ત્રીજી લહેર દેશના ચાર સૌથી મોટા શહેરોમાં પીક પર પહોંચી ગઈ છે. સાત દિવસના એવરેજ કેસમાં મુંબઈ, દિલ્હી, કોલકત્તા અને ચેન્નઈમાં સ્પષ્ટ ઘટાડો જોવા મળી રહ્યો છે. પરંતુ શુક્રવાર સુધી ગણવામાં આવેલી સાત-દિવસીય એવરેજ બેંગલુરૂ, પુણે, અમદાવાદ અને હૈદરાબાદ ચાર મોટા શહેરોમાં વધી રહી છે. તમને જણાવી દઈએ કે બેંગલુરી અને અમદાવાદમાં રાહતના સંકેત મળ્યા છે. શનિવાર સહિત છેલ્લા બે દિવસમાં દૈનિક કેસમાં ઘટાડો થયો છે. પરંતુ આ પ્રવૃત્તિને આગામી કેટલાક દિવસ સુધી સાત દિવસની એવરેજ માટે બનાવી રાખવી પડશે. આ આઠ શહેરોના કોવિડ આંકડાની જે મોટી તસવીર સામે આવી છે, તે છે કે સૌથી મોટા શહેરી કેન્દ્રો હવે દૈનિક સંક્રમણમાં ઓછુ યોગદાન આપી રહ્યાં છે. રાષ્ટ્રીય કેસના સાત દિવસની એવરેજ હજુ પણ વધવાની સાથે મહામારી હવે નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારમાં ફેલાતી જોવા મળી રહી છે. સત્તાવાર આંકડા અનુસાર હાલની લહેર દરમિયાન બેંગલુરૂ સૌથી વધુ પ્રભાવિત શહેર રહ્યું છે. તેણે સર્વાધિક પીક નોંધી છે. શહેરમાં 16 ડિસેમ્બરથી અત્યાર સુધી 3 લાખ કેસ નોંધાયા છે, જે માત્ર દિલ્હીના કુલ 3.4 લાખથી પાછળ છે. મુંબઈ શહેરમાં પણ મહામારી પીક પર હતી. ત્યાં સાત દિવસની એવરેજ 12 જાન્યુઆરીએ ઘટતા પહેલા વધીને 17465 થઈ ગઈ હતી. કોલકત્તા આગામી સ્થાન પર હતું, જેણે 13 જાન્યુઆરીએ 7069 ના ચાર સૌથી મોટા મહાનગરોમાં સૌથી નિચલા પીકની સૂચના આપી હતી.
રાજકોટ સિવિલ હોસ્પિટલના 14 ડોકટર સહિત 50 સંક્રમિત
કોરોનાની ત્રીજી લહેરમાં પોઝિટિવ કેસની સંખ્યા રાજકોટમાં જેટ ગતિએ વધી રહી છે ત્યારે કોરોના વોરિયર્સ એટલે કે દર્દીઓની સેવા કરતા તબીબો પણ હવે વાયરસમાં સપડાય રહ્યા છે. જેમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હાલ 14 તબીબો સહિત કુલ 50 કેસ પોઝિટિવ નોંધાયા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જુદા-જુદા વિભાગોમાં કુલ 3000 નો સ્ટાફ છે. ત્યારે હાલ થર્ડ વેવમાં તબીબો, નર્સિંગ સ્ટાફ અને વહીવટી સ્ટાફમાંથી કુલ 50 લોકો સંક્રમિત થયા છે. તો બીજી તરફ વધતી જતી સેમ્પલની સંખ્યા સામે ટેસ્ટિંગ માટે પણ વધુ એક નવું મશીન મુકવામાં આવશે. તો બીજી તરફ મેડિકલ કોલેજની લેબોરેટરીનું ટેસ્ટિંગનું ભારણ ઘટાડવા માટે જુદા-જુદા પાંચ તાલુકામાં ટેસ્ટિંગ લેબ શરૂ કરવામાં આવશે.